________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ બહારની પંડિતાઈની ચીજ નથી. આ તો આત્માનો-ચૈતન્ય ભગવાનનો અંતર અનુભવ થઈને પંડિતાઈ પ્રગટે તે માર્ગ છે.
સંસારનો જન્મમરણની પરંપરાનો અંત આવે એવી આ વાત છે. જેમાં સંસાર અને સંસારનો ભાવ નથી એવી ચીજ પ્રભુ આત્માને દૃષ્ટિમાં અને અનુભવમાં લેતાં નિર્મળ રત્નત્રય પ્રગટ થયાં છે એવા ધર્મીની અહીં વાત લીધી છે. કહે છે કે જ્ઞાનીને મોક્ષમાર્ગની પર્યાયમાં, તેની આદિમાં દ્રવ્ય વસ્તુ આત્મા પોતે છે. રાગ જાણતો નથી માટે રાગ તેની આદિ-મધ્ય-અંતમાં પ્રસરીને સમકિત આદિને ઉત્પન્ન કરે છે એમ નથી. અહા ! કેટલું ચોકખેચોખું સ્પષ્ટ કર્યું છે!
લોકો કહે છે કે “વ્યવહારથી થાય, વ્યવહારથી થાય”—અહીં કહે છે કે-ના, એમ નથી. વ્યવહારથી થાય એ તો નિમિત્તનું કથન છે. ભાઈ ! વીતરાગનાં વચન પૂર્વાપર વિરોધરહિત હોય છે. પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી. એટલે કે શુભભાવરૂપ જે રાગ છે તે આત્માની મોક્ષમાર્ગની પર્યાયને ઉત્પન્ન કરી શકતો નથી. અંધકાર પ્રકાશને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? રાગ છે તે અંધકાર છે. વ્યવહારરત્નત્રયનો રાગ અંધકાર છે, ભાઈ ! નિશ્ચય અને વ્યવહારની જાત જ જુદી છે. એક ચૈતન્યપ્રકાશમય છે, અને બીજું અંધકારમય. ગાથા ૭રમાંરાગને જડ કહ્યો છે. એનામાં જાણવાની શક્તિ નથી એટલે એને અચેતન જડ કહ્યો છે. એને ચિદ્વિકાર કહો, અંધકાર કહો કે જડ કહો બધું એક જ છે. અહીં તો એ સિદ્ધ કર્યું છે કે રાગ છે તે પુદ્ગલના પરિણામ છે અને તે શુદ્ધ ચૈતન્યના પરિણામ ઉત્પન્ન કરી શકતો નથી.
પ્રશ્ન- અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના પરિણામ હોય છે એનાથી સમ્યગ્દર્શન થાય છે ને ?
ઉત્તર ભાઈ ! ખરેખર એમ નથી. કરણલબ્ધિના પરિણામ હોય છે એનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિની આદિમાં શુદ્ધ ચૈતન્યમય આત્મા છે, તેની આદિમાં કરણલબ્ધિના પરિણામ નથી. ગોમ્મસારમાં આવે છે કે પાંચલબ્ધિથી સમ્યગ્દર્શન થાય છે. પણ ભાઈ ! એ તો પૂર્વે પાંચ લબ્ધિ હતી તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. લબ્ધિથી સમ્યગ્દર્શન થાય છે એમ એનો અર્થ નથી. અહાહા..! દિવ્યશક્તિનો ભંડાર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા–તે પોતાની પરિણતિમાં બીજાનો (રાગનો) આધાર કેમ લે? અહીં તો સ્પષ્ટ કહે છે કે ભેદરત્નત્રયનો રાગ અભેદરત્નત્રય ઉત્પન્ન કરી શક્તો નથી. શાસ્ત્રોમાં જ્યાં જ્ઞાનીને ભેદભેદરત્નત્રયનો આરાધક કહ્યો છે ત્યાં ખરેખર તે એક નિર્મળ અભેદરત્નત્રયનો જ કરનારો અને સેવનારો એવો આરાધક છે. તે કાળે સાથે જે ભેદરત્નત્રયનો રાગની મંદતાનો ભાવ છે તેને સહુચર વા નિમિત્ત દેખીને ઉપચારથી તેનો સાધક કહ્યો છે એમ સમજવું. બાપુ! આ તો વસ્તુ સ્થિતિની વાત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com