________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૪ ]
[ ૯૩ જે કૃત્રિમ વિકારી ભાવ તેના કર્તા થવું એ તો કલેશ છે, દુઃખ છે અને દુ:ખફળ છે. ત્યાંથી દષ્ટિ ફેરવી લઈને ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકમાં જ્યાં દષ્ટિ સ્થાપી અને જ્ઞાતાભાવે પરિણમ્યો ત્યાં તરત જ આનંદનો સ્વાદ આવે છે અને જે રાગ રહે છે તેનો તે માત્ર સાક્ષી જ રહે છે. અહો ! ભેદજ્ઞાનનો મહિમા !
તિર્યંચ પણ રાગથી ભિન્ન પડીને આવું સમ્યગ્દર્શન પ્રગટ કરે છે અને આત્માના આનંદનો સ્વાદ લે છે. વ્યવહારનું વર્ણન શાસ્ત્રમાં ઘણું આવે છે પણ એ તો જ્ઞાન કરવા માટે વાત છે; વ્યવહાર તે કાંઈ નિશ્ચયનું સાધન છે એમ નથી. સમયસાર ગાથા ૧૧ના ભાવાર્થમાં પંડિત શ્રી જયચંદજીએ ખૂબ સ્પષ્ટ કહ્યું છે કે “પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. ત્રણેયનું ફળ સંસાર છે. આગળ કહ્યું છે- “શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે-કયાંક કયાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે...”
મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં કહ્યું છે કે “વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.”
વળી બંધ અધિકારમાં કળશ ૧૭૩માં કહ્યું છે કે “સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય જિન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવાયોગ્ય કહ્યાં છે તેથી અમે એમ માનીએ છીએ કે “પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે'...” જુઓ, વ્યવહારરત્નત્રયનો વિકલ્પ જે રાગ છે એનાથી લાભ (ધર્મ) થાય એમ ત્યાં કહ્યું નથી. અહા ! આવી સત્ય વાત બહાર આવી, છતાં તે કોઈને ન બેસે અને વિરોધ કરે તો શું થાય ? સૌ સૌની લાયકાત સ્વતંત્ર છે.
અહાહા..! રાગ મારું કર્તવ્ય અને હું રાગનો કર્તા એવા અજ્ઞાનથી ખસી જે અંતર સ્વરૂપમાં એકાકાર થયો તે જ્ઞાનસ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી થાય છે. જેને સમ્યગ્દર્શનજ્ઞાન થયું તે વિકલ્પથી માંડીને આખા જગતનો સાક્ષી જાણન–દેખનહારો થાય છે, કર્તા થતો નથી. આખા જગતનો સાક્ષી પુરાણ-પુરુષ આત્મા અહીંથી પ્રકાશમાન થાય છે.
[ પ્રવચન નં. ૧૨૭, ૧૨૮ અને ૧૨૯ (ચાલુ) * દિનાંક ૧૭-૭-૭૬ થી ૧૮-૭-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com