________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૬ ]
[ ૧૪૫
“વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ;
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.''
ભાઈ ! આ ભગવાનની વાણી તો ભવરોગને મટાડનારું પરમામૃત છે. પણ શુભભાવની જેમને રચિ છે એ કાયરોને તે સહાતી નથી. શુભરાગની રુચિવાળાને શાસ્ત્રમાં કાયર-નપુંસક કહ્યા છે. ભલે એ મોટો અબજોપતિ શેઠ હોય. કે મોટો રાજા હોય કે નવમી રૈવેયકનો દેવ હોય. જો તેને પુણ્યભાવની રુચિ-પ્રેમ છે તો તે કાયર-નપુંસક છે કેમકે એને ધર્મની પ્રજા નથી. જેમ પાવૈયાને પ્રજા ન હોય તેમ આને ધર્મની પ્રજા નથી તેથી તે નપુંસક છે. આવી વાત છે ભાઈ!
જે દર્શન-ભ્રષ્ટ છે તે બધાયથી ભ્રષ્ટ છે. શુભભાવ કરતાં કરતાં કલ્યાણ થશે એવી જેને માન્યતા છે તે દર્શનથી-શ્રદ્ધાથી ભ્રષ્ટ છે; માટે તે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણેયથી ભ્રષ્ટ છે. તેથી તો કહ્યું કે-પંચમહાવ્રત, ગુપ્તિ, સમિતિ, ૨૮ મૂલગુણ ઇત્યાદિ જે વ્યવહારચારિત્રના પરિણામ છે તે શુભભાવરૂપ કર્મકાંડ છે; એ આત્માના નિર્મળભાવરૂપ જ્ઞાનકાંડ નથી. બહુ આકરી વાત બાપુ! આવા બધા પુણ્યના ભાવ તો તે અનંતવાર કર્યા પણ તેથી શું વળ્યું? છઠુંઢાળામાં કહ્યું છે ને કે
મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો, પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.''
અહા ! આત્મજ્ઞાન વિના-સમ્યગ્દર્શન વિના અનંતવાર મુનિવ્રત ધારણ કર્યા. પાંચ મહાવ્રત, સમિતિ અને ગુતિ અનંતવાર પાળ્યાં. અનંતવાર બાળ બ્રહ્મચારી રહ્યો. પણ એથી શું? આત્મજ્ઞાન વિના લેશ પણ સુખ ન થયું, અર્થાત દુઃખ જ થયું. મતલબ કે એ વ્રત અને તપના પરિણામ એને લેશ પણ સુખ ન આપી શક્યા. નવમી રૈવેયક ગયો પણ આત્મદર્શન વિના એને જરાય આનંદ ન મળ્યો, સુખની પ્રાપ્તિ ન થઇ. પરિભ્રમણ ઊભું રહ્યું, કેમકે આત્માનુભવ વિના બધું જ દુઃખરૂપ છે, ફોગટ સંસાર ખાતે જ છે. આવી વાત છે. બાપુ! સમજાય એટલું સમજો. માર્ગ આ છે; અહીં વીતરાગ માર્ગમાં કોઈની સિફારસ લાગતી નથી.
સત્યને માનનારા થોડા છે અને અસત્યને માનનારા ઝાઝા છે. પણ એ રીતે સંખ્યા વડે સત્ય-અસત્યનું માપ નથી. સત્યનું માપ તો સ્વયં સત્યથી છે. તેને માનનારા ભલે એકાદ બે હોય વા ન હોય, તેથી સત્ય કાંઈ બીજું થઈ જતું નથી.
[ પ્રવચન નં. ૨૧૯ શેષ, રર૦, ૨૨૧
*
દિનાંક ર-૧૧-૭૬ થી ૪-૧૧-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com