________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૧૬૫ શ્રીમદે લખ્યું છે ને કે“ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ,
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદમય છે એમ નહિ માનતા, આત્માને રાગવાળો, શરીરવાળો, પુણ્ય-પાપવાળો, સંયોગવાળો માનવો એ રૂપ જે ભ્રાંતિ એના જેવો બીજો કોઈ રોગ જગતમાં નથી. એ રોગને ટાળવાનો ઉપાય બતાવનાર સદ્ગુરુ છે. એ સદ્ગુરુ તો ત્યાં સુધી કહે છે કે તું અમારા પ્રત્યે રાગ કરે છે એ પણ રોગ છે. પ્રભુ! એ રોગ ટાળવાનો ઉપાય શું!
અનુભવ રત્નચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ. શુદ્ધાત્માનો અનુભવ કરવો એ જ રોગ ટાળવાનો એકમાત્ર ઉપાય છે. તેથી જ જ્ઞાની ધંધા આદિ પ્રવૃત્તિની વચ્ચે પણ અનુભવનો સમય કાઢી લે છે. આત્માનો સ્પર્શ કરીને અનુભવ કરી લે છે એ અનુભવ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ તેને બહારની પ્રવત્તિ અને સંયોગોથી વૈરાગ્ય આવતો જાય છે. વેપાર આદિ પ્રવત્તિમાં ક્યાંય ચેન પડતું નથી. તેથી આત્મામાં વિશેષ લીન થવા માટે ધર્મી જીવ બહારથી સંયોગોનો ત્યાગ કરી મુનિ થઈ વનમાં ચાલ્યા જાય છે.
પોતાના આત્માને ઉગ્રપણે સાધવાનો પુરુષાર્થ ઉપડતાં બહારની વસ્તુઓનો ત્યાગ સહજ થઈ જાય છે. જેમ હુડકાયું (પાગલ) કૂતરું જેને કરડ્યું હોય તેને પાણી, પવન, ભોજન કાંઈ રુચતું નથી, ક્યાંય ચેન પડતું નથી. તેમ જેને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની અંતર લગની લાગી છે એવા ધર્મી જીવને બહારમાં ક્યાંય ચેન પડતું નથી, રુચિ લાગતી નથી. બોલવું, ચાલવું, વેપાર, આબરું, મનોરંજન આદિમાં ક્યાંય મન ઠરતું નથી. એક આત્માની લગની લાગી છે તે પોતાના અંતર સ્વભાવમાં ઉગ્રપણે લીન થવા ઘર-વસ્ત્ર આદિ બહારના સંયોગોનો ત્યાગ કરે છે, તેનું નામ નિગ્રંથ કહેવામાં આવે છે.
ધર્મી જીવને અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માની જ્યારથી રુચિ અને પ્રીતિ લાગી છે ત્યારથી શ્રદ્ધામાંથી તો રાગનો ત્યાગ થઈ ગયો છે. રાગ આવે છે તેને રોગ જાણી નાશ કરવાનો પ્રયત્ન કરે છે. ધર્મી જીવને શ્રદ્ધા-જ્ઞાન અપેક્ષાએ તો રાગનો સંન્યાસ (ત્યાગ) ચોથા ગુણસ્થાનથી જ થઈ જાય છે. સમકિતી કહે છે અહો ! અમને અમારા આત્મા સિવાય બીજે ક્યાંય રુચતું નથી. શુભભાવ પણ અમને રુચતાં નથી. મિથ્યાષ્ટિને શુભભાવ રુચે છે ને પોતાના સ્વભાવનો અનાદર કરે છે.
૯૨ લાખ માળવાના અધિપતિ રાજા ભર્તુહરીએ જ્યારે પ્રાણથી પણ પ્યારી પીંગળાનો માયાચાર જાણ્યો ત્યારે તેને કેવો વૈરાગ્ય આવ્યો હશે! ધર્મીને આખા જગત પ્રત્યે વૈરાગ્ય વર્તે છે. સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાનમાં જ સાચું જ્ઞાન અને વૈરાગ્ય અંતરથી પ્રગટ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com