________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[હું
૧૬૬ ]
પ્રભુ તને મારા માહાત્મ્યની ખબર નથી. અનંત...અનંત...અતીન્દ્રિય આનંદપર્યાયમાં અનંતકાળ સુધી અનંત અતીન્દ્રિય આનંદનો પ્રવાહ વહે તોપણ કદી ખૂટે નહિ એવો મોટો અનંત આનંદનો દરિયો તું પોતે જ છો. ભાઈ! આવા આત્માની એકવાર દૃષ્ટિ પ્રગટ કરતાં રાગનો શ્રદ્ધા-જ્ઞાનમાંથી નાશ થઈ જાય છે. ચારિત્રમાં રાગ આવે છે, પણ તેને જ્ઞાની કાળો સર્પ જાણી તેનો ત્યાગ કરવા અને સ્વરૂપમાં વિશેષ વિશેષ સ્થિરતા પ્રગટ કરવા–સ્વાનુભવનો વિશેષ અભ્યાસ કરવા મુનિપણું અંગીકાર કરે છે. મુનિદશામાં વીતરાગતાની વૃદ્ધિ ખૂબ થાય છે.
ભગવાન આત્મા જ્યાં ઉગ્ર પુરુષાર્થ કરીને સ્વરૂપમાં ઠરવાનો અભ્યાસ કરે છે ત્યાં કેવળજ્ઞાન દોડતું આવે છે. આત્માનુભવની ઉગ્રતા કેવળજ્ઞાનને બોલાવે છે ત્યાં કેવળજ્ઞાન દોડતું આવે છે.
આ ગાથામાં સમ્યગ્દર્શન, મુનિદશા અને કેવળજ્ઞાન ત્રણેય ભૂમિકાની વાત આવી ગઈ. હવે ૮૩ ગાથામાં કહે છે કે રત્નત્રયયુક્ત જીવ જ ઉત્તમ તીર્થ છે.
रयणत्तय-संजुत्त जिउ उत्तिमु तित्थु पवित्तु ।
मोक्खहं कारण जोइया अण्णु ण तंतु ण मंतु ॥ ८३ ॥ રત્નત્રયયુત જીવ જે, ઉત્તમ તીર્થ પવિત્ર. હૈ યોગી ! શિવહેતુ એ, અન્ય ન તંત્રન મંત્ર. ૮૩.
યોગીન્દ્રદેવ મુનિરાજ ૧૩૦૦ વર્ષ પહેલાં નગ્ન દિગંબર મહાસંત થઈ ગયા. જંગલમાં જેમ સિંહ ત્રાડ નાખતો આવે છે તેમ મુનિરાજ ગર્જના કરતાં કહે છે કે ઉત્તમ તીર્થ તો રત્નત્રયયુત જીવ પોતે જ છે. અન્ય સમ્મેદશિખર, ગિરનાર, શત્રુંજય આદિ તીર્થો તો શુભભાવના નિમિત્તો છે, તેનાથી શુભભાવ થાય પણ ધર્મ ન થાય. ભવસાગરથી તરવાનું તીર્થ તો શુદ્ધ આત્માનું દર્શન-જ્ઞાન અને ચારિત્ર જ છે. તે
સિવાય તરવાનો બીજો કોઈ ઉપાય નથી.
નિશ્ચયરત્નત્રય જ સાક્ષાત્ તીર્થ છે, ઉત્તમ તીર્થ છે, પવિત્ર તીર્થ છે, તે તીર્થની યાત્રા કરવાથી જ જન્મ-મરણનો નાશ થઈ મુક્તિ પ્રાપ્ત થાય છે. એ સિવાય મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી, મુક્તિનું ઉપાદાનકારણ શુદ્ધાત્માના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ રત્નત્રય જ છે.
ભગવાન આત્મા સ્વયં જ્ઞાનચેતનામય છે, જ્ઞાનસ્વરૂપનું વેદન તે જ્ઞાનચેતના છે. રાગાદિનું વેદન તે અજ્ઞાનચેતના છે. નિરાકુળ-ભગવાન આત્માની દૃઢ શ્રદ્ધા થવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે આત્માની જ ભૂમિકામાં, આત્માના આશ્રયે જ પ્રગટ થાય છે. રાગની ભૂમિકામાં સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી.
આત્માનું જ્ઞાન તે સમ્યગ્દર્શન છે અને આત્માના આશ્રર્ય, આત્મામાં થતી સ્થિરતાનું નામ સમ્યક્ ચારિત્ર છે, આ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ તીર્થ તે જ ઉત્તમ તીર્થ છે, શાશ્વત તીર્થ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ ધર્મોથી રચિત આ તીર્થ છે. આત્મારૂપ જહાજને આત્મારૂપ સાગરમાં ચલાવતો આત્મા જ મોક્ષદ્વીપમાં પહોંચી જાય છે. રત્નત્રયરૂપ પરિણત આત્મા જ ઉત્તમ તીર્થ છે આ તીર્થ દ્વારા આત્મા મુક્તિને પામે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com