________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૭ ]
[ ૭૯
પૂર્વે સાંભળવા મળ્યું પણ સ્વભાવ તરફ દષ્ટિ કદી કરી નહિ! રાગની સાથે એકત્વ માની વિકલ્પ કર્યા, પણ એ તો અજ્ઞાન છે. અત્યંત મધુરરસ, ચૈતન્યરસ તે પોતાની ચીજ છે તેની સાથે રાગના કલુષિત ભાવનું એકત્વ કરવું તે અજ્ઞાન છે એમ જ્ઞાની જાણે છે.
જુઓ, સર્વજ્ઞ પરમાત્મા અરહંતદેવને જ્ઞાનની દશા પરિપૂર્ણ ખીલી ગઈ છે. તેઓ એક સમયની જ્ઞાનની અવસ્થા જે કેવળજ્ઞાન તે વડ ત્રણકાળ ત્રણલોકને યુગપ જાણે છે એમ કહેવું એ અસદભૂત વ્યવહારનય છે, કેમકે ભગવાનને જે જ્ઞાન પ્રગટ થયું તે પોતાથી પ્રગટ થયું છે, લોકાલોકથી નહિ. એ રીતે ભગવાનને દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ અનંત ચતુષ્ટય પ્રગટ થઈ ગયા છે. શક્તિરૂપે તો અનંત ચતુષ્ટય સર્વ જીવોમાં છે. પરંતુ શક્તિની પરિપૂર્ણ વ્યક્તિ પર્યાયમાં જેને થાય તે સર્વજ્ઞ છે; તથા શક્તિની પર્યાયમાં એકદેશ વ્યક્તિ થાય એનું નામ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન થતાં સમકિતીને અનંતગુણોનો અંશ પર્યાયમાં વ્યક્ત થાય છે. તેમાં આનંદનું વેદન મુખ્ય છે એની અહીં વાત છે. સમ્યગ્દષ્ટિને પરમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. ઇન્દ્રના ઇન્દ્રાસનમાં કે ચક્રવર્તીના બાહ્ય વૈભવમાં સમકિતીને સુખબુદ્ધિ નથી. ચક્રવર્તીને ૯૬OOO રાણીઓ હોય છે. તેમાં તેની જે પટ્ટરાણી છે તેની એક હજાર દેવી સેવા કરે છે. તેના પ્રતિ કમજોરીથી વિષયનો રાગ આવે છે પણ સમકિતીને તે કાળકૂટ ઝેર સમાન ભાસે છે. અહાહા...! નિજ ચૈતન્યરસના આનંદના અમૃતમય સ્વાદની પાસે જ્ઞાનીને રાગનો સ્વાદ ઝેર જેવો ભાસે છે. પોતાના આનંદના સ્વાદ સાથે રાગના સ્વાદના એકત્વનો વિકલ્પ કરવો એ અજ્ઞાનથી છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે.
જેમ મણ દુધપાકમાં ઝેરની એક ઝીણી કણી પડી જાય તો બધો દુધપાક ઝેર થઈ જાય. એમાંથી મીઠા દૂધનો સ્વાદ ન આવે પણ ઝેરનો સ્વાદ આવે. તેમ આત્મા આનંદનો નાથ નિત્યાનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુ છે. તેના આનંદના પરિણામ સાથે રાગનું થોડું ઝેર પડે તો આનંદનું ઉલટું પરિણમન થઈ જાય. એમાંથી આનંદનો સ્વાદ ન આવે પણ રાગનો કપાયલો કલુષિત સ્વાદ જ આવે. પરંતુ ધર્મી તો એમ જાણે છે કે અત્યંત મધુર અમૃતમય આનંદનો રસ તે મારો રસ છે અને રાગનો કલુષિત રસ તે મારી ચીજ નથી, એ તો પુદ્ગલનો રસ છે. ધર્મી જ્ઞાનના સ્વાદથી રાગનો સ્વાદ ભિન્ન પાડી દે છે. તે જાણે છે કે પોતાના જ્ઞાનના-ચૈતન્યના સ્વાદની સાથે રાગના સ્વાદના એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાન છે. અહો! આ વીતરાગનો માર્ગ એ શૂરાનો માર્ગ છે. કહ્યું છે ને કે
“પ્રભુનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને.'
અહાહા...! પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવની સમીપ જઈને ભેટો કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે એવો પરમાત્મા પ્રભુ પોતે છે. આવા શુદ્ધ ચિદાનંદરસનો આસ્વાદી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com