________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૨૬૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ ભાવકર્મનો અકર્તા જ છે, કર્મપ્રકૃતિનો ઉદય જ ભાવકર્મને કરે છે; અજ્ઞાન, જ્ઞાન, સૂવું, જાગવું, સુખ, દુ:ખ, મિથ્યાત્વ, અસંયમ, ચારગતિઓમાં ભ્રમણ-એ બધાંને, તથા જે કાંઈ શુભ-અશુભ ભાવો છે તે બધાયને કર્મ જ કરે છે; જીવ તો અકર્તા છે.”
શું કહે છે? આ આત્મા જે વસ્તુ છે તેમાં જે શુભાશુભ વિકાર અને અલ્પજ્ઞદશા થાય છે તે કોઈ કર્મનું કાર્ય નથી. મિથ્યાત્વાદિ ભાવ મોહનીય કર્મને લઈને નથી; તથા અલ્પજ્ઞદશા જ્ઞાનાવરણીય કર્મને લઈને નથી. તો કેવી રીતે છે? તો કહે છે-અજ્ઞાનવશ જીવ પોતે જ તેનો કર્તા છે. અહીં પ્રથમ જીવનો પર્યાયસ્વભાવ સ્વતંત્ર સત્ હોવાનું સિદ્ધ કરે છે. વિકાર, અલ્પજ્ઞતા આદિ જીવને કર્મના કારણે થાય છે એ માન્યતા તદ્દન વિપરીત છે.
જુઓ, કોઈ અન્યમતવાળા ઈશ્વરને કર્તા માને, ઈશ્વરને લઈને બધું થાય છે એમ માને અને કોઈ જૈન ( –જૈનાભાસી ) મુનિઓ કર્મને લઈને બધું થાય છે, અલ્પજ્ઞતા આદિ કર્મ જ કરે છે એમ માને- ત્યાં એ બન્ને મિથ્યાદષ્ટિ છે. અહા ! જૈન મુનિઓ પણ સ્યાદ્વાદને સમજ્યા વિના એકાંત અભિપ્રાય કરે કે- ‘આત્મા ભાવકર્મનો અકર્તા જ છે, કર્મપ્રકૃતિ જ ભાવકર્મને કરે છે' –એ મિથ્યાદર્શન છે.
પ્રત્યેક જીવ દ્રવ્યે શુદ્ધ છે, જ્ઞાનસ્વરૂપ અકર્તા છે. આ લીમડો છે ને? એ લીમડાના પાંદડામાં અસંખ્ય શરીર છે અને એકેક શરીરમાં એકેક જીવ છે. તે પ્રત્યેક જીવ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય અકર્તા છે. આમ હોવા છતાં તેની પર્યાયમાં જે અલ્પજ્ઞતા ને વિકારની દશા થાય તે પોતાથી થાય છે, જડ કર્મને લઈને તે દશા થાય છે એમ નથી. તે વિકારની દશા તે તે પર્યાયનો સ્વભાવ છે. (તેને પ્રકૃતિસ્વભાવ કહીએ એ તો નિમિત્તનું કથન છે).
અહા ! વિકારની દશા મને મારાથી મારામાં થઈ છે, છતાં મારી શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુમાં વિકાર નથી એવી જે પુરુષને અંતર્દષ્ટિ પ્રગટ થઈ છે તેને ધર્મી પુરુષ કહીએ. ભાઈ! જૈનધર્મ એટલે શું? કે હું તો અખંડ એક જ્ઞાયકસ્વભાવી ચૈતન્યજ્યોતિમાત્ર વસ્તુ આત્મા છું-આવી નિર્વિકાર નિર્મળ અંતઃદષ્ટિ થવી તે જૈન ધર્મ છે. જૈનધર્મ એ કોઈ વાડો કે સંપ્રદાય નથી; જૈનધર્મ તો વસ્તુનું સ્વરૂપ છે.
ભાઈ! આ ન્યાયથી સમજે તો સમજાય એવું છે. આત્મા શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિથી ત્રિકાળ ભિન્ન છે, કેમકે એ બધાં અત્યંત જડ છે; તેનો કર્તાહર્તા આત્મા નથી. પરંતુ એની પર્યાયમાં જે પુણ્ય-પાપ આદિ ભાવ અને અલ્પજ્ઞ દશા છે તે દશા પોતાનું જ કાર્ય છે, તે દશા કર્મનું કાર્ય નથી. અહા! પર્યાયની આવી સ્વતંત્રતા સ્વીકારે તે પર્યાયબુદ્ધિ છોડીને સ્વભાવષ્ટિ કરે-કરી શકે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com