________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઈને,...'
જુઓ, શ્રુતજ્ઞાનના અનેક પ્રકારના નયપક્ષોના આલંબનથી અનેક પ્રકારના વિકલ્પો ઉત્પન્ન થાય છે. હું અબદ્ધ છું, એક છું, અભેદ છું, શુદ્ધ છું ઇત્યાદિ નયપક્ષના આલંબનથી અનેક વિકલ્પ ઉત્પન્ન થાય છે. તે બધા રાગના ભાવ આકુળતા ઉત્પન્ન કરનારા છે. હું બદ્ધ છું, અશુદ્ધ છું ઇત્યાદિ નયપક્ષના વિકલ્પ તો આકુળતા ઉત્પન્ન કરનારા છે જે, પણ હું અબદ્ધ છું, શુદ્ધ છું ઇત્યાદિ જે સ્વરૂપ સંબંધી વિકલ્પ છે તે પણ આકુળતા ઉત્પન્ન કરનારા છે. વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો જે રાગ છે એ તો આકુળતા ઉપજાવનાર છે જ, પણ નયપક્ષનો જે રાગ છે તે પણ આકુળતા ઉપજાવનારો છે, દુઃખકારી છે.
પરંતુ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનઘનસ્વરૂપ વસ્તુ છે. તેમાં રાગ અને દુઃખ કયાં છે? શ્રુતજ્ઞાનના વિકલ્પથી ઉત્પન્ન થતી આકુળતા તે વસ્તુમાં ક્યાં છે? હું પૂર્ણ છું, શુદ્ધ છું, નિર્લેપ છું –એવા જે વિકલ્પ ઊઠે તે આત્માથી ભિન્ન છે. આવા વિકલ્પથી ભિન્ન આત્માને અનુભવવો તે સમ્યગ્દર્શન છે.
રહસ્યપૂર્ણ ચિટ્ટીમાં આવે છે કે-હવે સવિકલ્પ દ્વાર વડે નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ. ત્યાં આ સમ્યગ્દર્શન થયા પછીની વાત છે. આત્માનું જેને ભાન થયું છે તેને સ્વાનુભવ પૂર્વે “હું ચિદાનંદ છું, શુદ્ધ છું” એવો વિકલ્પ ઊઠે છે. ત્યારપછી એવો વિચાર છૂટી જઈને સ્વરૂપ કેવળ ચિત્માત્ર ભાસવા લાગે અને પરિણામ સ્વરૂપ વિષે એકાગ્ર થઈ પ્રવર્તે તેને નિર્વિકલ્પ અનુભવ કહે છે અને એનું જ નામ શુદ્ધોપયોગ છે.
સમયસાર તો હવે ઘેર ઘેર પહોંચી ગયું છે. તેના સ્વાધ્યાય અને મનન કરવાં જોઈએ. દુકાનના ચોપડા ફેરવે છે પણ આ વીતરાગનો ચોપડો મન દઈને જુએ તો તારી સ્વરૂપલક્ષ્મીની તને ખબર પડે. અહો ! આ (૧૪૪મી) ગાથા બહુ ઊંચી છે! ભાગ્યશાળીને કાને પડે એવી આ વાત છે. કહે છે-ભગવાન! તું તો ભાગવતસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છો. તેમાં હું આવો છું ને તેવો છું એવા નવિકલ્પને કયાં અવકાશ છે? પરનું તું કરે અને પર તારું કરે એ વાત તો છે જ નહિ. અહીં તો કહે છે કે આકુળતાને ઉત્પન્ન કરનારા જે નયપક્ષના વિકલ્પ છે એનાથી ભગવાન! તું ભિન્ન છો. આવું તારું સ્વરૂપ નિર્વિકલ્પ અનુભવમાં પ્રસિદ્ધ થાય તેમ છે. નિર્વિકલ્પ અનુભવમાં ભગવાન આનંદનો નાથ પ્રસિદ્ધ થાય છે. તેથી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને એટલે કે શ્રુત-વિકલ્પથી હઠાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસંમુખ કરવું એમ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com