________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૩ ]
[ ૧૬૫
જ્ઞાનાનંદસ્વરૂપ છે. આવા પોતાના સ્વરૂપમાં લીન થઈ પ્રવર્તતાં આનંદનો-નિરાકુળ આનંદનો રસમય સ્વાદ આવે છે. અહા ! આવા નિજરસના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે એમ કહે છે. આ સ્ત્રી આદિના શરીર તો ધાનનાં ઢીંગલાં છે. જો બે દિન ધાન ન મળે તો ફિક્કાં ફચ પડી જાય છે; કોઈ સામુંય ન જુએ હૈં! પરંતુ ઇન્દ્રાણીઓ જેને હજારો વર્ષે આહારમાં કંઠમાંથી અમૃત ઝરે છે તેમના ભોગ પણ જ્ઞાનીને દુઃખરૂપ લાગે છે, વિરસ લાગે છે–એમ કહે છે. કહ્યું છે ને કે
‘ચક્રવર્તીકી સંપદા, ઇન્દ્ર સરિખા ભોગ;
કાગ વિટ્ટુ સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ.’’
અહાહાહા...! કહે છે અન્ય રસ ફિક્કા લાગે છે. એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ-અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ-વીતરાગી સ્વાદની આગળ જગતના ભોગના, વિષયના ને આબરૂના સ્વાદ ફિક્કા લાગે છે. ‘તમે તો મહાન છે, બહુ ઉદાર છો' ઇત્યાદિ બહુ પ્રકારે પ્રશંસા કરવામાં આવતાં અજ્ઞાની રાજી-રાજી થઈ જાય છે; તેમા તેને રાગનો (હોંશનો ) રસ આવે છે. પરંતુ જ્ઞાનીને તે રસ ફિક્કો લાગે છે. અજ્ઞાની રાગના રસમાં ૨સબોળ થઈ જાય છે. જ્યારે જ્ઞાનીને સ્વરૂપના સ્વાદ આગળ બીજા બધા સ્વાદ ફિક્કાબેસ્વાદ લાગે છે. ભાઈ! જ્ઞાની ને અજ્ઞાનીની રુચિમાં બહુ ફેર છે. (એકને સ્વરૂપની રુચિ છે, બીજાને રાગની ).
હવે કહે છે–‘વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે.'
અહાહાહા...! જ્ઞાન ને આનંદ જેનું રૂપ નામ સ્વરૂપ છે એવા ભગવાન આત્માનો અનુભવ કરતાં સર્વ ભેદભાવો મટી જાય છે. એટલે શું? એટલે કે આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઇત્યાદિ જ્ઞાનની પર્યાયના ભેદ દષ્ટિમાં આવતા નથી; એક માત્ર ચિન્માત્ર સ્વરૂપનો અનુભવ રહે છે. વળી કહે છે
‘જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ શેયરૂપ થાય છે.'
શું કહે છે? કે પોતાની જ્ઞાનની પર્યાયમાં જે વિશેષો-ભેદ પડે છે તે ભિન્ન-ભિન્ન શેયના નિમિત્તે પડે છે. પરંતુ જ્યારે જ્ઞાનસામાન્યનો અર્થાત્ અખંડ એકરૂપ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવનો સ્વાદ લેવામાં આવે છે ત્યારે બધા ભેદભાવ ગૌણ થઈ જાય છે; એક જ્ઞાન જ શેયરૂપ થાય છે; પોતાનું ત્રિકાળી સ્વરૂપ જ પર્યાયમાં શૈયરૂપ થાય છે. અહાહાહા...! સ્વરૂપનો સ્વાદ લેવામાં આવતાં ૫૨નું જાણવું જે અનેક પ્રકારે છે તે બધુ ગૌણ થઈ જાય છે અને એક શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ જ શેયરૂપ થાય છે. અહો! ગજબનો કળશ છે!
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com