________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૩
સમયસાર ગાથા ૩૧૪-૩૧૫ ]
અનાદિથી જ જીવને સ્વપરના નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન નથી, ભેદજ્ઞાન નથી. તેથી અનાદિથી જ નિમિત્તને આધીન થઈને એણે સ્વ-આધીનપણું છોડી દીધું છે. ત્યાં પ્રકૃતિના ઉદયના નિમિત્તને આધીન થઈને તેને જે ભાવ થાય છે તે નવા કર્મબંધનું નિમિત્ત છે. અહા! તેને (પ્રકૃતિના સ્વભાવને) જ્યાં સુધી જીવ છોડતો નથી ત્યાં સુધી સ્વપરના એકત્વજ્ઞાનથી તે અજ્ઞાની છે.
નિમિત્તને આધીન થઈ પરિણમતાં વિકાર જ થાય છે. ચાહે તે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો શુભરાગ હો, તોપણ તે વિકાર જ છે, ચૈતન્યમૂર્તિ પ્રભુ વિકારથી ભિન્ન જ છે. પરંતુ જ્યાં સુધી તે બન્નેની ભિન્નતા ન જાણે અર્થાત્ બન્નેમાં એકપણું જાણે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે. લ્યો, આ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ જાણે એ અજ્ઞાની છે એમ અહીં કહે છે. હવે આવું ઓલા વ્યવહાર-રસિયાઓને કઠણ પડે પણ શું થાય?
સ્વ નામ જ્ઞાનદર્શનસ્વભાવી ભગવાન આત્મા અને પર નામ પ્રકૃતિને આધીન થવાથી ઉપજતા-વિણસતા વિકારના પરિણામ. અહા ! આ બન્ને ભિન્ન છે છતાં બન્નેમાં જ્યાં સુધી એકપણું જાણતો થકો પરિણમે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે.
અહીં પહેલાં જ્ઞાનથી વાત કરી છે, દષ્ટિથી નહિ. ગાથા ૧૭-૧૮ માં પણ એમ લીધું છે કે પ્રથમ જાણવું, જાણેલાનું શ્રદ્ધાન કરવું અને પછી તેમાં ઠરવું; કેમકે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જ્ઞાનમાં જાણ્યા વિના શ્રદ્ધા કોની ? મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ કહ્યું છે કે નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણ્યા વિના શ્રદ્ધા કોની કરવી? જાણ્યા વિનાનું શ્રદ્ધાન તો ગધેડાનાં શીંગડાં સમાન છે. અર્થાત્ ગધેડાને શીંગ નથી તેમ જાણ્યા વિનાની શ્રદ્ધા તે શ્રદ્ધા નથી. અહીં કહે છે પોતાને બંધનું નિમિત્ત એવા પ્રકૃતિના સ્વભાવને જ્યાં સુધી છોડતો નથી ત્યાં સુધી સ્વપરના એકપણાના જ્ઞાનથી જીવ અજ્ઞાયક છે, અજ્ઞાની છે.
વળી સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાને લીધે જ્યાં સુધી પ્રકૃતિના સ્વભાવને છોડતો નથી ત્યાંસુધી સ્વપરના એકત્વદર્શનથી એટલે કે એકપણાના શ્રદ્ધાનથી જીવ મિથ્યાદષ્ટિ છે. શું કીધું?
-કે ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ નિત્ય છે. અને
-શુભાશુભ વિકલ્પની જે વિકૃત વૃત્તિ ઉઠે છે તે પ્રકૃતિનો સ્વભાવ છે. હવે પ્રકૃતિનો સ્વભાવ કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને જ્યાં સુધી છોડે નહિ ત્યાં સુધી
સ્વપરના એકત્વરૂપ શ્રદ્ધાનથી જીવ મિથ્યાદષ્ટિ છે. ભાઈ ! દયા, દાન, વ્રત આદિ શુભરાગથી લાભ માનનાર જીવ શુભરાગને પોતાનું સ્વ માને છે અને તેથી સ્વપરના એકત્વશ્રદ્ધાનથી તે મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com