________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) કે જેમ નેત્ર ઘટપટાદિકને પ્રત્યક્ષ દેખાડે છે તેમ સમયપ્રાભૃત આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવગોચર દેખાડે છે. ૨૪૫.
સમયસાર ગાથા ૪૧૪: મથાળું “વ્યવહારનય જ મુનિલિંગને અને શ્રાવકલિંગને-એ બને લિંગોને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈલિંગને મોક્ષમાર્ગ કહેતો નથી' –એમ હવે ગાથામાં કહે છે:
* ગાથા ૪૧૪ : ટીકા ઉપરનું પ્રવચન * શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છે- એવો જે પ્રરૂપણ -પ્રકાર (અર્થાત્ એવા પ્રકારની જે પ્રરૂપણા ) તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી, કારણ કે તે (પ્રરૂપણા ) પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે....'
જુઓ, શું કહે છે આ? કે શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છે એવી જે પ્રરૂપણા તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી. મુનિદશામાં જે વ્રત-તપ આદિ વિકલ્પ ને નગ્નદશા છે તે સહચારીપણું કારણ છે, તેને વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહારપણે તે વ્યવહાર છે, પણ નિશ્ચયે તે આશ્રય કરવાલાયક નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પં. શ્રી ટોડરમલજીએ સ્પષ્ટતાથી ખુલાસો કર્યો છે કે હવે મોક્ષમાર્ગ તો બે નથી, પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય-મોક્ષમાર્ગ છે તથા જ્યાં મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો, પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ જાણવા મિથ્યા છે.” ભાઈ ! દ્રવ્યલિંગને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવાય પણ તેને મોક્ષમાર્ગ જાણવો મિથ્યા છે. દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ કહીએ એ તો આરોપિત કથન છે.
ભાવલિંગી સંત-મુનિવરને પંચમહાવ્રતાદિ પરિણામ હોય છે, નિયમથી હોય છે, તે ભાવો સહચારીપણે છે, પણ તે કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ નથી. તેને મોક્ષમાર્ગ કહીએ તે આરોપિત કથન છે, યથાર્થ નથી. ભાઈ ! તું વ્યવહારને વ્યવહારપણે જાણે તે બરાબર છે, પરંતુ તે ધર્મ વા ધર્મનું કારણ છે એમ નથી. બે નય છે એમ જાણવું તે બરાબર છે, પણ બન્ને નય આશ્રય કરવાલાયક છે એમ નથી. આશ્રય-યોગ્ય તો એક શુદ્ધ નિશ્ચયનય જ છે. સમજાણું કાંઈ...!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com