________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૬૩
ધર્મપદ્ધતિમાં વિરુદ્ધતા થાય. તથા જેને તમે સાધુ માનો છો, તેનાથી પણ તમારો વિરોધ થયો; કારણ કે-તે આને સાધુ માને છે. વળી તમે જેનામાં યથાર્થ આચરણ માનો છો, ત્યાં વિચાર વડ જુઓ, તો તે પણ યથાર્થ મુનિધર્મ પાળતો નથી.
અહીં કોઈ કહે “અન્ય વેષધારી કરતાં તો આ ઘણા સારા છે, તેથી અમે તેમને સાધુ માનીએ છીએ.” પણ અન્યમતિઓમાં તો નાના પ્રકારના વેષ સંભવે, કારણ કે ત્યાં રાગભાવનો નિષેધ નથી, પણ આ જૈનમતમાં તો જેમ કહ્યું છે તેમ જ થતાં સાધુસંજ્ઞા હોય.
અહીં કોઈ કહે કે “શીલ સંયમાદિ પાળે છે, તપશ્ચરણાદિ કરે છે, તેથી જેટલું કરે તેટલું તો ભલું છે?”
સમાધાન - એ સત્ય છે. ધર્મ થોડો પણ પાળવો ભલો છે, પરંતુ પ્રતિજ્ઞા તો મહાન ધર્મની કરવામાં આવે અને પાળીએ થોડો તો ત્યાં પ્રતિજ્ઞાભંગથી મહાપાપ થાય છે. જેમ કોઈ ઉપવાસની પ્રતિજ્ઞા કરી એક વાર ભોજન કરે, તો તેને ઘણી વખત ભોજનનો સંયમ હોવા છતાં પણ, પ્રતિજ્ઞાભંગથી પાપી કહીએ છીએ. તેમ મુનિ-ધર્મની પ્રતિજ્ઞા કરી કોઈ કિંચિત્ ધર્મ ના પાળે તો તેને શીલ-સંયમાદિ હોવા છતાં પણ પાપી જ કહેવાય તથા જેમ કોઈ એકાસણની પ્રતિજ્ઞા કરી એક વાર ભોજન કરે તો તે ધર્માત્મા જ છે; તેમ પોતાનું શ્રાવકપદ ધારણ કરી, થોડું પણ ધર્મસાધન કરે, તો તે ધર્માત્મા જ છે. પણ અહીં તો ઉચ્ચ નામ ધરાવી, નીચી ક્રિયા કરવાથી પાપીપણું સંભવે છે. જો યથાયોગ્ય નામ ધરાવી ધર્મક્રિયા કરતો હોત તો પાપીપણું થાત નહિ. જેટલો ધર્મ સાથે તેટલો જ ભલો છે.
અહીં કોઈ કહે કે-પંચમ કાળના અંત સુધી ચતુર્વિધસંઘનો સદ્ભાવ કહ્યો છે. તેથી આમને સાધુ ન માનીએ તો કોને માનીએ?
ઉત્તર:- જેમ આ કાળમાં હંસનો સદ્ભાવ કહ્યો છે, તથા ગમ્યક્ષેત્રમાં હંસ દેખાતા નથી, તેથી કાંઈ બીજાઓને તો હંસ માન્યા જતા નથી, હંસ જેવું લક્ષણ મળતાં જ હંસ માન્યા જાય. તેમ આ કાળમાં સાધુનો સદ્દભાવ છે, તથા ગમ્યક્ષેત્રમાં સાધુ દેખાતા નથી, તેથી કોઈ બીજાઓને તો સાધુ માન્યા જાય નહિ, પણ સાધુનાં લક્ષણ મળતાં જ સાધુ માન્યા જાય. વળી એમનો પણ આ કાળમાં થોડાજ ક્ષેત્રમાં સદ્ભાવ દેખાય છે, ત્યાંથી દૂર ક્ષેત્રમાં સાધુનો સદ્ભાવ કેવી રીતે માનશો? જો લક્ષણ મળતાં માનો, તો અહીં પણ એ જ પ્રમાણે માનો, તથા લક્ષણ વિના માનો, તો ત્યાં અન્ય કુલિંગી છે, તેને પણ સાધુ માનો; પણ એ પ્રમાણે માનવાથી વિપરીતતા થાય, માટે એમ પણ બનતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com