________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ શરીરની જે પર્યાય થાય તે એના પરમાણુના કારણે થાય છે, એને આત્મા કરી શકે છે એમ નથી. આ રોટલો આમ (હાથમાં) રહે છે તે એની (રોટલાની) પર્યાય છે, તે આંગળીથી રહે છે એમ નથી. રોટલાની અવસ્થાનું કર્તાકર્મપણું રોટલામાં છે, આંગળી કર્તા થઈને એને પકડી રાખવાનું કર્મ કરે છે એમ છે નહિ.
પણ દેખાય છે શું? આંગળી રોટલાને પકડતી દેખાય છે ને?
અરે ભાઈ ! એ તો સંયોગદષ્ટિથી જોનારને એમ દેખાય છે, પણ એ (–એમ માનવું) તો અજ્ઞાન છે; કેમકે રોટલો આંગળીને અડયો જ નથી. રોટલો રોટલામાં ને આંગળી આંગળીમાં-બન્ને ભિન્ન ભિન્ન પોત-પોતામાં રહેલાં છે, લ્યો, આવું ઝીણું! તત્ત્વનો વિષય બહુ ઝીણો છે ભાઈ ! અજ્ઞાનીને સ્થૂળદષ્ટિમાં આ બેસવું મહાકઠણ છે.
જ્યાં હોય ત્યાં કર્મથી થાય, નિમિત્તથી થાય એમ માંડી છે એણે. પણ અહીં કહે છે-“તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે.”
જગતમાં બહારથી બીજાને સુખી કરીએ, દુ:ખી કરીએ એમ નિમિત્તનૈમિત્તિક સંબંધથી બોલાય ભલે, પણ એમ થઈ શકતું નથી; કોઈ કોઈને સુખી-દુઃખી કરી શકતું નથી. તેથી જ્ઞાનીને “હું પરને દુઃખી-સુખી કરું' એવો અધ્યવસાય હોતો નથી, પરંતુ અજ્ઞાનીને એવો અધ્યવસાય હોય છે. અહા ! ધર્મ કોઈ અલૌકિક ચીજ છે ભાઈ ! આ પરની દયા પાળી કે બીજાને સાધન-સામગ્રી આપી એટલે માને કે ધર્મ થઈ ગયો; તો કહે છે-મૂઢ છો કે શું? એમાં ક્યાં ધર્મ છે? ધર્મ કોને થાય! કે હું પર જીવોને સુખી-દુ:ખી કરી શકું નહિ, અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રી દઈ શકું નહિ એમ માનતો થકો માત્ર જ્ઞાતાદષ્ટાપણે રહે તેને ધર્મ થાય છે. પોતાને વિકલ્પ આવે તેમાં એકત્વ નહિ કરતો તેનો જાણનાર માત્ર રહે તે ધર્મી છે. અહા ! લ્યો, જ્ઞાની-અજ્ઞાનીમાં આવો ફેર! ભાઈ ! દુનિયા સાથે વાતે વાતે ફેર છે. આવે છે ને કે
આનંદા કહે પરમાનંદા, માણસે માણસે ફેર; એક લાખે તો ના મળે, એક તાંબિયાના તેર.
તેમ અહીં ભગવાન કહે છે (અજ્ઞાનીને) કે તારે ને મારે વાતે વાતે ફેર છે. તારી લાખ વાતોમાંથી એકેય સાથે મારે મેળ ખાય એમ નથી. તારી માન્યતામાં જે ઊંધાં લાકડાં ગરી ગયાં છે એને મારી વાત સાથે ભારે (ઉગમણા-આથમણો) ફેર છે.
અહા! ધર્મી જ્ઞાની પુરુષની દષ્ટિ શુદ્ધ ચૈતન્યતત્ત્વ પર હોય છે. તેણે પોતાનો એક જ્ઞાયકભાવ એકલા જ્ઞાનરસનો કંદ પ્રભુ આત્માને પોતાના ધ્યેયમાં લીધો છે. તેને નથી પરનું આલંબનકે નથી રાગનું આલંબન. તેથી હું પરને સુખી-દુ:ખી કરું ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com