________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૨૩ સામે અસંખ્યાત નરકના ભવ. ભાઈ ! ભૂલી ગયો તું, પણ અહીં તો ભગવાનના જ્ઞાનમાં આવેલી, શાસ્ત્રમાં કહેલી વાત કહેવાય છે. નરકના ભાવથી અસંખ્યાતગુણા અનંત દેવના ભવ કર્યા. અહીં કહેવાનો આશય એમ છે કે અનંતકાળમાં આવા જે અનંત દેવના ભવ કર્યા તે કાંઈ પાપથી થોડા કર્યા છે? વ્રત, તપ, આદિ પુણ્ય અનંતવાર કર્યો, પણ શુદ્ધનય અને તેનો વિષય જે ત્રિકાળ, એકરૂપ, ધ્રુવ આત્મા તેને જાણ્યો નહીં તેથી સમ્યગ્દર્શનાદિ ધર્મ થયો નહીં. તેથી આવું ભવભ્રમણનું દુઃખ ઊભું રહ્યું છે. ભવભ્રમણમાં દેવના ભવ કરતાં અનંતગુણા નિગોદતિ તિર્યંચના ભવ થયા છે. એક સમ્યગ્દર્શન વિના જીવને સંસારમાં અનંત ભવ-પરિભ્રમણની અકથ્ય વેદના ભોગવવી પડી છે.
અહો ! આ તો સર્વજ્ઞ પરમાત્માએ એક સમયમાં જે આત્મા જોયો અને કહ્યો તે કેવો છે અને તેનો અનુભવ કેમ થાય એની વાત ચાલે છે. અજ્ઞાનીઓ સમજ્યા વિના જે આત્મા, આત્મા કહે છે તેની વાત નથી. વેદાંતવાળા સર્વવ્યાપી જે આત્મા માને છે તેની પણ વાત નથી. અહીં તો અભેદ એકરૂપસત્ વસ્તુ જે અનંતગુણોનો પિંડ, નિત્ય ધ્રુવ સામાન્ય વસ્તુ છે તે આત્મા છે. તેને લોકો જાણતા નથી. આવા અભેદ આત્મામાં ભેદ નહીં હોવા છતાં “આ જાણે તે આત્મા, આ દેખે તે આત્મા” એવો ભેદ પાડી આત્માનું પરમાર્થસ્વરૂપ સમજાવવું તે અશુદ્ધનય છે, વ્યવહારનય છે. અનાદિથી લોકો અશુદ્ધનયને જ જાણે છે, ભેદરૂપ વસ્તુને જ જાણે છે. તેથી અભેદ એકરૂપ વસ્તુમાં ભેદ ઉપજાવીને એને સમજાવવામાં આવે ત્યારે જ પરમાર્થને સમજી શકે છે.
શુદ્ધનયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે, જ્યારે અશુદ્ધનયનો વિષય ભેદરૂપ અનેક પ્રકાર છે. અભેદ એકરૂપ વસ્તુમાં વ્યવહાર દ્વારા ભેદ પાડીને સમજાવવાથી તેઓ પરમાર્થને સમજી શકે છે. આ કારણે વ્યવહારનયને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. વ્યવહાર દ્વારા ભેદનું કથન એ નિશ્ચયવસ્તુને જાણવા માટે છે. આ જાણે-દેખે તે આત્મા” એમ ભેદ દ્વારા પરમાર્થવસ્તુ અભેદનો અનુભવ કરાવવાનું જ પ્રયોજન છે.
અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન કરાવે છે. ભેદ પાડીને અભેદ સમજાવ્યું છે. પણ ભેદનું આલંબન ન લેવું. “આ જ્ઞાન તે આત્મા” એમ ભેદ પાડીને અભેદની દષ્ટિ કરાવી છે. ત્યાં ગુણ-ગુણીના ભેદરૂપ વ્યવહારનો આશ્રય ન કરવો.
આત્મામાં પરવસ્તુ નથી, દયા, દાનનો રાગ નથી, પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા અનંતગુણો તેમાં અભેદપણે છે. ત્યાં પરમાર્થવસ્તુ સમજાવવા માટે ભેદ પાડીને ઉપદેશ છે. અભેદમાં ભેદ કહેવો તે વ્યવહારનય છે. માટે તે આશ્રય કરવા યોગ્ય નથી. તેનું આલંબન ન લેવું. ભેદ છોડીને દ્રવ્યસ્વભાવ એક ત્રિકાળી ધ્રુવનો આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com