________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૨૦ ]
[ ૧૬૯ અહા ! સમ્યગ્દષ્ટિ ધર્માત્મા એમ ભાવે છે કે હું નિર્વિકલ્પ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, પરમ-ઉદાસીન છું, અને જગતના સર્વ જીવો પણ સ્વભાવે આવા જ છે. સૂક્ષ્મ નિગોદના જે અનંત જીવ છે તે પ્રત્યેકનું સ્વરૂપ આવું શુદ્ધ સચ્ચિદાનંદમય છે. લીલોતરીનાં પાંદડે. પાંદડે અસંખ્ય જીવ છે; તે દરેક જીવનું દ્રવ્ય શુદ્ધ ચિદ્દઘન આનંદઘન જ છે. લ્યો, ચોથા ગુણસ્થાનવાળો જીવ હું આવો છું ને સર્વ જીવો પણ આવા જ છે એમ ભાવે છે. જગતના સર્વ જીવોને ધર્માત્મા દ્રવ્યદૃષ્ટિથી આવા જુએ છે.
અહા ! આવો શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યવન, જ્ઞાનમૂર્તિ પ્રભુ આત્મા હું છું એમ શામાં જણાય? તો કહે છે-અતીન્દ્રિય આનંદની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા સ્વસંવેદનજ્ઞાનમાં તે જણાય છે. આ સિવાય તે પર ભગવાનથી જણાય નહિ ભગવાનની વાણીથી પણ જણાય નહિ, ને વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ ઉઠે છે એનાથી પણ તે જણાય એમ નથી, અહીં તો નિર્વિકાર સ્વસંવેદન-લક્ષણ જે ક્ષયોપશમરૂપ જ્ઞાન છે એનાથી ભગવાન આત્મા જણાય તેવો છે એમ કહે છે. પોતે સ્વ-સંવેદ્ય છે ને? મતલબ કે સ્વાનુભવની દશામાં જે જ્ઞાન સ્વાભિમુખ થયું છે તેમાં જ તે જણાય એવો છે, બીજી કોઈ રીતે તે પ્રાપ્ત થાય એમ નથી. આવી વાત છે. લોકોને આ આકરું લાગે છે, પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ તો જેવું છે તેવું જ છે. એને જાણ્યા વિના એ બહારમાં વ્રતાદિના વ્યવહારથી પ્રાપ્ત થશે એમ બફમમાં ને બફમમાં કાળ ગયો તો ક્યાંય ચારગતિરૂપ સંસારમાં રઝળી મરીશ.
વ્રતાદિનો વ્યવહાર છે એ તો બધો રાગ છે બાપુ! ભાવપાહુડની ૮૩ મી ગાથામાં આચાર્ય ભગવાન કહે છે કે પૂજા ને વ્રતના જે ભાવ થાય છે તે પુણ્ય છે, એ કાંઈ જૈનધર્મ નથી; એક વીતરાગ પરિણામ થાય, સમ્યગ્દર્શન-જ્ઞાનના પરિણામ થાય એ જ જૈનધર્મ છે અને એ જ મુક્તિમાર્ગ છે. સમજાઈ છે કાંઈ....?
અહા! હું મારી કેવળજ્ઞાન આદિ અનંત શક્તિઓથી ભરેલો પૂરણ પરમાત્મા છું, નિશ્ચયથી મારો આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય, અનંતસ્વચ્છતા, અનંતપ્રકાશ, અનંતપ્રભુતા આદિ અનંત શક્તિઓથી ભરિતાવસ્થ છે. સમ્યગ્દષ્ટિ-ધર્મની પહેલી સીડીવાળો જીવ પોતાના આત્માને આ રીતે ભાવે છે, ધ્યાવે છે. જગતના બધા જ આત્માઓ પણ શક્તિએ ભગવાન છે, રાગદ્વેષાદિ વિભાવથી રહિતશૂન્ય છે, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન છે-એમ તે જાણે છે. અહા! જે ભાવે તીર્થકર નામકર્મ બંધાય તે ભાવ પણ વિભાવ એટલે વિપરીત ભાવ છે અને એનાથી ભગવાન આત્મા શૂન્ય છે, એમ સમકિતી જાણે છે. અહો! જેમાં જગતના સર્વ જીવ સમાનપણે શક્તિએ પરિપૂર્ણ ભાસે છે એવી સમકિતીની આ ભાવના કોઈ અચિંત્ય ને અલૌકિક છે. અહા! અનંત શક્તિથી ભરિયો. પૂરણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com