________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૩ ]
[ ૧૫ ઇષ્ટ વા ભલાં જાણતો કે માનતો નથી. તે રાગ કે રાગના ઈલાજમાં તન્મય નથી. આવી અંતરની સૂક્ષ્મ વાત!
આગળ કહે છે-“વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દષ્ટિ વિરાણી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગદ્વેષમોહ નથી.”
અહાહા...! રાગ આવે છે તેને જ્ઞાની જ્ઞાનમાં જાણે જ છે (કર્તા થઈને કરે છે. એમ નહિ). ૧૨ મી ગાથામાં કહ્યું ને કે ભૂતાર્થસ્વભાવના આશ્રયે જેને સમકિત પ્રગટ થયું છે એવો જ્ઞાની પર્યાયમાં જે અસ્થિરતાનો રાગ આવે છે તેને તે તે કાળે જાણે છે અને તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ.
જ્ઞાતાપણાને લીધે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ વિરાણી ઉદયમાં આવેલાં કર્મને માત્ર જાણી જ લે છે. જુઓ, માત્ર જાણી જ લે છે એમ શબ્દ છે. ભોગોપભોગમાં હોવા છતાં જ્ઞાની રાગની અને શરીરાદિની ક્રિયા બધી પર છે એમ જાણે છે. પોતે જ્ઞાતાપણે પરિણમી રહ્યો છે ને? ભાઈ ! જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે તે કાળે પોતાને જાણતું જ્ઞાન, તે તે પ્રકારની રાગની અને શરીરાદિની ક્રિયાને (તેને અડ્યા વિના) જાણતું થયું પ્રગટ થાય છે. ભાઈ ! આ બધી અંતરની વાત સમજવી પડશે હોં; તેને સમજવા હમણાં જ નિવૃત્તિ લેવી જોઈએ, નહિ તો ૮૪ ના અવતારમાં ક્યાંય ગુમ થઈ જઈશ (પછી તક નહિ હોય).
કહે છે-ઉદયમાં આવેલા કર્મ પ્રત્યે જ્ઞાનીને રાગદ્વેષમોહ નથી અર્થાત્ જ્ઞાનીને રાગનો રાગ નથી. જ્ઞાનીને કિંચિત્ રાગ આવે છે પણ તેને રાગનો રાગ નથી અર્થાત્ રાગની રુચિનું પરિણમન નથી. તેને રાગનું કર્તાપણું કે સ્વામિત્વ નથી. રાગ મારી ચીજ અને તે મારું કર્તવ્ય એમ જ્ઞાની માનતો નથી. કહ્યું છે ને કે
ચક્રવર્તીકી સંપદા, અરુ ઇન્દ્રસરિખા ભોગ;
કાગવિ સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ. અહાહા..પુણ્યના ફળરૂપ ચક્રવર્તીપદ અને ઇન્દ્રપદના વૈભવને સમકિતી જીવ કાગડાની વિષ્ટા સમાન તુચ્છ ગણે છે. જેને આત્મા રુચ્યો છે તે જ્ઞાનીને સંસારના કોઈ પદમાં-સ્થાનમાં રુચિ નથી.
ત્યારે કોઈ કહે છે અમારે તો આ સમજવું કે પછી સ્ત્રી–બાળબચ્ચાંને સંભાળવામાં અને કમાવામાં રોકાવું?
અરે ભાઈ! સ્ત્રી–બાળબચ્ચાં સંભાળવામાં અને ધન કમાવામાં રોકાઈ રહેવું એ તો નર્યા પાપના ભાવ છે. ભગવાન! તને ખબર નથી કે એ સ્ત્રી-પુત્રપરિવાર અને ધન બધાં પડ્યાં રહેશે અને તું ચાલ્યો જઈશ. નિરંકુશ પાપ કરીને તું કયાં જઈશ ભગવાન! તીવ્ર પાપનું ફળ તો નરક-નિગોદાદિ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com