________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૧૩ થી ૧૧૫ ]
[ ૧૯૭
છે, ક્રોધ છે. અહીં કહે છે કે ઉપયોગ જેમ આત્માથી અનન્ય છે તેમ જડ ક્રોધ જો આત્માથી અનન્ય છે એમ માનવામાં આવે તો આત્મા જડ થઈ જાય.
પુદ્ગલકર્મનો કર્તા કોણ છે? પુદ્ગલકર્મનો કર્તા પુદ્ગલદ્રવ્ય જ છે એ વાત ગાથા ૧૦૯-૧૦-૧૧-૧૨ માં આવી ગઈ છે. ત્યાં તેર ગુણસ્થાનના ભાવો પુદ્ગલદ્રવ્યમય જ છે અને તેઓ જ નવા કર્મબંધનના કર્તા છે. આત્મા નહિ એ વાત સિદ્ધ કરી છે. અહીં કહે છે કે આત્મા શુદ્ધ ઉપયોગમય વસ્તુ છે. તે રાગનો કર્તા નથી. આત્મા જ રાગને કરે તો તે રાગમય થઈ જાય અને તો પછી આત્મા જેમ ઉપયોગમય છે તેમ તે જડ રાગમય પણ છે તેમ આવી પડે. એમ થતાં જે જીવ છે તે જ અજીવ ઠરે વા એ રીતે અન્યદ્રવ્યનો લોપ થઈ જાય.
રાગનો કર્તા આત્મા નથી એમ અહીં સિદ્ધ કરવું છે. પુણ્યપાપરૂપ જે રાગાદિ ભાવ થાય તે ઉપર ઉપર (પર્યાયમાં) થાય છે. તે વિકારી ભાવનો શુદ્ધ ચૈતન્યમાં પ્રવેશ થઈ શક્તો નથી. જેમ પાણીમાં તેલનું બિંદુ ઉપર ઉપર જ તરે છે, અંદર પ્રવેશી શકતું નથી તેમ શુદ્ધ ચૈતન્યપ્રકાશમય ભગવાન આત્મામાં રાગના વિકલ્પો પ્રવેશી શકતા નથી, ઉપર ઉપર જ રહે છે. અહાહા...રાગ આત્મામાં પેસી શકે નહિ અને આત્મા રાગમાં જાય નહિ તો પછી આત્મા રાગને કેવી રીતે કરે ? કદીય ન કરે. તેથી કહે છે કે જો આત્મા રાગને કરે એમ માનવામાં આવે તો આત્મા જેમ શુદ્ધ ઉપયોગમય છે તેમ જડ રાગમય પણ છે એમ આવી પડે; અને એમ આવતાં ચેતનસ્વરૂપ જીવ અજીવ છે એમ ઠરે વા ચેતનનો લોપ થઈ જાય. સૂક્ષ્મ વાત છે પ્રભુ !
દુકાનના નામાના ચોપડા ઝીણવટથી ફેરવે અને સિલક વગેરે બરાબર મેળવે પણ આ ધર્મના ચોપડા (પરમાગમ શાસ્ત્ર ) જુએ નહિ તો પોતાના જે પરિણામ થાય છે તેને કોની સાથે મેળવે? ભાઈ ! બહુ ધીરજ અને શાંતિથી શાસ્ત્ર સાંભળવું જોઈએ, એટલું જ નહિ બહુ સૂક્ષ્મ બુદ્ધિ કરીને નિરંતર શાસ્ત્રનાં સ્વાધ્યાય અને મનન કરવા જોઈએ જેથી પોતાના પરિણામોની સમતા-વિષમતાનો યથાર્થ ભાસ થાય. રોજ પોતે પોતાની મેળે સ્વાધ્યાય-મનન કરે તો ગુરુએ બતાવેલા અર્થની પણ સાચી પ્રતીતિ અંતરમાં બેસે છે.
આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ શુદ્ધચૈતન્યપ્રકાશના નૂરનું પૂર છે; અને રાગાદિ ભાવ જે આસ્રવ છે તે જડ અચેતન છે. ભગવાને નવ તત્ત્વ ભિન્ન-ભિન્ન કહ્યાં છે. તેમાં જીવ છે તે શુદ્ધ જ્ઞાયકતત્ત્વ છે, અને રાગ છે તે આત્માથી ભિન્ન આસ્રવતત્ત્વ છે. સમયસાર ગાથા ૭રમાં આસ્રવને જડ કહેલ છે કેમકે આગ્નવો પોતાને જાણતા નથી, પરને પણ જાણતા નથી. અહીં કહું છે કે આવો શુદ્ધ ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ આત્મા જ જડ રાગને કરે તો તે જડ રાગમય થઈ જાય અને એમ થતાં જીવ છે તે જ અજીવ ઠરે અર્થાત્ જીવનો લોપ થઈ જાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com