________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧૦ ઉપસંહાર ]
[ ૬૨૩ કારણે જીવના જ્ઞાન તથા દર્શનને (-શ્રદ્ધાને) મિથ્યાજ્ઞાન તથા મિથ્યાદર્શન કહેવાય છે. એ મિથ્યાભાવના છૂટી જવાથી જગતની ચરાચર વસ્તુઓનું જાણવું-દેખવું થાય છે; કેમ કે જ્ઞાન-દર્શન તો જીવના સ્વાભાવિક અસાધારણ ધર્મો છે. વસ્તુના સ્વાભાવિક અસાધારણ ધર્મોનો કદી નાશ થતો નથી; જો તેનો નાશ થાય તો વસ્તુનો પણ નાશ થઈ જાય. તેથી મિથ્યાવાસનાના અભાવમાં પણ જાણવું-દેખવું તો હોય છે; પણ બંધના કારણ-કાર્યનો અભાવ મિથ્યાવાસનાના અભાવની સાથે જ થઈ જાય છે. કર્મને આવવાના કારણોનો અભાવ થયા પછી, જાણવા-દેખવા છતાં પણ જીવને કર્મોનો બંધ થતો નથી. અને કર્મોનો બંધ નહિ થવાથી તેના ફળરૂપે સ્થૂળ શરીરનો સંયોગ પણ મળતો નથી, તેથી તેને ફરીને જન્મ હોતો નથી.
(જાઓ, તત્ત્વાર્થસાર પા. ૩૯૪). ૭. બંધ તે જીવનો સ્વાભાવિક ઘર્મ નથી જો બંધ તે જીવનો સ્વાભાવિક ધર્મ હોય તો તે બંધ જીવને સદા રહેવો જોઈએ; પણ તે તો સંયોગ-વિયોગરૂપ છે; તેથી જૂનો ટળે છે અને જીવ વિકાર કરે તો નવો બંધાય છે. જો બંધ સ્વાભાવિક હોય તો બંધથી જુદો કોઈ મુક્તાત્મા હોઈ શકે નહિ. વળી બંધ જો સ્વાભાવિક હોય તો જીવોમાં પરસ્પર અંતર ન દેખાય. ભિન્ન કારણ વિના એક જાતિના પદાર્થોમાં અંતર હોય નહિ, પણ જીવોમાં અંતર જોવામાં આવે છે. તેનું કારણ એ છે કે, જીવોનું લક્ષ ભિન્ન ભિન્ન પર વસ્તુ ઉપર છે. પર વસ્તુઓ અનેક પ્રકારની હોવાથી તેના લક્ષે જીવની અવસ્થા એક સરખી રહે નહિ. જીવ પોતે પરાધીન થતો રહે છે; તે પરાધીનતા જ બંધનનું કારણ છે. જેમ બંધન સ્વાભાવિક નથી તેમ તે આકસ્મિક પણ નથી અર્થાત્ કારણ વગર તેની ઉત્પત્તિ નથી. દરેક કાર્ય પોતપોતાના કારણ અનુસાર થાય છે. સ્થૂળ બુદ્ધિવાળા લોકો તેનું કારણ ન જાણતા હોવાથી તેને અકસ્માત્ કહે છે. બંધનું કારણ જીવના વિકાર ભાવ છે. જીવના વિકારી ભાવોમાં તારતમ્યતા દેખાય છે, તેથી તે ક્ષણિક છે અને વિકારભાવ ક્ષણિક હોવાથી, તેના કારણે થતો કર્મબંધ પણ ક્ષણિક છે; કેમકે જેનું કારણ શાશ્વત હોય તેનું કાર્ય પણ શાશ્વત હોય. તારતમ્યતા સહિત હોવાથી કર્મબંધ શાશ્વત નથી. શાશ્વતપણું અને તારતમ્યતા એ બન્નેને શીત અને ઉષ્ણતાની માફક પરસ્પર વિરોધ છે. તારતમ્યતાનું કારણ ક્ષણભંગુર છે, જેનું કારણ ક્ષણિક હોય તે કાર્ય શાશ્વત કેમ હોઈ શકે? કર્મનો બંધ અને ઉદય તારતમ્યતા સહિત જ થાય છે માટે બંધ શાથતિક કે સ્વાભાવિક ચીજ નથી; તેથી બંધના હેતુઓનો અભાવ થતાં મોક્ષ થાય છે-એમ સ્વીકારવું જ જોઈએ. (જુઓ, તત્ત્વાર્થસાર પાનું ૩૯૬).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com