________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૧૧
સમયસાર ગાથા-૨૧૫ ] કે જે ભાવથી આહારક શરીર બંધાય (આહારક શરીર આહારક ઋદ્ધિધારી મુનિને હોય છે) તે ભાવ અપરાધ છે કેમકે તે રાગ છે, બંધનું કારણ છે. અહા !! જે બંધનું કારણ હોય તે ધર્મ કેમ હોય ? ધર્મ તો અબંધ પરિણામ છે અને પંચમહાવ્રતાદિના પરિણામ તો આસ્રવ-બંધારૂપ છે. મારગ તો આવો છે ભાઈ ! કોઈ માની લે કે અમે મહાવ્રત પાળીએ છીએ તે ધર્મ છે તો એમ છે નહિ, કેમકે એ તો રાગ છે, ચારિત્રનો દોષ છે, ચારિત્ર તો સ્વરૂપમાં રમવું તે છે. શ્રી કુંદકુંદાચાર્યનું પ્રવચનસાર છે ને? તેમાં ‘સ્વરૂપે વેરણ વારિત્ર’–સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે એમ કહ્યું છે. અહાહા.! ચારિત્ર કોને કહીએ? કે અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં-સ્વ-સ્વરૂપમાં રમવું, અંદર આનંદની કેલિ કરવી, અહાહા..! અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું એનું નામ ચારિત્ર છે.
અહીં કહે છે-ધર્મી જીવને એક આનંદની જ ભાવના છે. અહાહા....! પોતાની દશામાં એક આનંદ પ્રગટ કરવાની જ ધર્મીને ભાવના છે. જુઓ, અંદર અનંતગુણસ્વરૂપ પ્રભુ આત્મામાં એક “ભાવ” નામની શક્તિ છે. શું કહ્યું? કે જેમ આત્મામાં જ્ઞાનગુણ છે, આનંદગુણ છે તેમ “ભાવ” નામનો પણ તેમાં ગુણ છે. ૪૭ શક્તિના પ્રકરણમાં આ વાત આવે છે. હવે જેને અખંડ એકરૂપ ચિકૂપ પ્રભુ આત્માનું ભાન થયું છે તેને તે ભાનમાં અંદર જે ભાવશક્તિ છે તેની પણ પ્રતીતિ આવી છે. તો તે ભાવશક્તિનું કાર્ય શું છે? તો કહે છે કે ભાવશક્તિના કારણે તેને વર્તમાન કોઈ નિર્મળ પર્યાય થાય, થાય ને થાય જ; કરવી પડે એમ પણ નહિ, ગજબ વાત છે ભાઈ ! ભાવશક્તિનો ધરનારો ગુણી-પ્રભુ આત્મા શુદ્ધ અને ભાવશક્તિ પણ શુદ્ધ. અને તેનું કાર્ય શું? તો એનું કાર્ય એ છે કે સમયે સમયે આત્મામાં નિર્મળ પર્યાય થાય જ છે, હોય જ છે.
શું કહ્યું? કે કોઈ ગુણ છે તો તેનું કાર્ય પણ હોય ને? તેની પર્યાય હોય ને? તો ભાવશક્તિનું કાર્ય શું છે? તો કહે છે-જેને શક્તિ અને શક્તિમાન પ્રભુ આત્માની પ્રતીતિ થઈ છે તેને સમયે સમયે થવાવાળી નિર્મળ પર્યાય થયા વિના રહે જ નહિ, થાય જ-એ ભાવશક્તિનું કાર્ય છે. જે રાગ થાય તેની અહીં વાત નથી કેમકે ભાવશક્તિનું પરિણમન તો નિર્મળ પરિણમન થવું તે છે; અને ત્યારે જે મલિન પરિણામ આવે છે તેનો તો તે (જ્ઞાની) જ્ઞાતા જ છે. વળી તે મલિન પરિણામને જાણવાવાળી પર્યાય પણ શુદ્ધ ભાવશક્તિના કારણે ઉત્પન્ન થાય જ છે. ઝીણી વાત છે ભાઈ ! ભાવશક્તિના કારણે ઉત્પન્ન થયેલી નિર્મળ પર્યાય, જે પ્રકારનો રાગ બાકી છે તેને જાણતી સહજ પોતાથી ઉત્પન્ન થાય છે. અહાહા..! શુદ્ધ પરિણતિ કરવી એવું પણ ત્યાં કયાં છે? અહો ! સંતોએ અદ્દભુત વાતો કરી છે! અહા ! જગતને ન્યાલ કરી દીધું છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com