________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૦૨ ]
[ ૧૩૯
મહારાજે કહ્યું-ભાઈ! એ જ પ્રમાણે અમારું લક્ષ આત્મામાં ચોંટેલું છે; આ બહારના વૈભવ શું છે એ અમને ખબર નથી. અમારું લક્ષ આત્માના વૈભવ ૫૨ છે, બહારના વૈભવ ૫૨ નથી.
અજ્ઞાની શુભ-અશુભ ભાવનો કર્તા અને ભોક્તા છે, પણ પ૨નો કર્તા કે ભોક્તા નથી. જ્ઞાની તો રાગનો પણ કર્તા-ભોક્તા નથી, જ્ઞાતા-દષ્ટા જ છે, ત્યાં પરના કર્તા-ભોક્તાની તો વાત જ કેવી ?
આ ધન-સંપત્તિ, બાગ, બંગલા, મોટર, રોટલી, દાળ ભાત, દ્રાક્ષ, મોસંબી, હલવો ઇત્યાદિ બધું આત્મા ભોગવતો નથી. પરંતુ અજ્ઞાનીને તે કાળે જે અશુભ રાગ થાય છે તેનો તે ભોક્તા છે. જ્ઞાનીને તો સ્વભાવની દષ્ટિ હોવાથી તે કાળે થતો જે રાગ અને પરની ક્રિયા તે તેના જ્ઞાનમાં નિમિત્ત થાય છે.
પુણ્ય-પાપના ભાવ થાય તે ભાવ્ય એટલે ભોગવવા યોગ્ય છે, અને અજ્ઞાની તેનો ભાવક એટલે ભોગવનાર છે. પરંતુ પરવસ્તુ દાળ, ભાત આદિ તે આત્માનાં ભાવ્ય નથી. આત્મા તેનો ભોક્તા નથી. અહાહા...! પુણ્યપાપના ભાવ છે તે અજ્ઞાનીનું ભાવ્ય છે. અને અજ્ઞાની તેનો ભાવક-ભોક્તા છે; પરંતુ પ૨વસ્તુનો અજ્ઞાની કર્તા-ભોક્તા નથી.
જ્ઞાનીને પૂજા-ભક્તિ ઇત્યાદિ શુભભાવ આવે છે, પણ તેના તેઓ જ્ઞાતા જ છે, કર્તાભોક્તા નથી. અહાહા..! જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માની જેને દૃષ્ટિ થઈ છે તે જ્ઞાની તો જ્ઞાનાનંદસ્વરૂપના કર્તા અને જ્ઞાનાનંદના જ ભોક્તા છે. પરંતુ શુદ્ધ આત્મ-સ્વરૂપનું જેને ભાન નથી તે અજ્ઞાની રાગનો કર્તા અને ભોક્તા થાય છે. પ૨નો તો અજ્ઞાની પણ કર્તા-ભોક્તા નથી.
* ગાથા ૧૦૨ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘પુદ્દગલકર્મનો ઉદય થતાં, જ્ઞાની તેને જાણે જ છે અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનભાવનો કર્તા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્તા છે; પરભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી.’
ભગવાન આત્મા નિર્મળાનંદ પ્રભુ શુદ્ધ ચિદાનંદકંદ છે. તેની જેને અંતર્દષ્ટિ થઈ છે તે જ્ઞાની કર્મનો ઉદય થતાં તેને જાણે જ છે. આ શુભાશુભભાવ થાય છે તે કર્મનો પાક છે, તે ધર્મ નથી, સ્વભાવની ચીજ નથી એમ જ્ઞાની તેને પોતાથી ભિન્ન જાણે છે. સમકિતી ભલે ગૃહસ્થાશ્રમમાં હોય, તેને શુભાશુભ ભાવ જે થાય છે તેને તે પુદ્દગલ-કર્મના ફળપણે પોતાનાથી ભિન્ન જાણે છે. અહાહા...! હું તો રાગથી ભિન્ન, કર્મથી ભિન્ન ચિદાનંદઘન પ્રભુ આત્મા છું એવું જેને ભાન થયું છે તે ધર્મો જીવ જે શુભાશુભ ભાવ થાય તેને જાણે જ છે, તે પોતાનું કર્તવ્ય છે એમ કદીય માનતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com