________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૧૯૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ત્યારે કોઈ કહે છે– તમે વ્યવહાર સાધન ઉડાવી દેશો તો શ્રાવકપણું ને મુનિપણું રહેશે નહિ.
અરે ભાઈ ! જો તને વ્યવહાર સાધનની-રાગની રુચિ... પ્રેમ છે તો તને શ્રાવકપણું ને મુનિપણું છે જ ક્યાં? તને તો તારો એકલો રાગ છે. મારગ તો વીતરાગસ્વરૂપ છે ભાઈ! શ્રાવકપણું ને મુનિપણું એ પણ (યથા સંભવ) વીતરાગદશા જ છે. વ્રતાદિનું હોવું એ તો તે તે દશાનો બાહ્ય વ્યવહાર છે. તેને ઉપચારથી સાધન કહેલ છે, ધર્મી પુરુષો તેને પરમાર્થ સાધન માનતા નથી.
હવે પછી અહીં પુણ્ય-પાપના ભાવ એની પર્યાયમાં છે માટે એને આત્મા કહેશે, પણ એ તો વિભ્રમને લઈને ઉત્પન્ન થનારા પરિણામ છે. પુણ્ય-પાપ આત્મા જ છે- એમ કહીને તે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થયા છે (બીજે નહિ) એમ જ્ઞાન કરાવવું છે. સમજાણું કાંઈ..? હવે કહે છે
‘જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે.' જોયું? બાર અંગનું જ્ઞાન તે ખાલી શબ્દો નથી. સ્વના આશ્રયે જે સમ્યજ્ઞાન પ્રગટ થાય તે ભાવશ્રુતજ્ઞાન અંગપૂર્વરૂપ સૂત્ર છે. ભાઈ! આ તો ભગવતસ્વરૂપ ભગવાન આત્માની ભાગવત કથા છે. નિયમસારમાં છેલ્લે કહ્યું છે કે- આ તો ભાગવત શાસ્ત્ર છે. ભગવાન ચૈતન્યરત્નાકર પ્રભુ તેની સ્થિરતાની રમતું માંડી પોતાના આનંદના બગીચામાં રમત ૨મે તેને સંયમ અને અંગપૂર્વ સૂત્ર કહ્યું છે. બાકી શબ્દો તે જ્ઞાન નહિ; અને શબ્દોની પરલક્ષી ધારણા થાય તે પણ જ્ઞાન નહિ; આત્મા નહિ.
હવે કહે છે– ‘જ્ઞાન જ ધર્મ-અધર્મ (અર્થાત્ પુણ્ય-પાપ) છે.' જુઓ પુણ્ય-પાપ એની પર્યાયમાં થાય છે માટે એને આત્મા કહ્યો છે. પણ તે ઉત્પન્ન કેમ થાય છે? તો આગળ કહેશે કે વિભ્રમ તેની ઉત્પત્તિનું મૂળ છે. તે ભલે જીવની પર્યાયમાં ઉત્પન્ન થાય પણ તે પરસત્તાવલંબી ભાવ બંધરૂપ છે, બંધના કારણ છે.
તો પછી જ્ઞાન જ ધર્મ-અધર્મ છે એમ કેમ કહ્યું છે?
ભાઈ ! અહીં તો સ્વનાં દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વકીય છે, પ૨થી ભિન્ન છે, ૫૨ નથી– એમ સિદ્ધ કરવું છે. તેથી એની પર્યાયમાં જે શુભાશુભ ભાવ થાય છે તેને અહીં આત્મા કહ્યો છે. પોતાની પર્યાય તે પોતે-એવી શૈલીથી અહીં વાત છે. તેથી સમ્યગ્દર્શન, સંયમ, અંગપૂર્વ સૂત્રની નિર્મળ પર્યાય ને ધર્મ-અધર્મની વિભાવરૂપ મલિન પર્યાય તેને અહીં આત્મા કહ્યો છે.
અહા! જ્ઞાન જ ધર્મ-અધર્મ છે. પુણ્ય-પાપના ભાવ તે અશુદ્ધ પર્યાયો જીવની છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે આત્મા-એમ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com