________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
આ મોટર ચાલે છે ને? તે ચાલકથી (ડ્રાઈવરથી), પેટ્રોલથી કે મશીનથી ચાલતી નથી. ભાઈ ! દુનિયા સાથે મેળ ન ખાય એવી વાત છે, પણ આ સત્ય વાત છે. ચાલકનો આત્મા જુદો, એના શરીરના રજકણ જુદા, પેટ્રોલના રજકણ જુદા, મશીનના રજકણ જુદા અને મોટરના પરમાણુ જુદા છે. બધું જ જુદું જુદું છે. મોટર ચાલે છે એ તો એના પરમાણુની ક્રિયાવતી શક્તિની તત્કાલીન યોગ્યતાથી ચાલે છે. બીજી ચીજ (ચાલક વગેરે) નિમિત્ત હો, પણ એનાથી મોટર ચાલતી નથી. આવું વસ્તુસ્વરૂપ છે છતાં પરનો પોતાને કર્તા માને વા પર પોતાનો કર્તા માને એ મૂઢતા છે.
અહા! આત્મા જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરેલો ભગવાન છે. તેનો આશ્રય કરવાથી એક સમયમાં અનંત ગુણોની અત્યંત પૂર્ણ પર્યાયો પ્રગટ થાય છે. તે પર્યાયો પોતાથી પ્રગટ થાય છે ને એમ ને એમ સાદિ-અનંત કાળ થયા કરશે. તેમાં કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય તે પોતાથી થાય છે, તેમાં સંઘયણ અને મનુષ્યપણું નિમિત્ત હો, પણ એનાથી કેવળજ્ઞાન થતું નથી. અહા! કેવળજ્ઞાનની પર્યાયો અનંતકાળ સુધી પ્રગટયા કરે છતાં દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું અંદર અનંતગુણરસથી ભરેલું રહે છે. નિગોદની પર્યાયના કાળમાં પણ દ્રવ્ય તો અંદર એવું ને એવું જ ભર્યું પડયું છે. અહા ! આવા નિજરસથીચૈતન્યરસથી ભરેલા ભગવાન આત્માને ઓળખી તેનો અનુભવ કરવો એનું નામ ધર્મ છે અને તે કરવા જેવું છે; બાકી બધું તો ધૂળધાણી ને વા-પાણી છે.
ભાઈ ! આવો ધર્મ પ્રગટ કરવો નથી તો ક્યાં જઈશ બાપુ! ચોરાસીના અવતારમાં રખડતાં રખડતાં માંડ આ અવસર આવ્યો છે. હવે એમાં આ ભગવાનનું કહેલું તત્ત્વ (નિજ અંત:તત્ત્વ) નહિ, ઓળખે તો કોણ જાણે મરીને ક્યાંય ચાલ્યો જઈશ. બધું જ ફરી જશે, સંયોગ ફરી જશે, ક્ષેત્ર ફરી જશે, ભાવ ફરી જશે, ક્યાંય નરક-નિગોદમાં ચાલ્યો જઈશ. પરના કર્તાપણાના અહંકારનું આવું ફળ છે બાપુ !
આ બોલવારૂપ ભાષાની પર્યાય થાય તે જડની પર્યાય છે, જીવ તેનો કર્તા નથી. જુઓ, ઘણાને પક્ષઘાત થાય ત્યારે બોલવા જાય પણ બોલી શકાતું નથી. કોણ બોલે ? એ તો જડની ક્રિયા થવા કાળે એનાથી થાય, તારાથી (-જીવથી) ન થાય. પાસે દસ-વીસ લાખની મૂડી થઈ હોય એટલે હું પૈસા કમાયો એમ અભિમાન કરે છે ને આખી જિંદગી મમતામાં કાઢે, પણ બાપુ! એ તો જિંદગી હારી જવાની વાત છે. ઓચિંતો મરણકાળે પક્ષઘાત થઈ આવે ને છોકરાને કહેવા જાય કે મારી પાછળ બેપાંચ લાખ શુભમાં વાપરજો- માંડ લવો વળે ત્યાં છોકરો કહે – “ બાપા, અત્યારે પૈસા ન સંભળાય, ધર્મમાં લક્ષ કરો.” ત્યાં તો દેહ છૂટી જાય ને ક્ષણમાં જીવ ક્યાંય દુર્ગતિમાં ચાલ્યો જાય. જુઓ આ સંસાર!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com