________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ આત્માનો ચૈતન્યસ્વભાવ અરૂપી અતિસૂક્ષ્મ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભરાગના પરિણામને પુણ્ય-પાપ અધિકારમાં સ્થૂળ કહ્યા છે. જે પોતાના સૂક્ષ્મ સ્વભાવે પરિણમે તેને આત્મા કહીએ, અને રાગ-દ્વેષના સ્થળ વિકારપણે પરિણમે તેને આત્મા નહિ એટલે અનાત્મા કહીએ. અહીં કહે છે કે જે ચૈતન્યસ્વભાવે-આત્મભાવે પરિણમે તે સાથે રાગાદિ અનાત્મભાવે પણ પરિણમે એમ બની શકે નહિ.
પ્રશ્ન:- જ્ઞાનીને પણ રાગાદિ તો હોય છે?
ઉત્તર- હા, સાધકદશામાં જ્ઞાનીને પણ રાગ હોય છે, પણ જ્ઞાનપણે પરિણમતા જ્ઞાનીના જ્ઞાનપરિણમનથી તે રાગ ભિન્ન રહી જાય છે. જે રાગ થાય તેને જાણવાપણે એટલે કે તેના જ્ઞાતાપણે જ્ઞાની પરિણમે છે. કર્તાપણે નહિ. જે રાગ આવે તેને જાણતો જ્ઞાની જ્ઞાનરૂપે પરિણમે છે પણ રાગરૂપે પરિણમતો નથી. જ્ઞાનીને જે રાગ થાય તેનાં એને રુચિ અને સ્વામિત્વ નથી.
જ્ઞાનનું પરિણમવું તે ક્રોધાદિનું પરિણમવું નથી. કારણ? કારણ કે જ્ઞાનના થવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી. અહાહા..! જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ આત્મા જ્યારે જ્ઞાન અને આનંદ સ્વભાવે નિર્મળ પરિણમતો ભાસે છે તે વખતે તે રાગપણે ક્રોધાદિપણે પરિણમતો ભાસતો નથી. પરિપૂર્ણ વીતરાગતા ન થઈ હોય ત્યાં સુધી જ્ઞાનીને રાગ આવે ખરો, પરંતુ તેને (રાગને ) જાણવાપણે હું પરિણમું છું, રાગપણે નહિ એમ તે માને છે. આ સાંભળીને કોઈ કહે કે આ તો બધી નિશ્ચયની વાતો છે. પરંતુ ભાઈ ! નિશ્ચયની વાત એટલે જ સાચી વાત. ભાઈ ! વસ્તુ-સ્વરૂપ જ આવું છે. “જૈન તત્ત્વમીમાંસા'માં પંડિત શ્રી ફૂલચંદજીએ લખ્યું છે કે પોતાના સ્વભાવની પુષ્ટિ કરવી એ નિશ્ચય છે.
ભાઈ ! બહુ ધીરજથી આ સમજવા જેવી વાતો છે. પ્રથમ એમ સિદ્ધ કર્યું કે આત્મા સ્વભાવમાત્ર વસ્તુ છે. પ્રભુ! તું કોણ છો? તો કહે છે કે-તું સ્વભાવમાત્ર વસ્તુ છો, ચૈતન્યમાત્ર વસ્તુ છો; રાગ અને પુણ્ય પાપ એ તું નહિ. અહાહા..! આવી ચૈતન્યસ્વભાવમય વસ્તુ-આત્માને દૃષ્ટિમાં લેતાં જે સ્વભાવનું-ચૈતન્યનું પરિણમન થાય તે ધર્મ છે અને તે વેળા ધર્મી જીવને જેમ ચૈતન્યનું પરિણમન થતું માલુમ પડે છે તેમ રાગનું પરિણમન થતું માલુમ પડતું નથી. બહુ ઝીણી વાત, ભાઈ ! કહે છે કે બન્ને ક્રિયા એક સાથે થઈ શક્તી નથી. અહાહા..! રાગથી ભિન્ન પડીને સ્વભાવપણે જ્યાં જ્ઞાન પરિણમ્યું ત્યાં જ્ઞાનીને-હું કર્તા અને જે જ્ઞાનની પર્યાય થઈ, આનંદની પર્યાય થઈ તે મારું કાર્ય એમ પ્રતિભાસે છે પણ હું રાગ કરું છું અને રાગ મારું કાર્ય એમ પ્રતિભાસતું નથી. અહો ! ધર્મના સ્થંભ એવા દિગંબર સંતોએ ગજબની વાતો કરી છે. ધર્મના સ્વરૂપની આવી વાત બીજે ક્યાંય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com