________________
[ ૨૮૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ] સમ્યગ્દર્શન છે. હવે આત્મા શું ને નવતત્ત્વ શું એની ખબરેય ન હોય ને આ અમને ભગવાનની શ્રદ્ધા છે એ સમકિત અને આ વ્રત લઈએ તે ચારિત્ર એમ કોઈ માને છે પણ બાપુ! એ તો બધાં એકડા વિનાનાં મીંડાં છે ભાઈ ! સમ્યગ્દર્શન કે જેને ચોથું ગુણસ્થાન કહીએ, જે શ્રાવક થવા પહેલાં આવે છે, તેનો આશ્રય, અહીં કહે છે, એક શુદ્ધ આત્મા જ છે; ભગવાનેય નહિ ને નવતત્ત્વય નહિ. આમાં શ્રાવક કહ્યા તે આ વાડાના શ્રાવક નહિ, એ તો બધા સાવજ છે; આ તો વીતરાગી શાંતિ અને સ્થિરતા કાંઈક થયાં છે એવા પંચમગુણસ્થાનવાળા શ્રાવકની વાત છે.
અહાહા...! શું કહે છે? કે જીવાદિ નવ પદાર્થોની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ હો કે ન હો, શુદ્ધ આત્માના સદભાવથી જ દર્શનનો અભાવ છે. આનો અર્થ શું થયો? કે નવ પદાર્થોનું ભેદરૂપ શ્રદ્ધાન કાંઈ વસ્તુ નથી, અર્થાત્ એનાથી સમ્યગ્દર્શન નથી, પણ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના જ આશ્રય સમ્યગ્દર્શન થાય છે.
ત્યારે કોઈ વળી કહે છે આ અધ્યાત્મવાળા એક શુદ્ધ આત્માને જ આશ્રય-ધ્યેય બનાવે છે તે એકાંત છે, બીજે નવપદાર્થોનો આશ્રય પણ કહ્યો છે.
અરે ભાઈ ! બીજે નવતત્ત્વના આશ્રયે શ્રદ્ધાને કહ્યું છે એ તો વ્યવહાર છે અને એ તો અહીં પહેલાં કહ્યું ને તેનો નિષેધ કર્યો, કેમકે આત્મદર્શન વિના વ્યવહાર કાંઈ નથી અર્થાત્ રાગદ્વેષમોહુ જ છે. ભાઈ ! શુદ્ધ ચિદાનંદઘન એકલા જ્ઞાન ને આનંદ દળ પ્રભુ આત્મા છે તે એકમાં અંતર્મુખાકાર થઈ એનું દર્શન-શ્રદ્ધાન કરે તે વાસ્તવિક નિશ્ચય સમ્યગ્દર્શન છે. નારકીને પણ આવું સમ્યગ્દર્શન થાય છે પણ તે આ રીતે જ, અને ત્યારે તેને જે, નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન હોય છે તે વ્યવહાર છે. આ પ્રમાણે અનેકાન્ત છે.
પ્રશ્ન- પણ કાળલબ્ધિ હોય ત્યારે સમ્યગ્દર્શન થાય ને?
ઉત્તર:- કાળલબ્ધિ એ સમયે જ હોય છે. અહાહા...! અંદર ત્રિકાળી ધ્રુવ સ્વસ્વભાવ એક જ્ઞાયકભાવને જ્યાં ધ્યેય બનાવ્યો ત્યાં તે જ સમયે
-સ્વભાવનો આશ્રય થયો, -કાળલબ્ધિ થઈ ગઈ, -વર્તમાન પર્યાયનો પુરુષાર્થ થઈ ગયો, -કર્મનાં ઉપશમ આદિ પણ થઈ ગયાં અને
–થવા યોગ્ય સમ્યગ્દર્શનની પર્યાય જ થઈ તે ભવિતવ્ય થયું. એક સાથે પાંચે સમવાય મળ્યાં. આ પ્રમાણે શુદ્ધ આત્માના જ આશ્રયે સમ્યગ્દર્શન થાય છે અને એમાં પાંચ સમવાય સમાઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com