________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનાદિના અંતરંગ શુત્રઓને જીતનાર હોવાથી જિન વીતરાગ સર્વજ્ઞ છે, જે અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યરૂપ અનંત ચતુષ્ટયસ્વરૂપ પરમ ઐશ્વર્યયુક્ત હોવાથી પરમોત્કૃષ્ટ આત્મા પરમાત્મા છે, જે શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમાત્માના સ્વરૂપને પ્રકાશનાર પરમાત્મપ્રકાશ છે, જે નિત્ય ત્રિકાલાબાધિત શાશ્વત છે અને જેનાં સર્વ કાર્ય સિદ્ધ થયાં હોવાથી મુક્તિરૂપ પરમ પદમાં જે બિરાજમાન છે, એવા પરમાત્મા સિદ્ધ ભગવંતને-પરમાર્થથી આ જીવનું પણ મૂળ સ્વરૂપ તેવું જ સિદ્ધ સદશ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ, પરમાત્મસ્વરૂપ જ છે તેનો પ્રકાશ, પ્રગટતા, આવિર્ભાવ, સ્વાનુભવ-વિલાસ થવા અર્ધ-પરમ ભક્તિથી નમસ્કાર હો! સારાંશ એ છે કે નમસ્કાર કરવા યોગ્ય પરમાત્મા જ છે. તેથી પરમાત્માને નમસ્કાર કરીને આ પરમાત્મપ્રકાશ ગ્રંથનું વ્યાખ્યાન કરું છું. ગ્રંથ પ્રારંભ
ગ્રંથકર્તા શ્રી યોગીન્દુદેવ ગ્રંથની આદિમાં મંગળ માટે ઈષ્ટદેવ શ્રી સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે
जे जाया झाणग्गियए कम्म-कलंक डहेवि। णिच्च-णिरंजण-णाण-मय ते परमप्प णवेवि।।१।। ये जाता ध्यानाग्निना कर्मकलङ्कानि दग्ध्वा। नित्यनिरंजनज्ञानमयास्तान् परमात्मनः नत्वा।।१।। થયા ધ્યાન-અનલે દહી, કર્મકલંક સમસ્ત, નિત્ય નિરંજન જ્ઞાનમય, નમું પરમાત્મ પ્રશસ્ત ૧
જે આત્માઓ ધ્યાનરૂપી અગ્નિવડે કર્મરૂપ કલંકને (મલિનતા) બાળીને નિત્ય, નિરંજન, જ્ઞાનમય સિદ્ધસ્વરૂપ થયા છે તે સિદ્ધ પરમાત્માને પ્રણામ કરીને હું પરમાત્મપ્રકાશનું વ્યાખ્યાન કરીશ.
જેમ મેઘપટલ દૂર થવાથી પ્રગટ થયેલા સૂર્યનાં કિરણોની પ્રભા અત્યંત પ્રબળપણે પ્રકાશે છે તેમ કર્મ આવરણરૂપી મેઘોનો વિલય થવાથી આત્મામાં અત્યંત નિર્મળ કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રકાશે છે. જ્યાં અનંત જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે ત્યાં આત્મા પરમાત્મા બને છે. કેવળજ્ઞાન સર્વ પદાર્થોને જાણવામાં સમર્થ છે તેથી તે જ્ઞાન સર્વ પ્રકારે ઉપાદેય છે.
અંતરાત્મ અવસ્થામાં જે કારણ-સમયસારરૂપ હતાં તે સિદ્ધ પરમેષ્ઠી અનંત ચતુષ્ટયરૂપે પરિણમ્યાં હોવાથી કાર્યસમયસાર થયાં તેથી તે સિદ્ધ પર્યાયની પરિણતિની પ્રગટતારૂપ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પરમાત્મા છે.
જેમ સુવર્ણ અન્ય ધાતુઓના મિશ્રણથી રહિત થતાં શુદ્ધ થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com