________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૨]
અહીં ચોકખી વાત કરી છે કે વીતરાગ તે આત્મા. વીતરાગ સર્વજ્ઞ અને આત્મા એક છે એમ નહિ પણ જે શુદ્ધ ચિદાનંદ સર્વજ્ઞ પરમાત્મા છે એવો જ તું જ્ઞાતાદૃષ્ટાનો કંદ આત્મા છો. આત્મા તદ્દન વીતરાગનો પિંડ જ છે. પરમાત્મા પર્યાયે વીતરાગ પિંડ થઈ ગયા ને તું વસ્તુએ વીતરાગ પિંડ જ છો. જાણવા-દેખવાની ક્રિયા સિવાય કોઈ એની ક્રિયા છે જ નહિ. એમ તું આત્માને જિન સરખો જાણ.-એમ ચરણાનુયોગનું કહેવું છે.
દ્રવ્યાનુયોગમાં તો આ જ કહ્યું છે. આત્માને અભેદ બતાવવો છે. ભેદથી બતાવે તોપણ કાંઈ ભેદ બતાવવો નથી, વ્યવહારથી બતાવે તોપણ કાંઈ વ્યવહાર બતાવવો નથી, બતાવ્યો છે તો એક અભેદ. આ વસ્તુ પૂરણ પરમાત્મા છે, મહા સત્ સ્વરૂપ ભગવાન ચિદાનંદ પરમાત્મા તું છો. અનંતા પરમાત્મા જેના ગર્ભમાં પડયા છે ને તેનો પ્રસવ કરવાની તાકાત જેમાં છે એવો તું આત્મા છે રાગને પ્રગટ કરે તે આત્મા નહિ, તે આત્મામાં છે નહિ, અલ્પજ્ઞતા રહે એ આત્મામાં છે નહિ એમ કહે છે આહાહા !
દીવાળી આવે ને વાણિયા ચોપડા મેળવે ને?—એમ આ કેવળજ્ઞાન પામવાના ટાણા છે. આહાહા ! સંસારનો સંકેલ ને મોક્ષનો વિસ્તાર! ચાર અનુયોગના સિદ્ધાંતનો સાર આ છે કે સંસારનો અભાવ ને મોક્ષની ઉત્પત્તિ. આત્મા પરમાત્મા સમાન છે એમ જાણ્યા વિના એને સ્વભાવનો આશ્રય નહિ થાય ને અલ્પજ્ઞ ને રાગનો આશ્રય નહિ ટળે ને સર્વજ્ઞ વીતરાગ નહિ થાય. આહાહા! આ કાંઈ વાતો નથી પણ વસ્તુનું સ્વરૂપ જ આવું છે.
સિદ્ધનગરમાં અનંતા સિદ્ધો બિરાજે છે. તેઓએ પહેલાં બહારથી નજર સંકેલીને અંદરનો વિસ્તાર કર્યો હતો, તું પણ બહારથી સંકેલો કરી નાખ. હું તો પૂરણ અભેદ પરમાત્મા જ છું, મારે ને પરમાત્માને કાંઈ ફેર નથી એમ ફેર કાઢી નાખનારને ફેર છૂટી જશે. આહાહા ! દિગંબર સંતોની કોઈ પણ ગાથા લ્યો પણ સંતોની કથન શૈલી અલૌકિક છે! પરમાત્મા પરમેશ્વરે જે ધર્મ કહ્યો તેને દિગંબર સંતોએ ધારીને ઢંઢેરો પીટયો છે!
ધર્મધૂરંધર યોગીન્દ્રદેવ પોકાર કરે છે કે અરે! આત્મા! તું પરમાત્મા જેવો ને તું જિનમાં ને તારામાં ફેર પડે છો? ફેર પાડીશ તો ફેર કે દી છૂટશે? તેથી કહે છે કે હું રાગવાળો, અલ્પજ્ઞતાવાળો એમ મનન નહિ કરો પણ જે જિનેન્દ્ર છે તે જ હું છું એવું મનન કરો ! અરેરે, હું અલ્પજ્ઞ છું, મારામાં આવી કાંઈ તાકાત હોતી હશે? એ વાત રહેવા દે ભાઈ ! હું તો પૂરણ પરમાત્મા થવાને લાયક છું—એમ નહિ પણ પૂરણ પરમાત્મા અત્યારે હું છું-એમ મનન કર ! આહાહા !
હું પોતે જ દ્રવ્યસ્વભાવે પરમાત્મા છું મારામાં ને પરમાત્મામાં ફેર નથી.-એમ મનન કર, આ સિદ્ધાંતનો સાર છે. ચાર અનુયોગના લાખો કથનનો આ સાર છે. વીતરાગની બધી વાણીના શાસ્ત્રોનો, દિવ્યધ્વનિનો સાર તો આ છે કે પરમાત્મા સમાન આત્મા જાણવો. સર્વજ્ઞ ને વીતરાગસ્વરૂપ હું આત્મા છું એમ અંતરષ્ટિ કર તો તું પર્યાયમાં પરમાત્મા થયા વિના રહીશ નહિ, તું પરમાત્મા થયા વિના રહી શકીશ નહિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com