________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
અમને-દરેક જીવમાત્રને “ભગવાન” કહી બોલાવનાર વિરોધીઓને પણ “ભગવાન” કહી તેમની ભૂલ પ્રત્યે ક્ષમાદષ્ટિ રાખી, તેઓ પણ દશાએ ભગવાન થાવ એવી કરુણા વરસાવનાર એક મેરૂપર્વત જેવો અચલ, અડગ, ક્રાંતિકારી એકલવીર મોક્ષમાર્ગને અતિસૂક્ષ્મ છણાવટ સહિત પ્રકાશીને નિજ આત્મસાધનાનાં માર્ગે ચાલી નીકળ્યો. આટલા પ્રચારપૂર્વક અને આવી સૂક્ષ્મતા સહિત દ્રવ્ય-ગુણ-પર્યાયની છણાવટ જૈનશાસનમાં છેલ્લી કેટલીય શતાબ્દિઓમાં કયારેય થઈ નથી એમ કહેવામાં આવે તો એમાં જરાય અતિશયોક્તિ નથી.
પૂજ્યશ્રીની પ્રવચનશૈલીમાં પણ ભાવિ તીર્થંકરના લક્ષણો ઝળકતાં હતાં, સર્વ જીવો મોક્ષમાર્ગને પામો એવી તેમની અદમ્ય ભાવના વરંવાર ઉછળતી હતી. માર્ગ પ્રકાશવામાં તેઓ અનેક વિરોધીઓની વચ્ચે પણ એકલા અડગ રહેતા, દ્રષબુદ્ધિ સેવ્યા વગર વિરોધીઓના વિરોધનું તાત્ત્વિક રીતે ખંડન કરી યથાર્થ માર્ગનું સ્થાપન કરતા અને તેથી મધ્યસ્થ વિરોધીઓ વિરોધ ત્યજી સનાતન જૈનધર્મ અંગીકાર કરતા. તદુપરાંત તેમની પવિત્ર છાયા હેઠળ અનેક સ્થળોએ શ્રી જિનમંદિરોનું નિર્માણ થયું અને તેમાં વીતરાગી જિનબિંબોની મહા પાવનકારી પ્રતિષ્ઠા થઈ. પરમાગમોનાં ગ્રંથોનું લાખોની સંખ્યામાં પ્રકાશન થયું શ્રી વીતરાગદેવ, નિગ્રંથગુરુ અને વીતરાગી શાસ્ત્રોનું સત્યસ્વરૂપ સમજાવી તેમનો મહિમા યથાર્થપણે બતાવ્યો. પૂ. ગુરુદેવશ્રી વારંવાર ફરમાવતા કે શ્રી વીતરાગ જિનબિંબોની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર તો વર્ષોથી લોકો કરતા આવ્યા છે પણ તેનો મહિમા જો યથાર્થ રીતે કરવો હોય તો તેમને ઓળખાવનાર પરમાગમોનો પ્રચાર પણ એટલો જ આવશ્યક છે. પરમાગમો અને તેનું રહસ્ય પ્રત્યેક વ્યક્તિ આબાળગોપાળ સૌના હૃદયમાં સ્થાન પામે તેવી તેમની ભાવના રહેલી અને પરમાગમોના પ્રકાશન માટે વારંવાર પ્રેરણા આપતાં. અને એ ધ્યેયની સિદ્ધિ અર્થે તેઓશ્રી પરમાગમો ઉપર પ્રવચન આપતા રહ્યા અને નિત્ય સ્વાધ્યાયની પ્રવૃત્તિ તેમણે સજીવન કરી, મુમુક્ષુઓના નિત્યક્રમમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ વણી લીધી. જેના પ્રતાપે અનેક ગામોમાં સામૂહિક સ્વાધ્યાયની પ્રવૃત્તિનો બહોળો ફેલાવો થયો. શિક્ષણ શિબિરોનું આયોજન થયું. જયપુરમાં જૈન વિદ્યાપીઠની સ્થાપના થઈ. આદિ અનેક પ્રકારે તત્ત્વનો પ્રચાર થયો અને થાય છે. આત્મભાવનાની લોકોને એવી ધૂન લગાડી કે ખાધા વગર ચાલે પણ આત્માને વિચાર્યા વગર ન ચાલે. તેઓશ્રી ફરમાવતા કે ધર્મ તે અર્ધાકલાક-કલાક કે પર્વ-પૂરતી મર્યાદિત સાધનાની ચીજ નથી પણ ધર્મ એ જીવન છે. એટલે કે સર્વકાલિક અને સર્વક્ષેત્રે સાધનાની ચીજ છે. આમ અનેકવિધ રીતે તેઓશ્રી દ્વારા આવા અનેક પ્રસંગો દ્વારા ધર્મપ્રચાર ઘણો થયો. લાખો લોકો ધર્મભાવના ભાવતા થયા. આથી મધ્યસ્થ જીવો પણ તેમના પ્રત્યે બહુમાનની દષ્ટિએ જોતા. દિગંબર સમાજનાં પંડિતો, વિદ્વાનો અને ત્યાગીગણ પણ એ સત્યનો સ્વીકાર કરતાં કે અમો એક પણ નવો જૈન બનાવી નથી શકતા ત્યારે આ મહાપુરુષે લાખો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com