________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
૨ચે એવો કોઈ ગુણ તારામાં નથી. અહાહા...! તું આત્મા જિનસ્વરૂપ વીતરાગરૂપ છે. એની દષ્ટિ કરતાં જે વીતરાગી પર્યાય પ્રગટે તે તારું કાર્ય છે અને તેનો તું કર્તા છો. વીતરાગસ્વભાવી આત્મા કર્તા અને વીતરાગી પર્યાય એનું કાર્ય એમ કહેવું વ્યવહારનય છે. ખરેખર તો વીતરાગી પર્યાયનો કર્તા તે વીતરાગી પર્યાય પોતે છે. આવો વીતરાગનો માર્ગ ખૂબ ગહન છે, ભાઈ ! જે વાણીને એકાવતારી ઇન્દ્રો અને ગણધરો કાન દઈને સાંભળે તે વાણીની ગંભીરતાની શી વાત! ધન્ય એ વાણી અને ધન્ય એ શ્રોતા !
પહેલો સૌધર્મ સ્વર્ગ નામનો દેવલોક છે. તેમાં ૩૨ લાખ વિમાન છે. એકેક વિમાનમાં ક્રોડો અપ્સરા અને અસંખ્ય દેવ છે. તે બધાનો સ્વામી સૌધર્મ ઇન્દ્ર એક ભવ કરીને મોક્ષ જવાનો છે. ઇન્દ્ર અને ઇન્દ્રાણી બન્ને ક્ષાયિક સમકિતી છે. તે એમ જાણે છે કે-આ સ્વર્ગના વૈભવ તે મારી ચીજ નથી. હું છું ત્યાં એ વૈભવ નથી અને એ વૈભવ છે ત્યાં હું નથી. આ બત્રીસ લાખ વિમાન મારાં નહિ. અરે, દેવ અને ગુરુ એ પણ મારી ચીજ નહિ કેમકે એ સર્વ ૫રદ્રવ્ય છે. અહાહા...! હું તો ચૈતન્યસ્વભાવમય પ્રભુ છું અને ચૈતન્યની પ્રભુતારૂપે પરિણયું એ મારું કાર્ય છે. જુઓ, જ્ઞાની તો જ્ઞાનમય ભાવનો કર્તા છે-એની આ વ્યાખ્યા ચાલે છે. ધર્મી એને કહેવાય કે જેના પરિણામ ધર્મમય, વીતરાગતામય હોય. વીતરાગી પરિણામ એ ધર્મીનું કાર્ય અને વીતરાગભાવનો તે કર્તા છે. ભાઈ! મહાપુણ્ય હોય તો આવી વાત સાંભળવા મળે અને અંતરમાં જાગ્રત થાય એ તો કોઈ અલૌકિક ચીજ છે.
કર્તાનું જે કાર્ય છે તે ભાવ જ્ઞાનીના જ્ઞાનમય જ છે. અહાહા...! જ્ઞાનમય અને આનંદમય જે ભાવ પ્રગટ થાય તે જ્ઞાનીનું કાર્ય છે અને તેના જ્ઞાની કર્તા છે. ગજબ વાત છે! અહીં એમ કહેવા માગે છે કે જ્ઞાનમય ભાવમાં રાગમય ભાવ નથી. એટલે જ્ઞાનીને સરાગ સમકિત હોય છે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. આત્મા વીતરાગ-સ્વરૂપ છે અને એની વ્યક્તતા પણ વીતરાગસ્વરૂપ હોય છે; તેમાં રાગની વ્યક્તતા હોતી નથી.
જ્ઞાનીને જે કમજોરીનો રાગ આવે છે તેના તે જ્ઞાતાદષ્ટા રહીને પોતે વીતરાગભાવમાં રહે છે; રાગમાં જ્ઞાની રહેતા નથી. આવો જ વીતરાગનો માર્ગ છે. આ સિવાય બધા ઉન્માર્ગ છે. અહા ! જગતને રાગની-સંસારની હોંશ છે, જ્ઞાનીને રાગની હોંશ હોતી નથી. અજ્ઞાનીનો ઉત્સાહ રાગમાં–વિકારમાં અને પરમાં હોય છે, જ્યારે જ્ઞાનીનો ઉત્સાહ આત્મામાં હોય છે. જ્ઞાનીનો ઉત્સાહ સ્વરૂપસન્મુખતાનો હોય છે. સ્વરૂપ તો વીતરાગરૂપ છે; માટે સ્વરૂપસન્મુખ થતાં જે શ્રદ્ધા-જ્ઞાન પ્રગટ થયાં તે વીતરાગી જ હોય છે. ધર્મીને સ્વરૂપના લક્ષે જે આચરણ પ્રગટ થાય તે પણ વીતરાગી પર્યાય છે. આ પ્રમાણે જ્ઞાનીના જે ભાવ છે તે જ્ઞાનમય જ હોય છે, કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com