________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૩૭ મોક્ષની પર્યાય એવી ને એવી રહેવાની છે, એ અપેક્ષાએ વિનાશિક નથી એમ કહ્યું છે. સિદ્ધગતિનું પરિણમન ભલે હો, પણ એવું ને એવું રહે છે માટે તેને વિનાશિકતા રહિત (ધ્રુવ ) કહેવાય છે.
વળી તે કેવી છે? અચળ છે. સિદ્ધગતિ અચળ છે. અચળ સ્વભાવમાંથી આવી છે માટે અચળ છે. સિદ્ધદશા એક વખત થઈ પછી તેમાં ફેરફાર થતો નથી. અનાદિકાળથી પર ભાવના નિમિત્તથી થતું જે પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિવશ અચળપણાને પામી છે. આ વિશેષણથી ચારેય ગતિઓને પરના નિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. જેવો સ્વભાવ અચળ છે તેવી જ સિદ્ધગતિ અચળ થઈ છે, એટલે ફરતી નથી.
વળી તે કેવી છે? અનુપમ છે. અહાહા..! સિદ્ધગતિ, એની શી વાત! સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો તેમનાથી વિલક્ષણ, અદભુત માહામ્યવાળી હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. સિદ્ધને ઉપમા સિદ્ધની. સિદ્ધની, બીજાની સાથે ઉપમા થઈ શકતી નથી અહાહા...! એક સમયમાં જેને અનંત અતીન્દ્રિય આનંદ, અનંત કેવળજ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા... એને કોની ઉપમા આપવી? આ વિશેષણથી ચારેય ગતિઓમાં જે પરસ્પર સમાનપણું મળી આવે છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. મોટા ચક્રવર્તીને સ્વર્ગ જેવું સુખ છે એમ ઉપમાથી કહેવાય, પણ પંચમગતિને કોઈ ઉપમા આપી શકાય એમ નથી.
વળી તે કેવી છે? અપવર્ગ તેનું નામ છે. સિદ્ધગતિનું નામ અપવર્ગ છે. ધર્મ, અર્થ, અને કામથી ભિન્ન છે. એ ત્રિવર્ગમાં એ આવતી નથી તેથી અપવર્ગ છે. ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે લક્ષ્મી, અને કામ એટલે વિષયની વાસના –આ ત્રિવર્ગ છે. મોક્ષગતિ આ વર્ગમાં નથી.
લ્યો, આ સિદ્ધ ભગવાનને વંદન કરીને માંગલિક કર્યું. આવા સિદ્ધ ભગવાન છે એમ જ્ઞાન કરીને તેમને વંદન કર્યું, તેમનો આદર કર્યો. ઓવે ઓથે “ણમો સિદ્ધાણં ” કહે એમ નહીં એમ અહીં કહે છે. આખા સંસારનો-ચોરાશીના અવતારનો અભાવ થઈને સિદ્ધ ગતિ ઉત્પન્ન થઈ છે, ભાઈ. એ વ્યય વિનાનો ઉત્પાદ થયો છે. પ્રવચનસારમાં આવે છે કે સિદ્ધ ભગવાનને સંસારનો જે વ્યય થયો છે તે ઉત્પાદ વિનાનો વ્યય છે. સંસારનો જે નાશ થયો તે હવે ઉત્પન્ન નહીં થાય. અહા! સિદ્ધગતિ જે ઉત્પન્ન થઇ છે તે વ્યય વિનાની ઉત્પન્ન થઇ છે. આવા સિદ્ધની વંદના કરી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com