________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩રર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
(પોતાનો) ભગવાન દષ્ટિમાંથી ખોવાઈ ગયો હતો, પરંતુ જ્યાં વિકારના (સ્વરૂપપણે)
સ્વીકારનો ત્યાગ કરીને દષ્ટિમાં નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ગ્રહણ કર્યું ત્યાં તેને મિથ્યાત્વસંબંધીના રાગદ્વેષ હોતા નથી.
શાસ્ત્રોમાં જે એમ આવે છે કે છઠ્ઠ ગુણસ્થાને જે પંચમહાવ્રતના પરિણામ છે તે આસ્રવ છે અને દસમે ગુણસ્થાને પણ જે અબુદ્ધિપૂર્વકનો રાગ છે તે આસ્રવ છે અને તેનાથી જ કર્મ આવે છે તે અસ્થિરતાની અપેક્ષાએ વાત છે. અસ્થિરતાના રાગને અહીં ગણ્યો નથી.
અહીં તો મૂળ વસ્તુ જે અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સાગર શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા તેના તરફ દૃષ્ટિ થઈ અર્થાત પરિણામનો વળાંક શુદ્ધ ચૈતન્યમય દ્રવ્યસ્વભાવ ઉપર ગયો તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગદ્વેષ હોતા નથી એ વાત છે. ચારિત્રમોહ સંબંધી કિંચિત્ રાગ હોય છે પણ એમાં એને રુચિ અને પ્રેમ ક્યાં છે? એનું એને સ્વામિત્વ કયાં છે? નથી; કેમકે રાગ દુ:ખરૂપ છે એમ ધર્મીને જાણપણું થઈ ગયું છે. તેથી ધર્મીના તે અલ્પ રાગને અહીં ગણ્યો નથી. જે રાગના એક અંશને પણ પોતાનો માને છે વા અંશમાત્ર રાગની જેને રુચિ છે તેના રાગદ્વેષને રાગદ્વેષ ગણવામાં આવ્યા છે.
સંસારની જડ જે મિથ્યાત્વ તેનો જેણે પોતાના અનંત અનંત શક્તિઓના પિંડરૂપ ચૈતન્યમય ભગવાનના આશ્રયે નાશ કર્યો તેનું સંસારનું મૂળ કપાઈ ગયું છે. અહાહા...! આવો જ્ઞાની લડાઈના અશુભ રાગમાં કે છ— હજાર રાણીઓના વિષયમાં ઊભેલો દેખાય તોપણ તે ચારિત્રમોહસંબંધી અલ્પ રાગ છે અને તેને અહીં ગણ્યો નથી. જેમ કોઈ મોટી આંબલીના ઝાડનું મૂળ કાપી નાખ્યા પછી પાંદડાં રહે એની ગણતરી શું? થોડા દિવસોમાં જ તે સૂકાઈ જશે. તેમ મિથ્યાત્વનું મૂળિયું કપાઈ ગયા પછી ધર્મીને અસ્થિરતાનો અલ્પ રાગ રહે તો થોડા જ કાળમાં નાશ પામ્યા વિના રહેતો નથી. આ અપેક્ષાએ અસ્થિરતાના અલ્પ રાગને અહીં ગણ્યો નથી. ગણ્યો નથી એટલે એનો અભાવ છે એમ નહિ, પરંતુ એની મુખ્યતા નથી વા એને ગૌણ કર્યો છે એમ અર્થ છે.
લોકોને મૂળ પાપ મિથ્યાત્વ છે એની ખબર નથી. એટલે રાગની કંઈક મંદતા કે બહારનો ત્યાગ જુએ એટલે જાણે ધર્મ થઈ ગયો એમ માને સ્ત્રી-પુત્ર-પરિવારને છોડે એટલે જાણે સંસાર છૂટી ગયો એમ સમજે. પરંતુ ભાઈ ! રાગની રુચિ, રાગનું કર્તાપણું કે જે સંસારનું મૂળ છે તે જ્યાં સુધી સાબૂત (જીવંત ) છે ત્યાંસુધી સંસારનું પરિભ્રમણ છૂટતું નથી. રાગ તો આગ છે, અશાંતિ છે, દુઃખ છે. રાગને જ્યાં સુધી લાભરૂપ વા કર્તવ્યરૂપ માને ત્યાં સુધી બહારથી ગમે તેવો ત્યાગ દેખાય છતાં તેને સંસાર ઊભો જ રહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com