________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સુખ કેમ થાય, આત્મલાભ વા પરમ આનંદની પ્રાપ્તિ કેમ થાય તેનો ઉપાય અહીં સંતો બતાવે છે. કહે છે–ભગવાન! તું અતીન્દ્રિય મહાપદાર્થ છે અને વસ્તુપણે એક જ છે, અભેદ છે. વળી તું જ્ઞાનસ્વરૂપ છે અને તારો જ્ઞાનસ્વભાવ અભેદ એક જ છે. આવો એક સામાન્ય જે જ્ઞાનસ્વભાવ તેમાં એકાગ્ર થઈ અંતર્લીન થવું તે મોક્ષનો એટલે પરમ આનંદની પ્રાપ્તિનો ઉપાય છે. અહાહાહા ! જ્ઞાન જ્ઞાનમાં જ એકાગ્ર થઈ તેમાં જ રમણતા કરે તે દુઃખથી છૂટવાનો ઉપાય છે.
હવે કહે છે-“અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે.”
શું કહ્યું આ? કે આત્માનો જ્ઞાનસ્વભાવ સામાન્ય-સામાન્ય ત્રિકાળ એકરૂપ છે. તેમાં એકાગ્રતા થતાં શુદ્ધતાના-મતિશ્રુતજ્ઞાન આદિના અનેક પર્યાયો પ્રગટે છે; પરંતુ જે અનેક પર્યાયો પ્રગટે છે તેઓ, આ એક જ્ઞાનપદને ભેદતા નથી, પણ એક જ્ઞાનસામાન્યને જ અભિનંદે છે અર્થાત્ તેઓ જ્ઞાનસ્વભાવના એકપણાની જ પુષ્ટિ કરે છે. જે મતિશ્રુતજ્ઞાન આદિ ભેદો પ્રગટયા તે બધા સામાન્યમાં અભેદ થાય છે, તેથી અનેકપણે ત્યાં રહેતું નથી.
અહા! ભગવાન આત્મા સદા આનંદસ્વરૂપ છે. પરંતુ અહીં તો જ્ઞાનથી લેવું છે ને? કેમકે જ્ઞાનનો અંશ પ્રગટ છે. આનંદ પ્રગટ નથી, તો તે વડે જ્ઞાનમાં-જ્ઞાન કે જે એક પદ છે તેમાં-એકાગ્ર થાય તો આનંદ પ્રગટે. અહીં કહે છે-જ્ઞાનમાં એકાગ્ર થતાં જે મતિજ્ઞાન આદિ શુદ્ધતાના ભેદો પ્રગટે છે તે બધા જ્ઞાનપદને ભેદતા નથી. ખરેખર તો તેઓ સામાન્ય એક જ્ઞાનસ્વભાવમાં જ અભેદપણાને પામે છે. ભાઈ ! આ અખંડ એકરૂપ જે જ્ઞાયકભાવ તેની પરિણતિના જે ભેદો છે તે જ્ઞાયકને ભેદતા નથી પરંતુ તેઓ આ જ એક પદને અભિનંદે છે, ટેકો આપે છે. શું કહ્યું? વસ્તુ-ભગવાન આત્મા-ત્રિકાળ એકસ્વરૂપે છે; અને તેનું જ્ઞાન-ત્રિકાળી જ્ઞાનસ્વભાવ-પણ અભેદ એકસ્વરૂપે છે. હવે એમાં એકાગ્રતાથી શુદ્ધતાના જે અનેક ભેદો ઉત્પન્ન થાય છે તેઓ જ્ઞાનસામાન્યને ભેદતા નથી પણ સામાન્યની જ પુષ્ટિ કરે છે; પુષ્ટિ કરે છે એટલે શું? કે અભેદમાં જ તે ભેદો એકાગ્ર છે. ભલે વિશેષ (પર્યાયની શુદ્ધતા) વધે, તો પણ એ છે અભેદની એકાગ્રતામાં. એ ભેદો અભેદને ભેદરૂપ કરતા નથી પણ અભેદમાં એકાગ્ર તેઓ એક અભેદને જ અભિનંદે છે, પ્રસિદ્ધ કરે છે. આવી વાત! અહો ! અનંતકાળથી દુઃખના પંથે દોરાઈ ગયેલા જીવોને આ સુખનો પંથ આચાર્ય ભગવાન બતાવે છે.
અહીં શું કહે છે? કે સામાન્ય અભેદ એક જ્ઞાયકભાવમાત્ર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે. ત્યાં એક જ્ઞાયકભાવમાં એકાગ્રતા થતાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મન:પર્યયજ્ઞાન, કેવલજ્ઞાન-એમ જ્ઞાનની નિર્મળ-નિર્મળ પર્યાયો અનેકપણે થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com