________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
પદ્મપુરાણ
એકસો પંદ૨મું પર્વ
૬૩૩
મહાબળવાન કયા કારણે આવી અવસ્થા પામ્યા, એ વિચાર કરતાં તેમનું શરીર ધ્રૂજવા લાગ્યું. જોકે પોતે સર્વવિધાના નિધાન છે તો પણ ભાઈના મોહથી વિદ્યા ભુલાઈ ગઈ. મૂર્ચ્છનો ઉપાય જાણનારા વૈધોને બોલાવ્યા, મંત્ર-ઔષધમાં પ્રવીણ કળાના પારગામી વૈધો આવ્યા. તે જીવતા હોય તો કાંઈક પ્રયત્ન કરે, તે માથું ધુણાવી નીચું મુખ કરી ગયા. ત્યારે રામ નિરાશ થઈ મૂર્છા ખાઈને પડી ગયા. જેમ વૃક્ષનું મૂળિયું ઉખડી જાય અને વૃક્ષ તૂટી પડે તેમ પોતે પડયા, મોતીના હાર, ચંદનમિશ્રિત જળ અને તાડના વીંઝણાથી પવન નાખી રામને સચેત કર્યા. તે વિહ્વળ બનીને વિલાપ કરવા લાગ્યા. શોક અને વિષાદથી પીડિત રામે આંસુઓના પ્રવાહથી પોતાનું મુખ આચ્છાદિત કર્યું. આંસુથી આચ્છાદિત રામનું મુખ જળધારાથી આચ્છાદિત ચંદ્ર જેવું દેખાય છે. રામને અતિવિહ્વળ જોઈને સર્વ રાજલોક રુદન કરવા લાગ્યા. દુઃખરૂપ સાગરમાં મગ્ન બધી સ્ત્રીઓ ખૂબ રોવા લાગી. તેમના અવાજથી દશે દિશા ભરાઈ ગઈ. તેમના વિલાપના શબ્દો સાંભળો-અરેરે નાથ! પૃથ્વીને આનંદના કારણ, અમને વચનરૂપ દાન આપો. તમે વિના કા૨ણે કેમ મૌન ધારણ કર્યું છે? અમારો શો અપરાધ છે? વિના અપરાધે અમને કેમ તજો છો? તમે તો એવા દયાળુ છો કે અનેક ભૂલ થાય તો પણ ક્ષમા કરો.
ત્યા૨૫છી આ ઘટનામાં લવ અને અંકુશ પરમ વિષાદ પામી વિચારવા લાગ્યા કે ધિક્કાર છે આ અસાર સંસારને. આ શરીર સમાન બીજું ક્ષણભંગુર કોણ છે જે એક આંખના પલકારામાં મરણ પામે છે. જે વિદ્યાધરોથી પણ ન જિતાય એવા વાસુદેવ પણ કાળની દાઢમાં આવી ગયા. માટે આ વિનશ્વર શરીર, આ વિનશ્વર રાજ્યસંપદાથી આપણી કઈ સિદ્ધિ છે? આમ વિચારીને ફરીથી માતાના ગર્ભમાં આવવાનો જેમને ભય લાગ્યો એવા આ સીતાના પુત્રો પિતાનાં ચરણારવિંદને નમસ્કાર કરી મહેન્દ્રોદય નામના ઉધાનમાં જઈ અમૃતેશ્વર મુનિનું શરણ લઈ બન્ને ભાગ્યવાન ભાઈ મુનિ થયા. જ્યારે આ બન્ને ભાઈઓએ દીક્ષા લીધી ત્યારે પ્રજાજનો અતિવ્યાકુળ થયા કે હવે અમારા રક્ષક કોણ ? રામને ભાઈના મૃત્યુનું મોટું દુ:ખ તેથી તે શોકના વમળમાં પડયા છે, જેમને પુત્રો ઘરમાંથી નીકળી ગયાની પણ કાંઈ સુધબુધ નથી. રામને રાજ્ય કરતાં, પુત્રો કરતાં, પ્રિયાઓ કરતાં, પોતાના પ્રાણ કરતાં લક્ષ્મણ અતિપ્યારા છે. જુઓ, આ કર્મોની વિચિત્રતા, જેનાથી આવા જીવોની આવી અવસ્થા થાય છે. સંસારનું આવું ચરિત્ર જોઈને જ્ઞાની જીવ વૈરાગ્ય પામે છે. ઉત્તમજનોને કાંઈ એક નિમિત્તમાત્ર બાહ્ય કારણ મળતાં અંતરંગના વિકારભાવ દૂર થઈ જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થાય છે, પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષયોપશમ હોય ત્યારે વૈરાગ્ય ઉપજે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણનું મરણ અને લવણાંકુશના વૈરાગ્યનું વર્ણન કરનાર એકસો પંદરમું પર્વ પૂર્ણ થયું.
***
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com