________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
અરે! આવી શુદ્ધ તત્ત્વની વાત લોકોને સાંભળવા મળવી અત્યારે મહા મુશ્કેલ છે. આસ્રવના મલિન ભાવ મારા છે એવું માનીને ચોરાસીના અનંત અવતાર જીવ કરી ચૂક્યો છે. અને જ્યાં સુધી મિથ્યાત્વાદિ ભાવ મારા છે એમ માનશે ત્યાં સુધી ભવનું પરિભ્રમણ ઊભું રહેશે, અનંત જન્મમરણમાં રખડવું પડશે. ભાઈ ! આ અવસર તત્ત્વની સમજણ કરવાનો છે. અહીં ત્રણ વાત કરી છે
૧. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર સામાન્ય પ્રત્યયો એટલે આસ્રવો છે. ૨. તેર ગુણસ્થાનો તે વિશેષ પ્રત્યયો છે; તે પણ આસ્રવો છે. ૩. નવા કર્મબંધનના તેઓ કારણ છે; આત્મા બંધનું કારણ નથી. ભગવાન આત્મા
ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે. રાગદ્વેષના ભાવ અને ગુણસ્થાનાદિમાં શુદ્ધ ચૈિતન્યસ્વરૂપ જ્ઞાયકભાવનો અભાવ છે અને શુદ્ધ જ્ઞાયકમાં તેમનો અભાવ છે. તેથી ગુણસ્થાનોને અચેતન કહ્યા છે.
એકકોર આત્મા એકલું ચૈતન્યદળ અને બીજીકોર ગુણસ્થાન આદિ અનેક ભેદરૂપ અચેતન દળ-બન્નેના તદ્દન જુદા ભાગ પાડી દીધા છે. જન્મ-મરણના અંત કરવાનો આ જ માર્ગ છે, ભાઈ ! અજ્ઞાનીઓ રખડવાના માર્ગમાં ભૂલા પડયા છે. અહા ! મોટો રાજા હોય ને મરીને ભૂંડ થાય અને મોટો શેઠ હોય ને મરીને ભેંસ થાય! આત્મા ચીજ શું છે એની જેને ખબર નથી એના આવા જ હાલ થાય. આચાર્યદવ અહીં સંસારપરિભ્રમણથી છૂટવાનો માર્ગ બતાવે છે. કહે છે
આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે. એમાં દયા, દાન, વ્રત, ભક્તિ અને વિષય-કષાયના ભાવ નથી. એ બધા ભાવ તો આસ્રવ છે અને તે અચેતન છે. તે ભાવ નવા કર્મબંધનનું કારણ છે.
વેપારધંધા અને કુટુંબ-કબીલાને સાચવવાના ભાવ એ પાપભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ વગેરે ભાવ એ પુણ્યભાવ છે. પુણ્ય અને પાપના બંને ભાવ બંધનું કારણ છે કેમકે તેઓ અચેતન છે. તેઓ અચેતન કેમ છે? તો કહે છે કે એ પુણ્યપાપના ભાવોમાં ચૈતન્યનું કિરણ નથી. જેમ સૂર્યનું કિરણ પ્રકાશમય હોય છે તેમ ચૈતન્યપ્રકાશનો પૂંજ પ્રભુ આત્મા છે તેનું કિરણ જ્ઞાનના પ્રકાશમય હોય છે. પણ આ પુણ્યપાપના ભાવમાં જ્ઞાનનું કિરણ નથી માટે તેઓ અચેતન છે. ભાઈ ! આ બાર વ્રતના પરિણામ અને પંચમહાવ્રતના પરિણામ અચેતન છે, કેમકે તેમાં ચૈતન્યપ્રકાશનું કિરણ નથી. કદી સાંભળ્યું નથી એટલે લોકોને આકરું પડે છે. પણ અહીં તો કહે છે કે પ્રત્યયો-તેર ગુણસ્થાનો બધા અચેતન છે, પુદ્ગલ દ્રવ્યમય જ છે અને તેઓ જ નવા કર્મબંધનાં કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com