________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
આ જ પ્રભુ આત્માનું અસ્તિત્વ છે એમ શ્રીગુરુ પાસેથી સાંભળીને હું એકલો જ્ઞાનકુંજ નિર્વિકલ્પસ્વરૂપ આત્મા છું એમ વિકલ્પ દ્વારા પ્રથમ નિર્ણય કરે છે. હવે કહે છે
આમ નિર્ણય કરીને, “પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને (–મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસંમુખ કર્યું છે.'
શું કહે છે આ? –કે જ્ઞાનસ્વરૂપ આત્મા છે એવો વિકલ્પ દ્વારા નિર્ણય કર્યો પણ એમાં આત્માની પ્રગટ પ્રસિદ્ધિ ન થઈ. નિર્ણય તો કર્યો કે આત્મા કેવળજ્ઞાનસ્વભાવી (કેવળજ્ઞાન પર્યાયની વાત નથી) એટલે કે એકલો જ્ઞાનનો પિંડ છે, પણ એ વિકલ્પરૂપ નિર્ણયમાં આત્મપ્રસિદ્ધિ કહેતાં આત્મખ્યાતિ પ્રગટ ન થઈ. આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. આત્મખ્યાતિ જ પ્રયોજન છે ને? કહે છે વિકલ્પ દ્વારા અવ્યક્તપણે આત્માનો નિર્ણય કર્યો પણ તેમાં આત્મપ્રસિદ્ધિ અર્થાત્ આત્માનુભવ ન થયો.
જુઓ, સર્વજ્ઞ પરમેશ્વરની જે વાણી છે તે દ્રવ્યશ્રતરૂપ છે. ધવલમાં આવે છે કે કેવળી ભગવાન શ્રુતજ્ઞાન દ્વારા ઉપદેશ આપે છે. આશય એમ છે કે સમજનાર દ્રવ્યશ્રુતદ્વારા સમજે છે એટલે ભગવાનની વાણી દ્રવ્યશ્રુતરૂપ છે એમ કહ્યું છે. અને તે ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થવામાં નિમિત્ત છે. ખરેખર વાણી તો જડ છે અને ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ અંદર ભિન્ન છે. પણ જે ભગવાનની વાણી સાંભળીને હું ભિન્ન ચૈતન્યતત્ત્વ છું એવો નિર્ણય કરી વિકલ્પરહિત થઈને અંતર-સ્વરૂપમાં એકાગ્ર થઈ જાય છે તેને વાણી ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થવામાં નિમિત્ત થાય છે.
અહીં કહે છે કે ભગવાનની વાણી સાંભળીને હું જ્ઞાનસ્વભાવી આત્મા છું એવો વિકલ્પમાં નિર્ણય કર્યો પણ હુજી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ અર્થાત્ આત્માનો અનુભવ નથી થયો. જેમ કોઈ ઝવેરાતની દુકાનની બહાર આંગણામાં ઊભો રહે પણ અંદર દુકાનમાં પ્રવેશે નહિ તો તેને ઝવેરાતની કાંઈ સમજ નથી, તેમ વિકલ્પના આંગણામાં ઊભો રહીને નિર્ણય કરે કે આત્મા જ્ઞાનસ્વભાવી છે પણ અંદર વસ્તુમાં પ્રવેશે નહિ ત્યાંસુધી તેને આત્માનુભવ થતો નથી, આત્માની પ્રગટ પ્રસિદ્ધિ થતી નથી. વિકલ્પ દ્વારા નિર્ણય કરે પણ વિકલ્પમાં આત્માનુભવ પ્રગટ કરવાની ગુંજાશ (શક્તિ) નથી.
પર્યાયમાં આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે મતિજ્ઞાન-તત્ત્વને આત્મસંમુખ કરવાની વાત કહે છે. જુઓ, આ સમ્યગ્દર્શન પ્રગટ કરવાની વિધિ બતાવે છે. બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્ર અને નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન કરે એનું નામ સમ્યગ્દર્શન નથી. નવતત્ત્વને ભેદથી જાણે એ તો રાગ છે અને ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ ભિન્ન જ્ઞાયક તત્ત્વ છે. અહાહા...! નિગોદની અવસ્થામાં જીવ હોય તે કાળે પણ તે ભિન્ન જ્ઞાયક તત્ત્વ છે. આવો જ્ઞાયકસ્વરૂપ આત્મા પર્યાયમાં પ્રગટ કેમ થાય એની અહીં વાત ચાલે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com