________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૩) આત્મા પરની સન્મુખ થઈને પરને નથી જાણતો પણ આત્મસન્મુખ રહીને આત્માને જાણતાં લોકાલોક જણાઈ જાય છે. માટે સર્વજ્ઞત્વશક્તિ આત્મજ્ઞાનમય છે. જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણું.
* હે જીવ! તારા જ્ઞાનમાત્ર આત્માના પરિણમનમાં અનંતધર્મો એક સાથે ઊછળી રહ્યા છે, તેમાં જ ડોકિયું કરીને તારા ધર્મને શોધ, ક્યાંક બહારમાં તારા ધર્મને ન શોધ. તારી અંતરશક્તિના અવલંબને જ સર્વજ્ઞપણું પ્રગટ થશે.
* જેણે પોતામાં સર્વશતા પ્રગટ થવાની તાકાત માની તે જીવ દેહાદિની ક્રિયાનો જ્ઞાતા રહ્યો; પરની ક્રિયાને તો ફેરવવાની વાત તો દૂર રહી પણ પોતાના પર્યાયને આઘાપાછા ફેરવવાની પણ બુદ્ધિ તેને હોતી નથી. જ્ઞાન ક્યાંય ફેરફાર કરતું નથી, માત્ર જાણે છે. જેણે આવા જ્ઞાનની પ્રતીત કરી તેને સ્વસમ્મુખદષ્ટિને લીધે પર્યાય-પર્યાયે શુદ્ધતા વધતી જાય છે ને રાગ છૂટતો જાય છે. આ રીતે જ્ઞાનસ્વભાવની દષ્ટિ તે મુક્તિનું કારણ છે.
* “સર્વજ્ઞતા” કહેતાં દૂરના કે નજીકના પદાર્થોને જાણવામાં ભેદ ન રહ્યા; પદાર્થ દૂર હો કે નજીક હો તેને લીધે જ્ઞાન કરવામાં કાંઈ ફેર પડતો નથી. દૂરના પદાર્થને નજીક કરવા કે નજીકના પદાર્થને દૂર કરવા તે જ્ઞાનનું કાર્ય નથી, પણ નજીકના પદાર્થની જેમ જ દૂરના પદાર્થને પણ સ્પષ્ટ જાણવાનું જ્ઞાનનું કાર્ય છે. “સર્વજ્ઞતા” કહેતાં બધાંને જાણવાનું આવ્યું પણ તેમાં ક્યાંય “આ ઠીક ને આ અઠીક'–એવી બુદ્ધિ કે રાગ દ્વષ કરવાનું ન આવ્યું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com