________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮]
[ પ્રવચન નં. ૩૬ ] નિજ-પરમાત્મ-આશ્રિત નિશ્ચય
અન્ય સર્વ વ્યવહાર | [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૬-૭-૬૬ ]
શ્રી યોગીન્દુ મુનિરાજકૃત આ યોગસાર શાસ્ત્ર ચાલે છે. તેમાં અહીં ૮૯ મી ગાથા ચાલે છે. સમ્યગ્દષ્ટિ જીવ પરવ્યવહાર છોડીને પોતાના શુદ્ધ સ્વભાવનો આશ્રય લઈને તેમાં લીન થાય છે એ જ એક મોક્ષનો માર્ગ છે, એ વાત ચાલે છે.
अप्प सरूवहं [-सरूवइ ?] जो रमइ छंडिवि सहु ववहारु । सो सम्माइठ्ठी हवइ लहु पावइ भवपारु ।। ८९ ।। આત્મસ્વરૂપે જે રહે, તજી સકળ વ્યવહાર
સમ્યગ્દષ્ટિ જીવ તે, શીધ્ર કરે ભવપાર. ૮૯. એક એક શબ્દમાં મુનિરાજ કેટલો સાર ભરી દે છે! જ્યાં સુધી જીવ પરદ્રવ્ય આશ્રિત વ્યવહારમાં રહે છે અને પોતાના શુદ્ધ ચૈતન્યમૂર્તિ દ્રવ્યસ્વભાવના આશ્રમમાં આવતો નથી ત્યાં સુધી તેની મુક્તિ થતી નથી.
સમ્યગ્દર્શનમાં પણ પહેલાં સ્વદ્રવ્યનો આશ્રય હોય છે. પછી જેટલો પરદ્રવ્યનો આશ્રય રહે છે ત્યાં સુધી મુક્તિ થતી નથી. સીધી જ વાત છે કે વ્યવહાર પરાશ્રિત છે અને નિશ્ચય સ્વાશ્રિત છે. સાક્ષાત્ તીર્થકર ભગવાન હો, સર્વજ્ઞ હો, સમવસરણ હો, સમ્મદશિખર હો કે ગણધર આચાર્ય આદિ ભલે હો પણ તે પરદ્રવ્ય છે. તેના આશ્રયે સમ્યગ્દર્શન ત્રણકાળમાં થતું નથી. સ્વના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે.
ભગવાન ! ન્યાયથી તો સાંભળો ભાઈ ! આ આત્મદ્રવ્ય એક સેકંડના અસંખ્યાતમાં ભાગમાં શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો પિંડ છે. પુણ્ય-પાપના વિકલ્પ છે એ તો આસ્રવ છે, તે જીવ નથી અને શરીર, કર્મ આદિ અજીવ છે તે પણ જીવ નથી અને દિવ-શાસ્ત્ર-ગુરુ પણ પરદ્રવ્ય છે, પોતાના દ્રવ્યથી ભિન્ન છે, તો એ પરદ્રવ્યના આશ્રયે ધર્મની શરૂઆત કેમ હોઈ શકે? સ્વદ્રવ્યમાં અનંત....અનંત શુદ્ધતા ભરી પડી છે. તેના આશ્રય વગર પરાશ્રયે ધર્મની શરૂઆત-સમ્યગ્દર્શન કદાપિ હોઈ ન શકે.
તેથી જ અહીં દેવસેન આચાર્યકૃત ગાથાનો આધાર આપ્યો છે કે જ્યાં સુધી જીવ વ્યવહાર, રાગ, વિકલ્પ આદિનો આશ્રય કરે છે ત્યાં સુધી તે ભવ્ય જીવ ભલે કઠિન તપ કરતો હોય તોપણ મોક્ષ પામતો નથી. બાર-બાર મહિનાના ઉપવાસ કરે કે પરલક્ષે ઈન્દ્રિયદમન કરે એ તો બધો પુણ્યભાવ છે, બંધનું કારણ છે. તેનાથી મુક્તિ કોઈ કાળે ન થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com