________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
જીવવસ્તુમાં નથી. જોકે એ ભેદ છે પોતાને કારણે, કર્મને લઈને નહીં. કર્મને લઈને જ્ઞાન રોકાયું છે એમ નથી. જ્ઞાન પોતે જ ઊંધી પરિણતિએ હીણપણે પરિણમે છે અને તેથી અલ્પજ્ઞ છે. તેમાં ઉપાદાન તો પોતાનું છે અને જ્ઞાનાવરણીય કર્મ તો નિમિત્તમાત્ર છે.
કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુકલ એમ જે વેશ્યાના ભેદો છે તે વસ્તુમાં-શુદ્ધ જીવદ્રવ્યમાં નથી.
વળી ભવ્ય, અભવ્ય એવા ભેદ પણ જીવને નથી. ભવ્ય-અભવ્યપણું તો પર્યાયમાં છે. ચૈતન્યસ્વભાવી વસ્તુમાં ભવ્ય-અભવ્યપણાના ભેદ નથી. તેથી જ ભવ્ય હો કે અભવ્ય, વસ્તપણે શુદ્ધ હોવાથી પ્રત્યેક જીવ સમાન છે.
હવે કહે છે ક્ષાયિક ઉપશમ અને ક્ષયોપશમ એવા જે સમક્તિના ભેદો છે તે જીવને નથી. સમ્યગ્દર્શનનો વિષય જે અખંડ ધ્રુવ આત્મદ્રવ્ય છે તેમાં સમ્યગ્દર્શનના ભેદો નથી. બહુ ઝીણું, ભાઈ. પ્રભુ! તને પરમાત્મા બનાવવો છે ને? તું દ્રવ્યસ્વભાવથી તો પરમાત્મા છો જ, પરંતુ પર્યાયમાં પરમાત્મા બનાવવો છે, હોં! ભાઈ ! તું એવા અભેદ પરમાત્મસ્વરૂપે જો કે તેમાં ગુણભેદ કે પર્યાયભેદ નથી અને એવી અભેદ દષ્ટિ થતાં તું અલ્પકાળમાં પર્યાયમાં પણ પરમાત્મપદ પામીશ. અહીં ભેદનું લક્ષ છોડાવવા ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા સમક્તિના ભેદો પરમાત્મસ્વભાવમાં નથી એમ કહ્યું છે. એક સમયમાં પૂર્ણ જ્ઞાનરસકંદ શુદ્ધચૈતન્યઘનવસ્તુનો ચૈતન્ય-ચૈતન્ય-ચૈતન્ય....એવો ત્રિકાળી પ્રવાહુ ધ્રુવ એવો ને એવો છે. તેમાં ભેદ કેવા? માટે ભેદનું લક્ષ છોડી દે, નિમિત્તનું લક્ષ છોડી દે અને જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય છે ત્યાં દષ્ટિ દે અને સ્થિર થા.
વ્યવહારથી ધર્મ થાય એમ માનનારને આ એકાંત જેવું લાગે. એને એમ થાય કે પંચ મહાવ્રત પાળે, અનેક ક્રિયાઓ કરે, રસનો ત્યાગ કરે એ કાંઈ નહિં? હા, ભાઈ ! એ કાંઈ નથી. એ તો સંસાર છે. જીવ ચાહે નવમે રૈવેયક જાય કે સાતમી નરકે જાય, છે તો ઔદયિકભાવ જ ને? વસ્તુના સ્વરૂપમાં જ્યાં ભેદ પણ નથી તો વળી ઉદયભાવ કયાંથી રહ્યો? અરે, ક્ષાયિકભાવનાં સ્થાનો પણ જીવમાં નથી. નિયમસારની ૪૩મી ગાથામાં આવે છે કે-ક્ષાયિકભાવ, ઉદયભાવ, ઉપશમભાવ અને ક્ષયોપશમભાવનાં સ્થાનો જીવમાં નથી. આવો આનંદનો નાથ પ્રભુ પૂર્ણ સ્વરૂપે અંદર બિરાજમાન છે ત્યાં દષ્ટિ દે તો તને પરમાત્માના ભેટા થશે.
સંજ્ઞી-અસંજ્ઞીપણું પણ વસ્તુમાં નથી. વસ્તુ સંજ્ઞી કે અસંજ્ઞી કેવી ? વસ્તુ તો શુદ્ધ ચિતૂપ એકાકાર છે.
આહાર-અનાહારપણું વસ્તુમાં-આત્મામાં નથી. આહાર લેવાનો વિકલ્પ કે અનાહારીપણાનો વિકલ્પ તે બન્ને પર્યાય છે. એ વસ્તુમાં નથી. આમ માર્ગણાસ્થાનો સઘળાંય જે ભેદસ્વરૂપ છે તે જીવને નથી. કારણ કે તેઓ પુદ્ગલ દ્રવ્યના પરિણામમય છે જુઓ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com