________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮]
દશમાં ગુણસ્થાને જે સૂક્ષ્મ લોભ છે તેનો પણ નાશ થઈને જે સૂક્ષ્મ વીતરાગી પરિણામ ઉત્પન્ન થાય છે તેને સૂક્ષ્મ ચારિત્ર કહે છે. તે જ યથાખ્યાત- ચારિત્ર છે, તે મોક્ષનું સાક્ષાત્ કારણ છે.
ચારિત્રની શરૂઆત થયા પછી શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેના સામાયિક, છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, યથાખ્યાતચારિત્ર આદિ આ બધા પ્રકાર છે. સમયે સમયે શુદ્ધિની વૃદ્ધિ થાય છે એવી આ વાત બીજે ક્યાંય ન હોઈ શકે.
આ તો બધી આત્મારામને ભેટવાની વાતો છે. નિજપદ રચે સો “રામ” કહીએ, કર્મ કસે તેને કૃષ્ણ કહીંએ. અહીં કહે છે કે ભગવાન આત્મા પોતાના આત્મબાગમાં રમે તેને યથાખ્યાતચારિત્ર હોય છે. આ ચારિત્ર જ તેને અવિનાશી સુખનું સાક્ષાત્ કારણ છે.
ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિ અને ચાર અનંતાનુબંધીની પ્રકૃતિનો નાશ થઈને સ્વરૂપાચરણચારિત્ર પ્રગટ થઈ જાય છે. તે ચારિત્રની પૂર્ણતા તો યથાખ્યાતચારિત્રથી થાય છે પણ ચોથામાં તેના અંશરૂપ કણિકા ન જાગે તો તો આગળ જ ન વધી શકે.
અરે! આ તો તત્ત્વના નિર્ણયનો વિષય છે, તેમાં સમભાવે શાંતિથી વીતરાગી ચર્ચા કરીને નિર્ણય કરવો જોઈએ. તેમાં એક-બીજાને ખોટા પાડવાની વાત ન હોય ભાઈ ! કોઈની ભૂલ હોય તો પણ તેને બીજી રીતે સમજાવીને કહેવું જોઈએ. તેને દ્વષી કલ્પીને કે વિરોધી કલ્પીને કહેવું એ કાંઈ સજ્જનતાની રીત છે? આ તો વીતરાગ માર્ગ છે ભાઈ ! તેમાં તો શાંતિથી, ન્યાયથી જેમ હોય તેમ નિર્ણય કરવો જોઈએ અને જે સત્ય નીકળે તેને કબૂલવું જોઈએ. આમાં કોઈ પક્ષની વાત નથી.
ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર હોય એ વાત તો ટોડરમલજી, ગોપાલદાસજી બરૈયા, રાજમલજી વગેરે બધાનાં શાસ્ત્રોમાં આવે છે અને કદાચ સીધા શબ્દોમાં ન નીકળે તોપણ ન્યાયથી તો સમજવું જોઈએ ને ભાઈ ! “સર્વ ગુણાંશ તે સમ્યકત્વ' કહેતાં તેમાં ચારિત્રનો અંશ આવી જ જાય છે.
મિથ્યાષ્ટિને પોતાના જ્ઞાયકપણાનું ભાન ન હતું તેથી શરીરાદિ અને રાગદ્વષાદિ ભાવોમાં પોતાપણાની શ્રદ્ધા-જ્ઞાન અને લીનતા હતા. હવે જ્યાં શ્રદ્ધાએ ગુલાંટ ખાધી-નિજ પરમાત્માનું અવલોકન થયું તો તે પોતામાં ઠર્યા વિના શી રીતે થાય? એ ઠરે છે એનું જ નામ ભગવાન સ્વરૂપાચરણચારિત્ર કહે છે. અનંતાનુબંધીનાં ક્રોધ, માન, માયા, લોભ-આદિ ચાર કષાયનો નાશ થયો તો કાંઈક ચારિત્ર પ્રગટ થાય કે નહિ? ભલે એ દેશચારિત્ર કે સકલચારિત્ર નથી પણ સ્વરૂપાચરણરૂપ ચારિત્ર છે. સ્વભાવના સ્વાદ વગર શ્રદ્ધા ક્યાંથી થાય ? એ સ્વભાવનો સ્વાદ તે સ્વરૂપા- ચરણચારિત્ર છે, એથી આગળ વધીને ચારિત્ર પૂર્ણ થાય તેને થયાખ્યાતચારિત્ર કહે છે અને તેમાં ગુણસ્થાને ચારિત્રની સાથે અનંત આનંદ પ્રગટ થાય ત્યારે પરમ યથાખ્યાતચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર જ સાક્ષાત્ મોક્ષનું કારણ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com