________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
[હું
ગુલાંટ ખાઈને શુદ્ધ સ્વરૂપી ભગવાન આત્માની શ્રદ્ધા-જ્ઞાન ને સ્થિરતાના પરિણામ જ મોક્ષનું કારણ છે, દેહની ક્રિયા મોક્ષનું કારણ નથી એમ કહે છે! મોક્ષ પણ આત્માના પરિણામથી થાય, દેહની ક્રિયાના નિમિત્તથી થાય નહીં. સ્વભાવની મહિમાનું જ્ઞાન, સ્વભાવની મહિમાનો વિશ્વાસ, સ્વભાવની મહિમામાં લીનતારૂપ સ્વ-અભિમુખના પરિણામ એ જ ભગવાન આત્માને મુક્તિનું કારણ છે, પણ બે-પાંચ લાખ રૂપિયા દાન દેવાથી કાંઈ મુક્તિ કે ધર્મ થઈ જતો નથી. અરે! દાનના શુભરાગના પરિણામ તો બંધનું કારણ છે–એમ અહીં વાત ચાલે છે, કેમ કે એ તો ૫૨સન્મુખતાના પરિણામ છે. ધર્મીને દયા-દાન આદિના પરિણામ હોય ખરા, આવે ખરા, પણ એ જાણે છે કે આ બંધપરિણામ મારા અબંધસ્વરૂપી ભગવાન આત્માને બંધનું કારણ છે, ને સ્વસન્મુખતાના અબંધપરિણામ મારા અબંધસ્વરૂપી ભગવાન આત્માને છૂટવાનું કારણ છે.
આ તો યોગસાર છે ને! કહે છે કે સ્વરૂપની સન્મુખતાનો વેપાર એ પરિણામ મુક્તિનું કારણ ને સ્વરૂપથી વિમુખ પરિણામ તે બંધનું કારણ છે. સમ્યગ્દષ્ટિ હો કે મિથ્યાદષ્ટિ હો જે અશુદ્ધ પરિણામ થયા તે બંધનું જ કારણ છે. સમ્યગ્દષ્ટિને પણ વ્રતાદિના જેટલા પરિણામ આવે તે પ૨સન્મુખતાના પરિણામ છે ને જેટલા પરસન્મુખતાના પરિણામ છે તેટલું બંધનું કારણ છે તથા જેટલા સ્વસન્મુખતાના પરિણામ છે તે જ પરિણામ પૂરણ શુદ્ધ પરિણામરૂપી મુક્તિનું કારણ છે.
પરિણામથી જ મુક્તિ ને પરિણામથી જ સંસાર એમ તું જાણ. એમ જાણીને એ બન્ને ભાવને તું ઓળખ. ૫૨સન્મુખતાના પરિણામનું જ્ઞાન કર અને સ્વસન્મુખતાના પરિણામનું જ્ઞાન કર. પૂર્ણાનંદના નાથની સન્મુખના પરિણામને તું જાણ અને તેની વિમુખના પરિણામને તું જાણ. આ તો સમ્યગ્દષ્ટિને કહે છે કે જ્ઞાન તો બન્નેનું કરવાનું છે. સમકિતીને પણ વિષય-કષાયના કામ-ક્રોધના પરિણામ આવે છે, દયા-દાન-વ્રતભક્તિના પરિણામ આવે છે પણ એને તું બંધના કારણ જાણ.
અરે ! જ્ઞાન શું ન જાણે! ત્રણ કાળ ત્રણ લોકને જાણવાવાળું ચૈતન્યતત્ત્વ એ
સાધક સ્વભાવને ને બાધકપરિણામને કેમ ન જાણે? જેને ત્રણ કાળ ને ત્રણ લોક એક સમયની પર્યાયમાં સમાઈ જાય છે–એવો ભગવાન આત્મા સાધકપણામાં સ્વસન્મુખના પરિણામને અને પરસન્મુખના પરિણામને બરાબર જાણી શકે છે.
ભાઈ! તારે જન્મ-મરણ રહિત થવું હોય તો આ વાત છે. બાકી તો આ ચાર ગતિમાં ધોકા (–માર) તો અનાદિથી ખાઈ રહ્યો છે. હેરાન હેરાન થઈ ગયો. એક ચાર-છ કલાક બોલાય નહીં કે પડખું ફરી શકાય નહીં ત્યાં હાય હાય! ક્યાંય સખ પડતું નથી ! અકળામણ અકળામણ થાય છે! પણ અકળામણ શેની છે? અકળામણ તો તારા રાગની છે, પડખું ન ફરવાની નથી. ૫૨નું કરે કોણ? અહીં તો કહે છે કે જડની અવસ્થાના અભિમાનના પરિણામ બંધના કારણ છે. તને ખબર નથી બાપુ! ભગવાન આત્મા ચિદાનંદની મૂર્તિ પ્રભુ છે તેની સન્મુખના પરિણામ તે એક જ તને હિતકર અને કલ્યાણનું કારણ છે, એ સિવાય કોઈ તને હિતકર કે કલ્યાણનું કારણ છે નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com