________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૯૩ અહીં કહે છે-પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય થતાં નિર્મળથી નિર્મળ જ્ઞાનપર્યાયો આપો આપ ઊછળે છે અર્થાત્ પ્રગટ થાય છે. નિર્મળથી નિર્મળ એટલે જ્ઞાન નિર્મળ-અતિનિર્મળ-એમ નિર્મળ નિર્મળ વધતું જ જાય છે. શાસ્ત્રજ્ઞાન કે ઉઘાડજ્ઞાન વધતું જાય છે એમ નહિ પણ આત્મજ્ઞાન (વીતરાગવિજ્ઞાન) વધતું જાય છે, દઢ થતું જાય છે એમ કહે છે.
આત્મજ્ઞાનનો અર્થ શું છે?
આત્મજ્ઞાન એટલે પર્યાયનું જ્ઞાન એમ નહિ, પરંતુ ત્રિકાળી દ્રવ્યનું જેમાં જ્ઞાન થાય તે આત્મજ્ઞાન છે. જોકે જ્ઞાન પોતે છે તો પર્યાય, પણ જ્ઞાન કોનું? કે ત્રિકાળી દ્રવ્યસ્વરૂપ આત્માનું.
અહાહાહા..! આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે, કે જેમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત બળ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત પ્રકાશ ને એવી એવી અનંત શક્તિઓ છે. તથા તે એક એક શક્તિ અનંત સ્વભાવે વિરાજે છે. ત્યાં કોઈ એક ગુણને બીજા ગુણની સહાય નથી. છતાં એક એક ગુણમાં બીજા અનંતા ગુણનું રૂપ છે.
એ શું કહ્યું?
કે જ્ઞાનગુણ છે તેમાં અસ્તિત્વગુણનું રૂપ છે. જે અસ્તિત્વગુણ છે તે જ્ઞાનગુણમાં નથી, પરંતુ જ્ઞાન છે”—એવું જે અસ્તિત્વ જ્ઞાનગુણમાં છે તે અસ્તિત્વ ગુણનું રૂપ છે. તેવી રીતે જ્ઞાનગુણમાં પ્રભુતા કે ઇશ્વર નામનો ગુણ નથી કેમકે તે તો બીજો ગુણ છે પરંતુ તે જ્ઞાનગુણમાં ઇશ્વર ગુણનું ને પ્રભુતા ગુણનું રૂપ છે, કેમકે જ્ઞાન ઇશ્વરસ્વરૂપ છે, પ્રભુસ્વરૂપ છે. અહાહા...! જેનો જે સ્વભાવ છે તેની તેમાં મર્યાદા શી હોય ? ' અરે ભાઈ ! તને ખબર નથી. ભગવાન આત્મા પોતે પરિપૂર્ણ પ્રભુ છે. તે એક એક ગુણે પરિપૂર્ણ છે. છતાં એક એક ગુણ ભિન્ન ભિન્ન છે. એક ગુણને બીજા ગુણની સહાય નથી. એક ગુણ બીજા ગુણને નિમિત્ત હો, પણ નિમિત્ત શું કરે ? તે ઉપાદાનમાં જતું નથી. અર્થાત્ એક ગુણ બીજા ગુણનું કાંઈ કરતો નથી છતાં દરેક ગુણનું રૂપ બીજા બધા ગુણમાં છે. જ્ઞાન “છે”—એમ જ્ઞાનનું અસ્તિત્વ પોતાથી છે, જ્ઞાનનું વસ્તુત્વ પોતાથી છે, જ્ઞાન પોતાથી કર્તા છે. આમ અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તા ગુણ તો ભિન્ન ભિન્ન છે પણ જ્ઞાનમાં તેમનું રૂપ છે. આમ અનંત ગુણમાં પ્રત્યેકમાં અનંત ગુણનું રૂપ છે. અહો ! આવો અનંત ગુણસમુદ્ર પ્રભુ આત્મા છે. તેનું જેણે અંતર્મુખ થઈને જ્ઞાન કર્યું છે તે બધાને પી ગયો છે એમ કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com