________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨ ].
| [ પ્રવચન રત્નાકર ભાગ-૬
વળી કેટલાક કહે છે કે-તમે નિયતને માનો છો એટલે તમારી શ્રદ્ધામાં મોટી ભૂલ છે; શ્રદ્ધા ખોટી છે.
નિયત એટલે જે સમયે દ્રવ્યની જે પર્યાય થવાની હોય તે તે કાળે જ થાય તે નિશ્ચય છે. આત્માવલોકન, ચિદ્વિલાસ તથા સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં ત્રણેમાં આ વાત આવે છે. જે સમયે દ્રવ્યની જે પર્યાય થવાની હોય તે તે સમયે જ થાય એ નિશ્ચય છે એમાં નિમિત્ત વિના થાય એ વાત આવી ગઈ. (પર્યાય સ્વકાળે જ થાય એમાં નિમિત્ત આવે તો થાય એ વાત રહેતી નથી).
નિમિત્ત વિના તો શું ધ્રુવ ને વ્યવહાર વિના ઉત્પાદ છે એ નિશ્ચય છે. નિમિત્ત તો પરદ્રવ્ય છે, પણ જે સમયે જે ઉત્પાદ થાય તેને ધ્રુવની એટલે કે પોતાના નિયત દ્રવ્યની પણ અપેક્ષા નથી. પરદ્રવ્યને તો બીજાં દ્રવ્ય અડે છે જ કયાં?
પ્રશ્ન- ઉત્પાદને દ્રવ્યની અપેક્ષા નથી એનો અર્થ શું? ( આપ એમ કહીને શું સિદ્ધ કરવા માગો છો?).
ઉત્તરઃ- ઉત્પાદ સત્ છે અને જે સત્ છે તે અહેતુક છે. ઉત્પાદન ઉત્પન્ન થવામાં દ્રવ્ય હોવા છતાં દ્રવ્યની અપેક્ષા નથી. તેવી જ રીતે ઉત્પાદ ને વ્યયની અપેક્ષા નથી. ત્રણે-ઉત્પાદ, વ્યય અને ધ્રુવ સ્વતંત્ર સત્ છે.
(બીજી રીતે લઈએ તો) આત્મામાં એક પ્રભુત્વશક્તિ છે. તે પ્રભુત્વ શક્તિનું રૂપ એક-એક પર્યાયમાં છે. તેથી સમ્યગ્દર્શન આદિ બધી પર્યાયો સ્વતંત્રપણે પોતે પોતાના અખંડ પ્રતાપથી શોભાયમાન છે. એને નિમિત્તની-પરદ્રવ્યની અપેક્ષા તો નથી પણ પોતાના દ્રવ્યની પણ અપેક્ષા નથી.
પ્રશ્ન- ઉત્પાદને દ્રવ્યની અપેક્ષા લઈએ તો શું વાંધો આવે?
ઉત્તર- દ્રવ્યની અપેક્ષા આવી ત્યાં વ્યવહાર થઈ ગયો. અહીં તો નિશ્ચય સિદ્ધ કરવું છે. ધર્મને ધર્માની અને ધર્મીને ધર્મની નિશ્ચયથી અપેક્ષા નથી. બંને ભિન્ન છે એમ નહિ માનવામાં આવે તો બંને પોતાથી છે એમ સિદ્ધ નહિ થાય. (એકવાર નિશ્ચય સિદ્ધ કર્યા પછી) આ પર્યાય દ્રવ્યની છે એમ કહેવું તે વ્યવહાર છે કેમકે તેમાં અપેક્ષા આવી ગઈ.
જે સમયે જે પર્યાય થવાની હોય તે તે પર્યાયની જન્મક્ષણ છે. ભાઈ ! આનો સ્વીકાર કરવામાં અનંત પુરુષાર્થ રહેલો છે; કેમકે પ્રત્યેક પર્યાય પોતાની જન્મક્ષણે થાય છે એવો નિર્ણય દ્રવ્યસ્વભાવના (-જ્ઞાયકભાવના) આશ્રયે થાય છે. એક એક પર્યાય નિયત છે એમ જાણવાનું તાત્પર્ય વીતરાગતા છે; કેમકે દ્રવ્યના આશ્રયે તે નિર્ણય થતાં પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. તે સમયે વીતરાગતા થવાનો જ કાળ છે ને થાય છે, કોઈ વ્યવહારને લઈને કે પૂર્વની પર્યાયને લઈને થાય છે એમ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com