________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં અહંબુદ્ધિ ન કરતાં પરમાં અહંબુદ્ધિ કરવી તે મિથ્યાત્વ છે. શુદ્ધ ચૈતન્યમાં ટકવાને બદલે પરમાં આસક્તિભાવે ટકવું તે અવિરતિ છે. નિર્મળ સ્વભાવમાં ન રોકાતાં મલિન ઉપયોગમાં રોકાવું તે કષાય છે. નિશ્ચલ નિષ્કપ સ્વભાવમાં ન રોકાતાં કંપનમાં રોકાવું તે યોગ છે. આ ચારેય અજ્ઞાનમય ભાવો છે. હવે જેને આત્માનું સમ્યક ભાન થયું તેને મિથ્યાત્વ ગયું. અંશે સ્થિરતા થઈ, મિથ્યાત્વસંબંધી કષાય ગયો અને મિથ્યાત્વસંબંધી યોગ પણ ગયો. અહાહા....! સમ્યગ્દર્શન થયું ત્યાં ચારેય ટળી ગયા. સમકિતીને સ્વભાવ પર દૃષ્ટિ છે અને સ્વભાવદષ્ટિમાં તેને ચારેય ટળી ગયા છે.
વસ્તુમાં દ્રવ્યસ્વભાવમાં અજ્ઞાન નથી, મિથ્યાત્વ નથી, અવિરતિ નથી, કષાય નથી, યોગ નથી. તેથી જેને દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે એવા સમકિતીની દૃષ્ટિમાં પણ ચારેય નથી. સમકિતીને સદા જ્ઞાનભાવ છે અને જ્ઞાનભાવમાં અજ્ઞાનમય ભાવોનું કર્તાકર્મપણું નથી. જ્ઞાનભાવ થતાં અજ્ઞાનમય ભાવોનું કર્તાકર્મપણું હોતું નથી. સમકિતીને અલ્પ વિકારના પરિણામો થાય છે ખરા, પણ તેનો તે સ્વામી નથી, કર્તા નથી. સમકિતી તો અવસ્થામાં જે વિકાર થાય તેનો માત્ર જ્ઞાતા જ છે. પરંતુ આત્માના ભાન વિના અજ્ઞાનીને એ ચારેય અજ્ઞાનમય ભાવ છે. એ વાત અહીં કહે છે
તત્ત્વના અજ્ઞાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો-કે જેઓ (નવા) કર્મના હેતુઓ છે તેઓ-તમય અજ્ઞાનમય ચાર ભાવો છે.
તત્ત્વના અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે; અવિરમણરૂપે (અત્યાગભાવરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે; કલુષ (મલિન) ઉપયોગરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કપાયનો ઉદય છે; શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે.”
આત્મા શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ છે. તેની પ્રતીતિ વિના જ્ઞાનમાં તત્ત્વની ભ્રાન્તિરૂપ જે સ્વાદ આવે છે તે કલુષિત છે, આકુળતામય છે અને તેમાં મિથ્યાત્વના ઉદયનું નિમિત્ત છે. તેવી રીતે વિષયોમાં આસક્તિરૂપ અસંયમનો, મલિન ઉપયોગરૂપ કષાયનો અને શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપ યોગનો જે જ્ઞાનમાં સ્વાદ આવે છે તે પણ કલુષિત છે, આકુળતામય દુઃખરૂપ છે, અને તેમાં અવિરતિ આદિ પૂર્વકર્મના ઉદયનું નિમિત્ત છે.
હવે અહીં એમ સિદ્ધ કરવું છે કે જૂનાં પુદ્ગલકર્મનો ઉદય નવાં કર્મના બંધનું કારણ થાય છે. મિથ્યાત્વ. અવિરતિ આદિ જે પૂર્વનાં કર્મ છે તેનો ઉદય નવા બંધનું કારણ છે. પણ કોને? કે જે મિથ્યાત્વ, અવિરતિ આદિ અજ્ઞાનભાવરૂપે પરિણમે છે તેને. સૂક્ષ્મ વાત છે, પ્રભુ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ લોકોને સાંભળવા મળ્યો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com