________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ]
[ ૩૯ મારવા-જીવાડવાનો કે ભોગનો ભાવ થયો એને જ્ઞાનમાં રાગની-કષાયની હયાતી થઇ ગઈ. અહાહા..! ભગવાન આત્મા અકષાયસ્વભાવી પ્રભુ ત્રિકાળ પવિત્ર શુદ્ધ છે. એની રુચિ છોડી પરપ્રવૃત્તિની રુચિ કરે એને તો ઉપયોગમાં રાગાદિની હયાતી થઈ જશે અને તેથી ત્યાં હિંસાથી બંધ જ થશે એમ કહે છે.
જ્ઞાનીને રાગની રુચિ છૂટી ગઇ છે. તેને જે ચારિત્રમોહસંબંધી રાગ હોય છે તે પૃથક જ રહે છે, તેમાં તે એકત્વપણે વર્તતો નથી પણ એનાથી પૃથકપણે વર્તે છે. ખરેખર તો જ્ઞાનીના જ્ઞાનમાં રાગ જણાય છે તે પરયપણે જ જણાય છે. જ્યારે અજ્ઞાનીના જ્ઞાનમાં રાગાદિ જણાય છે તે એકમેકપણે જણાય છે, જાણે રાગાદિ સ્વરૂપભૂત હોય તેમ તે રાગાદિને આત્મામાં સ્થાપે છે. તેથી રાગની રુચિવાળો અજ્ઞાની પરને હણશે ત્યાં તેને હિંસા થશે જ. બંધ થશે જ. અહા ! આવી વાત બીજે કયાંય છે નહિ.
હવે અહીં સિદ્ધાંત કહે છે-“જ્યાં જીવને જિવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ અર્થાત્ તે અભિપ્રાયને પણ નિશ્ચયનયમાં મિથ્યાત્વ કહ્યું છે તો મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય? હોય જ.'
શું કહ્યું? હું પરદ્રવ્યની પર્યાયને કરું, પરને જીવાડું, સમાજનું ભલું કરું, કુટુંબનો નિર્વાહ કરું, લોકોને કારખાનાં ચલાવીને રોજી-રોટી દઉ વગેરે બધા જે અભિપ્રાય છે તે મિથ્યાત્વ છે એમ કહે છે. કેટલાય લોકો પાસે કરોડો-અબજોની સંપત્તિ હોય અને કારખાનાં વગેરે ઉદ્યોગ-વેપાર ચલાવે અને નિવૃત્તિ ન લે. વળી કહે કે અમે કાંઈ પૈસા કમાવા ઉદ્યોગ-વેપાર કરતા નથી પણ બિચારા હજારો માણસો પોષાય છે તેથી કરીએ છીએ તેને કહીએ છીએ કે ભાઈ ! તારો એ અભિપ્રાય મિથ્યાત્વ છે. બીજા લોકો નભે છે તે શું પોતાના પુણ્યથી નભે છે કે તારા કારણે નભે છે?
આગળ આવશે કે પરને હું સુખી કરું, આહાર, ઔષધ, વસ્ત્ર આદિ સગવડતા બીજાને દઉ–દઈ શકું ઇત્યાદિ અભિપ્રાય મિથ્યાષ્ટિનો છે અને તે જ બંધનું કારણ છે, કોણ દે બાપુ? એક રજકણ પણ તારાથી બીજે દેવાય એવું તારું સામર્થ્ય નથી. એ તો જગતનું તત્ત્વ છે અને તે પોતાની ક્રિયાવતી શક્તિના કારણે પોતાની યોગ્યતાથી આવે છે ને જાય છે. હવે એને ઠેકાણે એમ માને કે મેં આહાર-ઔષધ આદિ આપ્યાં, પૈસા આદિ આપ્યા તો એ તો મિથ્યાત્વ છે. એ પૈસા આદિ કે દિ' એનામાં (આત્મામાં) છે? એ તો જડના છે બાપુ! ને જડનો સ્વામી જડ હોય. જડનો સ્વામી પોતે (–આત્મા) થાય એ તો મૂઢ મિથ્યાદષ્ટિ છે સમજાણું કાંઈ..?
અહીં તો રાગનો સ્વામી થાય એ મિથ્યાદષ્ટિ છે તો પછી મેં આ દીધું ને તે દીધું એમ અભિપ્રાય રાખી પરનો કે જડનો સ્વામી થાય એની તો શી વાત?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com