________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૨૩ અરે ! એ ભગવાન કેવળીના સમોસરણમાં અનંતવાર ગયો છે. ભગવાન અરિહંત પરમાત્મા ત્રણલોકના નાથ મહાવિદેહમાં સદાય વિદ્યમાન હોય છે. ત્યાં મહાવિદેહમાં એ અનંતવાર જન્મ્યો છે અને ભગવાનના સમોસરણમાં અનંતવાર ગયો છે. પણ “કેવળી આગળ રહી ગયો કોરો' એવો ઘાટ એનો થયો છે, કેમકે ભગવાનની વાણીનો ભાવ તેણે અંદર અડકવા દીધો નથી. રાગથી પાર શુદ્ધ ચૈતન્યમય પોતાની ચીજ અંદર ભગવાન સ્વરૂપે છે એવું ભગવાને કહ્યું પણ એણે તે રુચિમાં લીધું જ નથી. તેથી ગ્રીવક જઈ જઈને પણ તે અનંત વાર નીચે નરક-તિર્યંચમાં રખડી મર્યો છે.
ભાઈ ! તું ભગવાન સ્વરૂપે હો હો. પર્યાયદષ્ટિ છોડીને અંદર સ્વભાવથી જુએ તો બધાય આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. અહા ! આવા પોતાના સ્વરૂપમાં જેણે અંતર્દષ્ટિ કરી તે સમ્યગ્દષ્ટિ છે; અને તે સમ્યગ્દષ્ટિ રાગને કર્મોદયથી થયેલો રોગ જાણે છે. સમ્યગ્દષ્ટિને વ્રત, નિયમ આદિ સંબંધી અને કિંચિત્ વિષય સંબંધી પણ રાગ આવે છે, પણ તેને તે રોગ સમાન જાણે છે, ઝેર સમાન જ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે.
અહાહા..જેને આત્માના અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તે સમકિતીને રાગનો સ્વાદ વિરસ દુઃખમય લાગે છે અને તેથી તે સર્વ રોગને મટાડવા જ ઇચ્છે છે. જેમ કાળો નાગ ઘરમાં આવે તો તેને કોઈ બહાર મૂકી આવે કે ઘરમાં રાખે? તેમ સમકિતી જે રાગ આવે છે તેને કાળા નાગ જેવો જાણી દૂર કરવા જ ઇચ્છે છે, રાખવા માગતો નથી. અહા ! વ્રતાદિના રાગમાં તેને હોંશ નથી, હરખ નથી.
કોઈને વળી થાય કે આ તે કેવો ધર્મ? શું આવો ધર્મ હશે?
તેને કહીએ છીએ-ભગવાન! તે ધર્મ કદી સાંભળ્યો નથી. અંદર (સ્વરૂપ) શું છે તેની તને ખબર નથી. અહાહા..! એક સમયમાં પ્રભુ! તારી શક્તિનો કોઈ પાર નથી એવું મહિમાવંત તારું સ્વરૂપ છે. અહાહા..! ત્રણકાળ-ત્રણલોકના દ્રવ્ય-ગુણ-પર્યાયને એક સમયમાં દેખું-જાણે એવી અચિંત્ય ચૈતન્યશક્તિ અંદર તારામાં પડી છે. આવી પોતાની શક્તિનો મહિમા લાવી જે અંતર-એકાગ્ર થયો તેને સ્વરૂપનો સ્વાદ આવ્યો. તે સ્વરૂપના સ્વાદિયા સમકિતીને જે વ્રતાદિનો રાગ આવે તેનો સ્વાદ ઝેર જેવો લાગે છે એમ અહીં કહે છે. ગજબ વાત છે પ્રભુ! અજ્ઞાનીને શુભરાગ આવે તેમાં તે હરખાઈ જાય, જ્યારે જ્ઞાની તેને રોગ-સમાન જાણે છે. જ્ઞાનીને શુદ્ધ ચૈતન્યનો આશ્રય છે ને? તેથી તે રાગથી વિરક્ત છે અને જે રાગ થાય તેને રોગ સમાન જાણી મટાડવા ઇચ્છે છે. બહુ ઝીણી વાત છે ભાઈ ! ચૈતન્યનું શરણ પામ્યા વિના દુનિયા કયાંય રઝળતી–રખડતી દુઃખમાં ડૂબી જશે; પત્તોય નહિ લાગે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com