________________
૩૯૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ભગવંતો જ્ઞાનમાં એક સાથે ઝળકી રહ્યાં છે ત્યાં જ્ઞાનમાં કાંઈ પર દ્રવ્યો નથી પણ જ્ઞાનની સ્વચ્છતાનું જ પરિણમન છે. જ્ઞાનમાં લોકાલોકની ઉપાધિ નથી. અહો ! આવા સ્વચ્છ જ્ઞાન સ્વભાવમાં ક્યાંય પરનું અવલંબન, વિકાર કે અધૂરાશ છે જ
ક્યાં ?
જેમ બજારમાં દુકાનમાં અરીસો ટાંગ્યો હોય તેમાં બજારમાં ચાલ્યા જતા હાથી ઘોડા મોટર સાયકલ માણસો સ્ત્રીઓ કોલસા કે વિષ્ટા વગેરે વિચિત્ર પદાર્થો ઝળકે છે પણ તે અરીસાને કોઈ ઉપર રાગ કે દ્વેષ થતો નથી; અરીસો પોતે સ્થિર રહે છે ને પદાર્થો તેમાં સ્વયમેવ ઝળકે છે. તેમ આત્માના ચૈતન્ય અરીસામાં વિશ્વના સમસ્ત ચિત્ર-વિચિત્ર પદાર્થો ઝળકે છે એવો તેનો સ્વભાવ છે પણ તેમાં કોઈ ઉપર રાગદ્વેષ કરવાનો તેનો સ્વભાવ નથી; સિદ્ધ ઉપર રાગ અને અભવ્ય ઉપર દેષ કરે એવું તેમાં નથી, તે તો નિજ સ્વરૂપમાં સ્થિર રહીને વીતરાગપણે વિશ્વના પ્રતિબિંબને પોતામાં ઝળકાવી રહ્યો છે. અરીસાનું દૃષ્ટાંત આપ્યું તે અરીસો તો જડ છે, તેને પરની કે પોતાના સ્વભાવની ખબર નથી, આત્મા તો લોકાલોક-પ્રકાશક ચૈતન્ય અરીસો છે, તે પોતે પોતાના અરીસામાં જુએ તો તેમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ દેખાય, ને લોકાલોકનું પણ જ્ઞાન થઈ જાય.
જુઓ, અહીં આચાર્ય ભગવાન કહે છે કે નિજ સ્વરૂપને જાણતાં પરનું જ્ઞાન થઈ જાય છે. સ્વભાવને જાણ્યા વગર એકલા પરને જ જાણવા જાય તો તે મિથ્યાજ્ઞાન છે, તેમાં પરનું પણ યથાર્થ જ્ઞાન થતું નથી. જ્યાં સ્વપ્રકાશકતારૂપ નિશ્ચય હોય ત્યાં જ પર પ્રકાશકતારૂપ વ્યવહાર હોય છે.
જગતમાં સ્વ અને પર બન્ને વસ્તુઓ છે, અને તે બન્નેને જાણવાનું જ્ઞાનનું સામર્થ્ય છે; પણ સ્વમાં પરનો અભાવ છે ને પરમાં સ્વનો અભાવ છે- આમ જાણવું તે અનેકાન્ત છે. અને તે જ સત્ય સ્વરૂપ છે. આવું સત્ય સ્વરૂપ જાણ્યા વગર ખરેખર કોઈ સત્યવાદી હોઈ ન શકે. એકાન્તવાદી જે કાંઈ બોલે તે બધું મિથ્યા છે- અસત્ય છે. સ્યાદ્વાદ તે જ ખરો સત્યવાદ છે. દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવ સામર્થ્યથી પરિપૂર્ણ છે ને પરથી છૂટી છે એમ અનેકાન્ત વડે સત્ય વસ્તુ સ્વરૂપને ઓળખ્યા વગર વીતરાગી સત્યની જાહેરાત થઈ શકે નહીં.
આત્માની સ્વચ્છ શક્તિમાં વિકાર નથી અને તે સ્વચ્છ શક્તિમાં અભેદ થઈને પરિણમતા પર્યાયમાં પણ મલિનતા રહી શકતી નથી. જેમ આંખમાં એક રજકણ પણ રહી શકે નહીં, તેમ આત્માના સ્વચ્છ ઉપયોગમાં વિકારનો અંશ પણ રહી શકે નહીં.
(આત્મધર્મ-૧૦૮, પેઈજ નં.-૨૪૧ થી ૨૪૪)