________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
આત્માનો સ્વભાવ તો ત્રણકાળ ત્રણલોકને જાણવા-દેખવાનો છે. ભલે વર્તમાનમાં શ્રુતજ્ઞાન હો, પણ આત્મા રાગ અને રજકણથી ભિન્ન બધાનો જ્ઞાતાદા છે. અહાહા...આત્મા પવિત્ર જ્ઞાનમય પ્રભુ ચૈતન્યપ્રકાશસ્વરૂપ ત્રિકાળ આનંદસ્વરૂપ છે. તોપણ અરેરે! અજ્ઞાનથી આકુલિત બનીને અજ્ઞાની પોતાની મેળે કર્તા થાય છે.
* કળશ ૫૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
અજ્ઞાનથી શું શું નથી થતું? હરણો ઝાંઝવાને જળ જાણી પીવા દોડે છે અને એ રીતે ખેદખિન્ન થાય છે. અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. તેવી જ રીતે આ આત્મા, પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો ક્ષુબ્ધ થાય છે અને એ રીતે-જોકે પરમાર્થે તે શુદ્ધજ્ઞાનઘન છે તોપણ-અજ્ઞાનથી કર્તા થાય છે.'
અજ્ઞાનથી શું શું નથી થતું? અજ્ઞાનથી અનેક અનર્થ થાય છે. જુઓ, સિંહણનું બચ્ચું સિંહણથી નથી ડરતું. તેની પાસે જઈને તે ધાવે છે, કેમકે ખબર છે કે તે માતા છે. પરંતુ કુતરાથી ડરે છે કેમકે અજ્ઞાન છે. તેવી જ રીતે પવનથી ડોલતા દરિયાની જેમ આત્મા અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો ક્ષુબ્ધ થાય છે, ખળભળી ઊઠે છે. પ્લેગનો રોગ થાય તો બિચારો ભયથી ખળભળી ઊઠે કે હવે બે ત્રણ દિવસમાં મોત થશે. અરેરે ! અનાદિ અનંત પોતાની ચીજના ભાન વિના આવા અનંત દુ:ખો જીવે સહન કર્યા, પણ હું આત્મા જ્ઞાનમય છું એવો અનુભવ ન કર્યો! અરે! જગત આખું મોહની માયાજાળમાં ફસાઈ રહ્યું છે! આ જગત તન માયા (મા યા) છે એમ નથી. જગત તો જગતમાં છે. પણ જગત મારામાં નથી અને હું જગતમાં નથી. આવું ભેદજ્ઞાન નહિ હોવાથી પરદ્રવ્ય મારું છે એવી માન્યતા વડે જગત મોહપાશમાં બંધાઈ ગયું છે. ભાઈ ! વેદાંત સર્વથા અદ્વૈત બ્રહ્મ માને છે તેવું વસ્તુનું સ્વરૂપ નથી. બધું મળીને એક આત્મા છે એ માન્યતા યથાર્થ નથી.
ભગવાન આત્મા પરમાર્થથી વિજ્ઞાનઘન છે. દશ મણ બરફની શીતળ પાટ હોય છે ને ! તેમ આત્મા આનંદની પાટ છે. બરફની પાટ તોલદાર છે, પણ આ આત્મપાટ તો અરૂપી ચૈતન્યબિંબ છે. અહાહા..! અંતરમાં દેખો તો આત્મા રાગ વિનાની ચીજ એકલા જ્ઞાન અને આનંદનું અરૂપી બિંબ છે તો પણ અજ્ઞાનથી જીવ અનેક વિકલ્પોથી ક્ષુબ્ધ થયો થકો કર્તા થાય છે. અનાદિથી જીવ કર્તા થઈને દુઃખી થાય છે. સમ્યજ્ઞાન થાય તો કર્તાપણું મટે છે અને જ્ઞાતાપણે રહે છે. શ્લોક ૫૮ પૂરો થયો.
જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ હવે કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com