________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૯૫
કદીય રાગરૂપ નથી. જ્ઞાયકમાં રાગનો અભાવ છે અને રાગમાં જ્ઞાયકનો અભાવ છે. આમ હોવા છતાં અજ્ઞાનીઓ કહે છે કે શુભભાવ કરતાં કરતાં ધર્મ થાય એ મોટી અચરજની વાત છે. અચેતનભાવ કરતાં કરતાં ચેતન કેમ પ્રગટે? રાગ કરતાં કરતાં વીતરાગતા કેમ થાય? એમ કદીય બને નહીં. તેથી આત્મા જે એક જ્ઞાયકભાવ છે તે પ્રમત્ત-અપ્રમત્તના ભેદરૂપ નથી એમ ન્યાય કહ્યો. હવે એને ‘શુદ્ધ’ કેમ કહેવો એની વાત કરે છે.
તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘ શુદ્ધ’ કહેવાય છે.
અહીં અન્યદ્રવ્યો એટલે કર્મનો ઉદય અને એનો ભાવ એમ લેવું. અહીં રાગની વાત નથી. જીવને કર્મનો ઉદય અને એના ભાવ ઉપર અનાદિથી લક્ષ છે. કર્મના ઉદયને વશ થઈ પોતે અટકે છે, માટે પુદ્ગલકર્મ અને એના ભાવનું લક્ષ છોડી એક જ્ઞાયકભાવનું લક્ષ કરવાની વાત છે.
પરભાવના ત્રણ પ્રકાર છે. એક કર્મનો ભાવ તે પરભાવ છે. રાગાદિ જે વિકાર થાય તે પરભાવ છે અને જે નિર્મળ પર્યાય થાય તે પણ સ્વભાવની અપેક્ષાએ પરભાવ છે. અહીં તો જડકર્મ અને એનો ભાવ એને પરદ્રવ્યનો ભાવ કહ્યો છે. ચૈતન્યદેવ જ્ઞાયક તેને પરભાવથી ભિન્નપણે સેવતાં-ઉપાસતાં તે ‘શુદ્ધ’ છે એમ કહ્યું છે. એટલે નિમિત્તનું લક્ષ છોડી જ્ઞાયક ઉપર લક્ષ કર્યું ત્યારે એણે જ્ઞાયકની ઉપાસના કરી, ત્યારે એને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાયો. એને તે ‘શુદ્ધ’ છે એમ કહેવામાં આવે છે. જેને જણાયો નથી એને ‘શુદ્ધ' છે એ ક્યાંથી આવ્યું? અહા! નિત્ય જે ધ્રુવસ્વભાવ છે ત્યાં અંદર લક્ષ જતાં શુદ્ધતા ઉત્પન્ન થાય ત્યારે એણે દ્રવ્યની સેવા કરી અને તેને જ્ઞાયક ‘શુદ્ધ’ છે એમ જણાયું. અંદર લક્ષ ગયા વિના ‘શુદ્ધ’ છે એમ કહે પણ તેનો કાંઈ અર્થ નથી.
અણુ ! ભગવાન આત્મા ચૈતન્યરસકંદ છે. એવો આત્મા દી જોયો-જાણ્યો નહીં અને તેની વાત સાંભળવાની પરવા કરી નહીં. દુનિયાના ડહાપણ ડોળ્યાં, બહારમાં કારખાનાં ધંધા-વેપાર આદિની ધમાલમાં રોકાઈ ગયો. પણ ભાઈ! એ તો પાગલપણું છે. આ તો દેવાધિદેવ તીર્થંકરદેવનાં કહેણ આવ્યાં કે જાણક સ્વભાવ એવો જ્ઞાયક અજાણ (જડ) સ્વભાવ એવા કર્મપુદ્દગલરૂપ અને એના ભાવરૂપ કેમ થાય? અહા ! ચૈતન્યસૂર્યનો પ્રકાશએ કર્મ અને રાગના અંધારારૂપ કેમ થાય? અહો! આત્મા એવો ને એવો ચૈતન્યરસના તત્ત્વથી ભરેલો છે. તેને પરથી -કર્મથી નિમિત્તથી ભિન્ન પડી ઉપાસવામાં આવતાં એટલે જ્ઞાયકનો પર્યાયમાં સ્વીકાર કરતાં એ ‘શુદ્ધ' છે એમ જાણવામાં આવે છે, અને તેને સમ્યગ્દર્શન અર્થાત્ ધર્મનું પહેલું પગથિયું કહેવામાં આવે છે. વળી શુદ્ઘનયના વિષયભૂત તે એકનો જ ઉગ્ર આશ્રય-સેવન કરતાં વિશેષ-વિશેષ શુદ્ધતારૂપ રત્નત્રયધર્મ પ્રગટ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com