________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૫૮ થી ૬૦ ]
[ ૧૪૧
નિશ્ચયથી, સદાય જેનો અમૂર્તસ્વભાવ છે અને જે ઉપયોગ ગુણ વડે અન્યથી અધિક છે એવા આત્માને તે સર્વ ભાવો નથી. જોયું? ઉપરોક્ત બધાય ભાવો મૂર્ત કહ્યા અને ભગવાન આત્મા અરૂપી-અમૂર્ત વસ્તુ છે એમ કહ્યું. અહાહા! આત્મા જાણવાના સ્વભાવવાળું અરૂપી ચૈતન્યતત્ત્વ છે અને તે સર્વ ભેદની પર્યાયથી ભિન્ન છે એમ કહે છે. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન આદિની, એક સમયની પર્યાયમાં સ્થિતિ દેખીને, તેઓ જીવના છે એમ વ્યવહારથી કહ્યું, છતાં સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે એવા ચૈતન્યભગવાનમાં તેઓ નથી. આ ભાવો તો પહેલાં પુદ્ગલના પરિણામમય કહ્યા છે. તેથી તેઓ મૂર્ત છે. અને ભગવાન આત્મા અરૂપીઅમૂર્ત છે. તેથી ત્રિકાળ અમૂર્તસ્વભાવી આત્મા તે મૂર્તભાવોથી ભિન્ન છે, જુદો છે. અહાહા! શું સમયસાર છે! કહે છે કે-ભેદ, નિમિત્ત, સંસાર, ભૂલનો સંબંધ તો એક સમય પૂરતો જ છે. ભેદમાં, ભૂલમાં, સંસારમાં તે એક સમય પૂરતો જ અટકેલો છે. બસ, આટલો જ એક સમયનો સંબંધ જોઈને તે જીવના છે એમ વ્યવહારથી કહેલ છે. નિશ્ચયથી, ઉપયોગગુણ વડે જે સર્વ અન્યથી અધિક છે તે આત્મામાં ભેદ આદિ છે જ નહિ.
અનંતકાળથી-અનાદિથી આત્માની સાથે રાગ, મિથ્યાત્વ છે. તેથી અજ્ઞાનીને એમ લાગે છે કે સંસાર તો જાણે અનંતકાળથી છે. તેને અહીં કહે છે કે-ભાઈ ! સંસાર અનાદિથી છે તે પ્રવાહની અપેક્ષાએ છે. બાકી ખરેખર તો જીવને સંસારની સાથે એક સમય પૂરતો જ સંબંધ છે. ૮૪ના અનંત અવતાર કર્યા તોપણ સંબંધ એક સમયનો જ છે. આ સંયમલબ્ધિના ભેદરૂપ ભાવ પણ એક સમય પૂરતા જ છે. તેઓ વસ્તુમાં કયાં છે? અહા ! કેવી શૈલી લીધી છે! આત્માનો સદાય અમૂર્ત સ્વભાવ છે અને તે ઉપયોગગુણ વડે અન્ય ભાવોથી ભિન્ન છે. માટે વર્તમાન પર્યાયને અંતરમાં વાળતાં, ઉપયોગ ગુણ વડે તે જુદો પડી જાય છે, અર્થાત્ ભેદ સાથે સંબંધ રહેતો નથી.
અનંતકાળથી પ્રવાહરૂપ સંસાર ભલે હો, તોપણ તેની સાથે જીવને અનંતકાળનો સંબંધ નથી, પણ એક સમયનો જ સંબંધ છે. ત્રિકાળી ભગવાન આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ છે. તેને ગમે તેટલો લાંબો સંસાર હો, અરે ૭૦ ક્રોડાકોડી સાગરોપમ કર્મની સ્થિતિ હો, પણ સંબંધની સ્થિતિ તો એક સમય પૂરતી છે. જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ ૩૦ ક્રોડાકોડી સાગરની છે એમ જે કહ્યું છે એ તો આખો સરવાળો કરીને કહ્યું છે. બાકી સંબંધ તો એક સમય પૂરતો જ છે. રાગ હો, મિથ્યાત્વ હો, ગુણસ્થાનના ભેદ હો કે જીવસ્થાનના ભેદ હો, એ સર્વ સાથે એક સમયનો જ સંબંધ છે. વર્તમાન એક સમયનો સંબંધ છે તેથી તે અપેક્ષાએ તે ભેદો જીવના છે એમ વ્યવહારથી કહ્યું, તથાપિ સ્વભાવની દષ્ટિથી જોતાં, તે ભેદો નિશ્ચયથી જીવને નથી. એક સમયની પર્યાયના સંબંધમાં અટકેલી દષ્ટિ ગુલાંટ ખાઈને, જ્ઞાનગુણે હું અધિક છું એમ જ્યારે સ્વભાવ પર સ્થિર થાય છે ત્યારે, તે એક સમયનો સંબંધ રહેતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com