________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬ ]
થને રત્નાકર ભાગ-૭ પ્રશ્ન:- તો આ બધા-સ્ત્રી-પુત્રાદિ છે તેનું શું કરવું? તેમને કયાં નાખી દેવાં?
ઉત્તર:- અરે ભાઈ ! તેઓ (સ્ત્રી-પુત્ર આદિ) તારા હતા કે દિ'? તે દરેક ચીજ તો પ્રભુ! પોત-પોતાના અસ્તિત્વમાં જ છે. તારા અસ્તિત્વમાં તે કયાંથી આવી ગયાં કે તેનું શું કરવું એમ વિચારે છે? એ તો બધાં ભાઈ ! તારાથી પૃથક-ન્યારાં જ છે. અહીં તો વિશેષ એમ કહે છે કે-આ રાગ-અસંખ્યાત પ્રકારે થતા જે પુણ્ય-પાપના ભાવ-તે પણ ભગવાન! તારી શુદ્ધ ચૈતન્યસત્તામાં નથી. તેઓ રાગના અસ્તિત્વપણે છે, પણ તારા (શુદ્ધ આત્માના) અસ્તિત્વમાં કયાં છે? અહાહા..! આત્મા અને તે પુણ્ય-પાપના ભાવ ભિન્ન જ છે. ભાઈ ! પુણ્ય-પાપના ભાવ તો વિકાર છે, મેલ છે. (અને તું? તું તો અત્યંત શુચિ પરમ પવિત્ર પદાર્થ છો ).
જાઓ, ઉમરાળામાં એક છોકરો હતો. સુંદર એનું નામ. તે સુંદરને એવી ટેવ કે એ નવરો થાય એટલે નાકમાંથી મેલ કાઢે. આ ગંગો નથી કહેતા ? એ ગંગો નાકમાંથી કાઢે અને પછી ગંગાને બે દાંત વચ્ચે દાબે અને તેને જીભનું ટેરવું અડાડે. આ પ્રમાણે તે ગંગાનો સ્વાદ લે. તો કોઈ મિત્રો જોડે બેઠા હોય તો તે ટકોર કરે એટલે ગંગો કાઢી નાખે. પણ વળી જ્યાં નવરો થાય ત્યાં બીજો ગંગો કાઢે ને સ્વાદ લે. તેમ અજ્ઞાની જીવ ઘડીક દયા, દાનના ને સેવાના જે શુભભાવ થાય તે મારા છે એમ માનીને તેનો સ્વાદ લે છે અને ઘડીકમાં વિષય-કષાય આદિ પાપના ભાવનો સ્વાદ લે છે, આ બેય ગંગા જેવો મેલનો સ્વાદ છે. આકરી વાત છે પ્રભુ! પણ યથાર્થ છે. શુભ ને અશુભ વિકલ્પનો જે સ્વાદ છે તે મેલનો સ્વાદ છે, ઝેરનો સ્વાદ છે. છતાં અરેરે ! અજ્ઞાની જીવ તેના સ્વાદમાં અનાદિથી રોકાયેલો છે ! અહા ! તે દિગંબર સાધુ-મુનિ અનંત વાર થયો તોપણ તે રાગનો-જે મહાવ્રતાદિના પરિણામ હતા તેનો-સ્વાદ લઈને માનતો હતો કે મને આત્માનો સ્વાદ છે! પણ તેથી શું? (સુખ લેશ ન પાયો).
અહીં કહે છે–ધર્મી જીવને સમસ્ત પરદ્રવ્ય ને પરદ્રવ્યના સ્વભાવનો પરિગ્રહ નથી, પકડ નથી. તેને નથી પુણની પકડ કે નથી પાપની પકડ. અરે! જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવનીય જ્ઞાનીને પકડ નથી. અહા ! જેણે અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્માને અંતર અનુભવ કરીને ગ્રહ્યો છે તેને અન્ય પરિગ્રહ કેમ હોય? એ તો ગાથા ૨૦૭ માં આવી ગયું કે ધર્મી ને નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા જે પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે તેનો જ પરિગ્રહ છે. આત્મા જ જ્ઞાનીનો પરિગ્રહ છે. પછી પુણ્ય ને પાપની અને તેના ફળની પકડ એને કેમ હોય? ન જ હોય. હવે આવો વીતરાગનો માર્ગ ! એની દુનિયાને ખબર ન મળે એટલે બહારમાં (ક્રિયાકાંડમાં) ધર્મ માની બેસે પણ એમ કાંઈ બહારથી ધર્મ થઈ જાય?
હવે કહે છે-“એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com