________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪ ]
[ મોક્ષશાસ્ત્ર પડખાં પડે છે. વળી પોતે પોતાથી અતિરૂપ છે. અને પરથી નાસ્તિરૂપ છે. તેથી દ્રવ્ય, ગુણ અને પર્યાય બધું * અનેકાંતાત્મક (અનેક ધર્મરૂપે) છે. અપૂર્ણ મનુષ્ય કોઈ પણ પદાર્થનો વિચાર કરતાં આખા પદાર્થને એકી સાથે વિચારમાં લઈ શકે નહિ; પરંતુ વિચારવામાં આવતા પદાર્થનો એક પડખાનો વિચાર કરી શકે અને પછી બીજા પડખાનો વિચાર કરી શકે; એમ તેના વિચારમાં અને કથનમાં ક્રમ પડયા વિના રહે નહિ. તેથી જે વખતે ત્રિકાળી ધ્રુવ પડખાનો વિચાર કરે ત્યારે બીજું પડખું વિચાર માટે મુલતવી રહે. તેથી જેનો વિચાર કરવામાં આવે તેને મુખ્ય અને વિચારમાં જે બાકી રહ્યું તેને ગૌણ કરવામાં આવે. આ પ્રકારે વસ્તુના અનેકાંતસ્વરૂપનો નિર્ણય કરવામાં ક્રમ પડે છે. એ અનેકાંત સ્વરૂપનું કથન કરવા માટે તથા તે સમજવા માટે ઉપર કહેલી પદ્ધતિ ગ્રહણ કરવી તેનું નામ “સ્યાદ્વાદ” છે; અને તે આ અધ્યાયના ૩ર મા સૂત્રમાં આપી છે. જે વખતે જે પડખાને (અર્થાત્ ધર્મને) જ્ઞાનમાં લેવામાં આવે તેને “અર્પિત” કહેવાય છે, અને તે જ વખતે જે પડખાં અર્થાત્ ધર્મો જ્ઞાનમાં ગૌણ રહ્યા હોય તેને “અનર્પિત” કહેવાય છે. એ રીતે આખા સ્વરૂપની સિદ્ધિ-પ્રાપ્તિ-સાબિતી-જ્ઞાન થઈ શકે છે. તે આખા પદાર્થના જ્ઞાનને પ્રમાણ અને એક પડખાના જ્ઞાનને નય કહે છે અને “સ્યાત્ અસ્તિ-નાસ્તિ' ના ભેદો દ્વારા તે જ પદાર્થના જ્ઞાનને “સપ્તભંગી ' સ્વરૂપ કહેવામાં આવે છે.
(૬) અસ્તિકાય છ દ્રવ્યોમાંથી જીવ, ધર્મ, અધર્મ આકાશ અને પુદ્ગલ એ પાંચ અસ્તિકાય છે (સૂત્ર ૧, ૨, ૩); અને કાળ અતિ છે (સૂત્ર ૨-૩૯) પણ કાય (–બહુપ્રદેશ) નથી (સૂત્ર ૧).
(૭) જીવ અને પુદગલ દ્રવ્યની સિદ્ધિ ૧-૨. ૧. “જીવ' એક પદ છે અને તેથી તે જગતની કોઈ વસ્તુને-પદાર્થને સૂચવે છે, માટે તે શું છે એ આપણે વિચારીએ. એ વિચારવામાં આપણે એક મનુષ્યનું ઉદાહરણ લઈએ; જેથી વિચારવામાં સુગમતા પડે.
૨. એક મનુષ્યને આપણે જોયો. ત્યાં સર્વ પ્રથમ આપણી દષ્ટિ તેના શરીર ઉપર પડશે, તથા તે મનુષ્ય જ્ઞાનસહિત પદાર્થ પણ છે એમ જણાશે. શરીર છે એમ નક્કી કરવામાં આવ્યું તે ઇન્દ્રિયદ્વારા નક્કી થયું પણ તે મનુષ્યને જ્ઞાન છે એમ જે નક્કી કર્યું તે ઇન્દ્રિયદ્વારા નક્કી કર્યું નથી; કેમકે અરૂપી જ્ઞાન ઇન્દ્રિયગમ્ય નથી, પણ તે મનુષ્યના
* અનેકાંત = અનેક + અંત (-ધર્મ) = અનેક ધર્મો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com